Abtak Media Google News

વર્ષ ૨૦૧૬-૧૭ના ઉત્પાદન અને ૨૦૧૭-૧૮ના અંદાજ વચ્ચે માર્કેટમાં શેર્સ ખૂબ વોલેટાઇલ રહ્યા

શુગર શેર્સ ઊંધા માથે પટકાયા છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન દેશમાં ખાંડના ઉત્પાદનમાં તીવ્ર વૃદ્ધિના અહેવાલે બજારમાં મંદીના માહોલમાં શુગર શેર્સ કડવા બન્યા છે.

મિડ-કેપ સેગમેન્ટમાં છેલ્લાં બે વર્ષોમાં તીવ્ર રિટર્ન દર્શાવનાર કોમોડિટી શેર્સ તેમની વાર્ષિક ટોચથી ૬૮ ટકા સુધીનું ધોવાણ દર્શાવી રહ્યા છે. જેમાં નોંધપાત્ર ઘટાડો તો છેલ્લા એક પખવાડિયામાં જોવા મળ્યો છે. ગુરુવારે મોટા ભાગના શુગર શેર્સે તેમનું ૫૨ સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું ને દિવસ દરમિયાન ૮ ટકા સુધીનો ઘટાડો દર્શાવતા હતા. નિફ્ટી તેની સર્વોચ્ચ સપાટીથી ૮ ટકા જેટલો નીચે ચાલી રહ્યો છે. ગુરુવારે સતત છ ટ્રેડિંગ સત્રો બાદ વૈશ્વિક બજારોમાં સુધારા પાછળ સ્થાનિક બજારમાં પણ સુધારો નોંધાયો હતો.

શેરબજાર પર લિસ્ટેડ લગભગ ૨૩ શેર્સની છેલ્લા કેટલાક મહિનાની વધ-ઘટનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તેઓએ તેમની ૫૨ સપ્તાહની ટોચથી તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. જેમ કે મવાના શુગરનો શેર સપ્ટેમ્બર મહિનામાં તેણે દર્શાવેલી ₹૧૪૫ની ટોચથી ત્રીજા ભાગનો થઈ ગયો છે.

ગુરુવારે તે ₹૪૬ની સપાટી પર જોવા મળ્યો હતો. આ જ રીતે ૫૨ સપ્તાહની ટોચથી તીવ્ર પછડાટ ખાનારા અન્ય શુગર શેર્સમાં સિમ્ભાવલી શુગર્સ (-૬૬ ટકા), દ્વારકેશ શુગર (-૬૫ ટકા), કેએમ શુગર (-૬૧ ટકા), ધરણી શુગર (-૬૦ ટકા), રાજશ્રી શુગર (-૬૦ ટકા), દાલમિયા શુગર (-૫૯ ટકા), ઉત્તમ શુગર (-૫૭ ટકા) અને થિરુઅરુરન શુગર (-૫૫ ટકા)નો સમાવેશ થાય છે. શુગર શેર્સે કેલેન્ડર ૨૦૧૫થી ૨૦૧૭ના મધ્ય સુધીમાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. જેનું મુખ્ય કારણ કોમોડિટીઝના ભાવમાં મજબૂતી હતું. જોકે છેલ્લા છ મહિના દરમિયાન મોટા ભાગના શુગર શેર્સમાં ટ્રેન્ડ બદલાયો હતો અને તેઓ સતત ઘસાતા રહ્યા હતા.

તાજેતરમાં ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશન (ઇસ્મા)ના એક અંદાજ મુજબ દેશમાં ૨૦૧૭-૧૮(ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં ખાંડનું વિક્રમ ઉત્પાદન થશે. તેના મતે ખાંડનું ઉત્પાદન ૪૫ ટકા વધીને ૨.૯૫ કરોડ ટન રહેશે. અગાઉ તેણે ૨૦૧૭-૧૮ના માર્કેટિંગ માટે ૨.૬૧ કરોડ ટન ઉત્પાદનનો અંદાજ મૂક્યો હતો. દેશમાં ખાંડ ઉત્પાદનમાં અગ્રણી તમામ ત્રણ રાજ્યોમાં કોમોડિટીનું ઉત્પાદન વધશે એમ ઇસ્માનું કહેવું છે.

બ્રાઝિલ બાદ ભારત ખાંડનો બીજા ક્રમનો ઉત્પાદક દેશ છે. ૨૦૧૬-૧૭માં દેશમાં ખાંડનું ઉત્પાદન ૨.૦૩ કરોડ ટનના સ્તરે રહ્યું હતું. શુગર શેર્સ સામાન્ય રીતે ખૂબ વોલેટાઇલ હોય છે. કેમ કે કોમોડિટીના ઉત્પાદન અને ભાવ સાથે તેને સીધી નિસ્બત હોય છે.

અગાઉ કેલેન્ડર ૨૦૦૫માં ટોચ દર્શાવ્યા બાદ મોટા ભાગના શુગર શેર્સ મોટી મંદીમાં ચાલ્યા ગયા હતા ને લાંબા સમય સુધી તેઓ મંદીમાં જ રહ્યા હતા. જોકે કેલેન્ડર ૨૦૧૫ બાદ તેમાં ફંડામેન્ટલ્સ બદલાયાં હતાં. જો ખાંડના ઉત્પાદનમાં વૃદ્ધિ સાથે માગ પણ ઊંચી જળવાશે તો કદાચ આ વખતે શુગર શેર્સમાં મંદી લાંબું ના ટકે તેવું બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.