Abtak Media Google News

ધો.૧૦ની બોર્ડની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૮માં લેવાનારી ધોરણ-૧૦ની પરીક્ષા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ-૧૦ની પરીક્ષા માટે મંગળવારથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે અને આ કાર્યવાહી ૧૦ નવેમ્બર સુધી ચાલશે. એટલે કે, એક માસ સુધી ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરાય તે પહેલા સ્કૂલોએ નોંધણી કરાવવાની રહેશે, સ્કૂલોએ શિક્ષકોનું રજિસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે ત્યાર બાદ જ વિદ્યાર્થીઓના ફોર્મ ભરી શકાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૮માં લેવાનારી ધોરણ-૧૦ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોરણ-૧૦ની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીનો મંગળવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ સાથે બોર્ડની પરીક્ષાની તૈયારીઓની સત્તાવાર શરૂઆત થઈ ચુકી છે. ધોરણ-૧૦ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ કાર્યવાહી ૧૦ નવેમ્બર સુધી ચાલશે. એટલે કે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે એક માસનો સમય અપાયો છે.

બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરીમાં ખાનગી સ્કૂલોના શિક્ષકો આવતા ન હોવાની ફરિયાદો દરવર્ષે ઊઠતી હોય છે અને તેના પગલે ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થઈ શકતી ન હોવાથી પરિણામ સમયસર જાહેર કરવામાં મુશ્કેલી પડે છે. આ સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે બોર્ડ દ્વારા આ વખતે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરાય તે પહેલા સ્કૂલોએ સ્કૂલોની નોંધણી ઓનલાઈન કરવાની રહેશે. એટલું જ નહીં, સ્કૂલોની નોંધણી કર્યા બાદ શિક્ષકોની નોંધણી પણ કરવાની રહેશે. આમ, સ્કૂલની નોંધણી અને શિક્ષકોની નોંધણી કર્યા બાદ જ ધોરણ-૧૦ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની નોંધણી કરી શકાશે.

અગાઉ શિક્ષકોની તમામ વિગતો બોર્ડ પાસે રહેતી ન હતી. જ્યારે બોર્ડ ખાનગી સ્કૂલોના શિક્ષકોના ઉત્તરવહી મુલ્યાંકનના ઓર્ડર ઈશ્યુ કરે ત્યારે શિક્ષક નોકરી છોડીને જતાં રહ્યા હોવાના બહાના બતાવી સ્કૂલો અથવા તો શિક્ષકો મુલ્યાંકનની કામગીરીમાં જોડાતા ન હતા. જેથી ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો પર ભારણ વધતું હતું. પરંતુ હવે સ્કૂલો જાતે જ શિક્ષકોનું રજિસ્ટ્રેશન કરશે. જેના પગલે શિક્ષકોને ફરજિયાત મુલ્યાંકનમાં જોડાવવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.