જસદણમાં વીજ તંત્રની કડક ઉઘરાણીથી ગરીબોમાં ફફડાટ

જસદણમાં કુદરતનો આફતોનો વરસાદ ખેડૂતોનો પીછો છોડતો નથી ત્યાં ગરીબ અને જરૂરિયાતવાળી પ્રજા પાસે વીજ બીલની બાકી રહેતી રકમ માટે પીજીવીસીએલએ આખા સ્ટાફને કડક ઉઘરાણી માટે રૂબરૂ ધકેલી કડક ઉઘરાણી શરૂ કરતા ગરીબ લોકોને દિવાળી પૂર્વે દીપ નહિ પણ દિલ બળી રહ્યાનો અહેસાસ થઈ રહ્યો છે.

કોરોના વાયરસના કારણે લોકોને રોજગારમાં હજુ પણ કળ વળી નથી તેથી પીજીવીસીએલનું વીજ બીલ ઈમાનદાર ગ્રાહકો ભરી શકયા નથી તેથી તેમને બિલના ચડતર અંગે હાલએ કડક ઉઘરાણી શરૂ કરતા ગરીબ લોકોમાં ફફડાટ ફેલાયો છે. નવાઈની બાબત એ છે કે જસદણમાં ઘરમાં સૌથી વધુ વીજ ઉપકરણો ધરાવતા શ્રીમંતોનાં મકાનો બંગલાઓ ફલેટો મકાનો જેવી અનેક જગ્યાઓ પર બેફામ વીજ ચોરી વીજ કંપનીની મીઠી નજર હેઠળ થતી હોય ત્યાં આંખ આડા કાન થઈ રહ્યા છે. બીજી બાજુ હાલ વીજ કંપની ગરીબ ગ્રાહકો પાસે કડક ઉઘરાણી કરી આગામી દીપાવલીના તહેવારો બગાડી રહ્યા છે. આમ છતાં રાજકીય નેતાઓ મૌન છે.

હાલનાં દિવસોમાં ગરીબોને બે છેડા પણ ભેગા થતા નથી ત્યાં વીજ બીલ કેવી રીતે ભરી શકે? તેથી વીજ કંપનીનાં અધિકારીઓને રાજકીય નેતાઓએ ખાસ રસ દાખવી ગરીબ મધ્યમવર્ગનાં લોકોની વ્હારે આવવું જોઈએ તે સમયની માંગ છે.

Loading...