વાતાવરણમાં અચાનક પલ્ટો : કચ્છમાં વરસાદ, ઠંડી ઘટી

87

વહેલી સવારે ઝાંકળવર્ષા

બનાસકાંઠા, અંબાજી, કચ્છનાં લખપતમાં કમોસમી વરસાદથી ખેડુતોની ચિંતામાં વધારો: રાજકોટ-ગોંડલ હાઈવે સહિત અનેક શહેરોમાં ધુમ્મસ સાથે ભેજવાળું વાતાવરણ: ઝાકળનાં કારણે વિજીબિલિટીમાં ઘટાડો થતા વાહનચાલકો પરેશાન

કમોસમી વરસાદ ગુજરાતમાંથી જવાનું નામ જ લેતો નથી. આખું વર્ષ ગુજરાતમાં વરસાદ રહ્યો છે ત્યારે આજે ફરીથી ગુજરાતનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ રાજયનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકયો છે. આજે સવારે કમોસમી વરસાદ ખાબકયો હતો. બનાસકાંઠા, કચ્છ સહિતનાં વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડવાથી થરાદ, ધાનેરા, લાખણીનાં ખેડુતોનો જીવ પડીકે બંધાયો હતો. કચ્છનાં લખપત તાલુકાનાં કાંઠા વિસ્તારોમાં અચાનક ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો. લખપત તાલુકામાં ગત મોડીરાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા દયાપર, ઘડુલી, વર્માનગર, દોલતપર, મેઘપર, નારાયણ સરોવરમાં વરસાદી ઝાપટુ પડયું હતું જેનાં કારણે માર્ગ પરથી પાણી વહી ગયા હતા. મહેસાણા જિલ્લાનાં વાતાવરણમાં પણ આજે સવારે પલટો આવ્યો હતો. વરસાદની સાથે રાજયભરમાં તાપમાનનો પારો પણ પટકાયો હતો. અમુક વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચકાયો હતો. આજે વહેલી સવારે રાજકોટ-ગોંડલ હાઈવે સહિત જસદણ પંથકમાં ભારે ઝાકળવર્ષા જોવા મળી હતી તેને લઈને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

હવામાન વિભાગ દ્વારા કચ્છ અને બનાસકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. વેસ્ટન ડિસ્ટબન્સનાં કારણે ઉતરાખંડનાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષાનાં પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ આગાહીને લઈને બનાસકાંઠા અને કચ્છ તેમજ મહેસાણામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ પડયો હતો.

અંબાજી પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડયો હતો. વરસાદનાં કારણે ઠંડીનાં પ્રમાણમાં આંશિક વધારો નોંધાયો હતો. ઠંડીનો પારો ગગડતા તાપમાન ૧૩ ડિગ્રીએ પહોંચ્યું હતું. બીજી તરફ બનાસકાંઠાનાં થરાદ, લાખણી અને ધાનેરામાં કમોસમી વરસાદી છાંટા પડયા હતા. કમોસમી છાંટાને લઈ ખેડુતો ચિંતિત બન્યા છે. જીરૂ, રાયડો, એલન્ડા, રાજગરાનાં પાકને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે. કચ્છનાં લખપત તાલુકામાં મોડીરાત્રે અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. તેને લઈને ખેડુતો ભારે ચિંતામાં મુકાયા હતા.

અમદાવાદ, બરોડા અને રાજકોટ સહિતનાં શહેરોમાં ઠંડીનો પારો ઉંચકાયો છે. લઘુતમ પારામાં સામાન્ય વધ-ઘટ વચ્ચે ઠંડીનાં ચમકારા ચાલુ થયા છે. અનેક જિલ્લાઓમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી જેનાં કારણે રસ્તાઓ પર વીજીબીલીટી ઘટી ગઈ છે. વાહન ચાલકો પરેશાન થયા છે. હેડલાઈટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી છે. ધુમ્મસ સાથે ભેજવાળું વાતાવરણ બનતાં ઠંડીમાં અચાનક વધારો થયો છે.

રાજયનાં શહેરોનાં લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું ૧૨.૮ ડિગ્રી, ડિસાનું ૧૫.૪ ડિગ્રી, વડોદરાનું ૧૫.૬ ડિગ્રી, સુરતનું ૧૬.૨ ડિગ્રી, રાજકોટનું ૧૬.૮ ડિગ્રી, ભાવનગરનું ૧૭.૫ ડિગ્રી, પોરબંદરનું ૧૭.૨ ડિગ્રી, વેરાવળનું ૧૮ ડિગ્રી, દ્વારકાનું ૨૧.૫ ડિગ્રી, ઓખાનું ૨૦.૯ ડિગ્રી, ભુજનું ૧૭.૭ ડિગ્રી, નલીયાનું ૧૭.૬ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૭ ડિગ્રી, કંડલાનું ૧૬.૭ ડિગ્રી, ગાંધીનગરનું ૧૨.૨ ડિગ્રી, મહુવાનું ૧૫.૭ ડિગ્રી, દિવનું ૧૫.૧ ડિગ્રી, વલસાડનું ૧૮.૧ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું ૧૫.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

Loading...