Abtak Media Google News

પાયલોટના બળવાથી પોતાની ખુરશી ડગમગતા મુખ્યમંત્રી ગેહલોતે પાર્ટીના ધારાસભ્યોને વ્હીપ આપીને બેઠક બોલાવી: ગેહલોત અને પાયલોટનું ભાવિ આજે નકકી થશે

દેશના સૌથી જુના રાજકીય પક્ષ કોંગ્રેસમાં દાયકાઓની આંતરીક જુથબંધી ખદબદે છે. આ જુથબંધીને ડામવામાં કોંગ્રેસના વર્તમાન નેતાગીરી અત્યાર સુધી નિષ્ફળ રહેવા પામી છે. પાટીના ટોચના નેતાની દિશાવિહિન નીતિના કારણે તમામ જુથોને એક સાથે રાખવામાં નિષ્ફળ જતા હોય દેશના એક પછી એક રાજયોમાંથી કોંગ્રેસની સત્તા હાથમાં ટકી જાય છે. તાજેતરમાં મધ્યપ્રદેશમાં થયેલા બળવા બાદ હવે રાજસ્થાન કોંગ્રેસમાં બળવાની ‘આંધી’ ઉઠવા પામી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વ સામે યુવા નેતા સચીન પાયલોટે અન્યાયની રાવ સાથે બળવો પોકાર્યો છે. જેથી આ તકનો લાભ લેવા ભાજપ આગળ આવ્યું હોય નકમલથની પાંખે પાયલોટ સત્તા મેળવશે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.

રાજસ્થાનમાં રાજકીય ઘમસાણમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત હવે ગંભીર સંકટમાં દેખાવા લાગ્યા છે. સચિન પાયલટ પોતાનાં સમર્થક વિધાયકો સાથે શનીવારે દિલ્હી દોડી ગયા બાદ ગહેલોત પોતાની ખુરશી બચાવવાની દોડાદોડીમાં પડી ગયા છે. ગહેલોતે આજે  બોલાવેલી ધારાસભ્યોની બેઠકમાં હાજર રહેવાનો ઈન્કાર કરીને પાયલટે ખુલ્લી બગાવત કરતા કહ્યું હતું કે, ગહેલોતની સરકાર લઘુમતમાં છે.

દિલ્હીમાં કોંગ્રેસનાં શીર્ષ નેતૃત્વને મળવા પહોંચેલા પાયલટની સોનિયા ગાંધી કે રાહુલ સાથે મુલાકાત થઈ નથી. બીજીબાજુ પાયલટ આજે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારને પછાડીને ભાજપમાં જોડાઈ ગયેલા પોતાનાં અંગત મિત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યાં હોવાનાં બિનસત્તાવાર અહેવાલો આવી રહ્યા છે. તો રાહુલ ગાંધીએ પણ પાયલટને મનાવવા તેની સાથે વાતચીત કરી હોવાનું જાણવા મળે છે. દરમિયાન પાયલટનાં પત્ની સારાહે પણ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, જ્યારે અમે દિલ્હી જઈએ છીએ ત્યારે ભલભલાં જાદુગરને પરસેવો વળી જાય છે.

કોંગ્રેસનાં ૩૦ અને અન્ય કેટલાંક અપક્ષ ધારાસભ્યોએ આજે પાયલટને પોતાનું સમર્થન જાહેર કરીને તેનાં કોઈપણ નિર્ણયમાં સાથે રહેવાની દૃઢતા વ્યક્ત કરી હતી. જેને પગલે રાજસ્થાન સરકારમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન સોનિયા ગાંધીએ અજય માકન, રણદીપ સુરજેવાલા અને અવિનાશ પાંડેને રાજસનમાં સંકટ મોચક તરીકે મોકલ્યાં હતાં.

