Abtak Media Google News

ત્રણેય વિદ્યાર્થીઓની ૧૪ દિવસ આરોગ્ય ચકાસણી, ભોજનની વ્યવસ્થા મંદિર કરશે

પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં ગુજરાતમાંથી અન્ય દેશોમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાની ભારત સરકારની પ્રતિબધ્ધતાના ભાગ રૂપે ખાસ વિમાન દ્વારા ૨૪૪ વિદ્યાર્થીઓ અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. જે અન્વયે સુરેન્દ્રનગર ખાતે ભૂજ અને હળવદના બે વિદ્યાર્થીઓ અને રાજકોટની ૧ વિદ્યાર્થીની મળી કુલ ૩ વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા. જે તમામ વિદ્યાર્થીઓને વઢવાણ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને એન.આર.આઈ. પરત ટીમના નોડલ અધિકારી એચ. એચ. ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતુ કે, વિદેશમાં રહી ઉચ્ચ અભ્યાસ કરી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓને વતનમાં પરત લાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસોના ભાગરૂપે અમદાવાદથી વોલ્વો બસ દ્વારા ભૂજ, હળવદ અને રાજકોટના મળી ૩ વિદ્યાર્થીઓ સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યા છે. તેમને સરકારની માર્ગદર્શિકા અને કોવિડ-૧૯ની મહામારી સંદર્ભેની સૂચનાઓ પ્રમાણે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ૧૪ દિવસ સુધી દરરોજ આ વિદ્યાર્થીઓના આરોગ્ય ચકાસણીની સાથે તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ તમામ વ્યવસ્થાઓ વિનામૂલ્યે વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવી છે.

વઢવાણ સ્વામિનારાયણ મંદિરના મહંત માધવેન્દ્ર પ્રસાદએ વિદેશથી આવેલ આ વિદ્યાર્થીઓ માટે તેમની સંસ્થામાં કરવામાં આવેલ વ્યવસ્થા બાબતે જણાવ્યું હતુ કે, કોરોના સામે લડવું એ તમામની ફરજ છે. આ માટે સ્વામિનારાયણ સંપ્રદાય સદાસર્વત્ર તૈયાર છે. વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ ભારત સરકારના સહયોગથી ભારત પરત આવ્યા છે. ત્યારે આપણી પણ નૈતિક ફરજ અને જવાબદારી પણ છે કે, આપણે તેમને તરછોડીએ નહીં. તેઓ આ ૧૪ દિવસનો ક્વોરન્ટાઈન સમય પૂર્ણ કરે તે માટે આપણે તેમને મદદરૂપ બનવું જોઈએ, અને એટલે જ વિદેશથી આવેલ આ વિદ્યાર્થીઓને ૧૪ દિવસ માટે તેમનું આ બીજુ ઘર અમે આપ્યું છે.  અને હજુ પણ જ્યારે  જ્યારે જરૂર પડશે ત્યારે મદદરૂપ બનવાની ખાત્રી પણ તેમણે આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.