સરકાર ખતરામાં દેખાતા મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ હવે હરકતમાં આવી ગયા હતાં અને તેમણે રાત્રે મંત્રીઓ અને વિધાયકોની એક મહત્ત્વની બેઠક બોલાવી છે. તેમણે આ પગલું ત્યારે ભર્યું છે જ્યારે પક્ષનાં વરિષ્ઠ નેતા અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ પોતાના સમર્થકો સાથે રાજસ્થાનમાં નથી. પાયલટ દિલ્હી પહોંચીને કોંગ્રેસનાં મોવડી મંડળ સાથે સંપર્કમાં રહ્યા છે. તો બીજીબાજુ ગહેલોત પોતાના આવાસ ઉપર સતત પક્ષનાં વિધાયકો અને મંત્રીઓ સાથે બેઠકોનો દૌર ચલાવી રહ્યા છે.

ગહેલોતે કોંગ્રેસના તમામ વિધાયકોને ગઇકાલે સાંજ સુધીમાં જયપુર પહોંચી જવાની સૂચના આપી હતી. જેમની સાથે તેમણે ગઇકાત્રે એક મોટી બેઠકનું આયોજન કર્યું હતું. પોતાની સરકાર ઉપર આવી પડેલા સંકટને નિવારવાની મામણ કરતાં ગહેલોતે પક્ષનાં વરિષ્ઠ નેતાઓ સો પણ આ મુદ્દે વાટાઘાટો શરૂ કરી દીધી છે. રાજસ્થાનના પરિવહન મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે કહ્યું હતું કે, ગહેલોત દિલ્હી ગયેલા વિધાયકોનાં સંપર્કમાં પણ છે. પાયલટ રાજસન કોંગ્રેસનાં અધ્યક્ષ છે અને જો કોઈ વિધાયક તેમની સાથે દિલ્હી ગયા હોય તો એનો મતલબ એવો નથી કે તે રાજ્ય સરકારની ખિલાફ થઈ ગયા છે.

દરમિયાન રાજકીય સંકટની આશંકવા વચ્ચે ધારાસભ્યોની ખરીદબાજી મામલે પૂછપરછ કરવા એસઓજી તરફી નોટિસો પણ કાઢવામાં આવી છે. આ વિશે અશોક ગહેલોતે કહ્યું હતું કે, કોંગ્રેસ વિધાયક દળે ભાજપનાં નેતાઓ ઉપર ધારાસભ્યો તોડવાનો પ્રયાસ કરવાની ફરિયાદ કરી હતી. તેનાં અનુસંધાને જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતને નોટીસ અપાઈ છે. આને મીડિયામાં ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે.

પાયલટ અને તેના સમર્થક વિધાયકો ભલે શનિવારે જયપુર છોડીને દિલ્હી પહોંચ્યા હોય પણ બન્ને નેતાઓ વચ્ચેનો ટકરાવ ઘણો જૂનો છે. બે અઠવાડિયા પહેલા જ પાયલટે પક્ષનાં કેન્દ્રીય નેતૃત્વને આ વિશે સચેત કરવાનાં પ્રયાસો પણ કરેલા.

રાજસ્થાનમાં ઘેરાતાં સંકટની ગંભીરતાનો ખ્યાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલનાં ટ્વિટ ઉપરી પણ આવી જાય છે. તેમણે લખ્યું હતું કે, પોતાના પક્ષને લઈને તેઓ ચિંતિત છે. શું ઘોડા છૂટી ગયા પછી જ તબેલાને તાળાં મરાશે ? સિબલે સીધો રાજસ્થાનનો ઉલ્લેખ કર્યો નથીપણ તેમનો ઈશારો આ તરફ હોય તેવું જ સ્પષ્ટ છે.

પાયલોટ સાથે ૩૦ ધારાસભ્યો બળવો કરે તો ગેહલોત સરકારની વિદાય નિશ્ચિત

૨૦૦ સભ્યોવાળા રાજસ્થાન વિધાનસભામાં હાલમાં કોંગ્રેસ પાસે ૧૦૭ ધારાસભ્યો છે. જેને અન્ય નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યોના સમર્થન હોય આ સંખ્યાબળ ૧૨૦ સુધી પહોચે છે. ભાજપ પાસે હાલમાં ૭૨ ધારાસભ્યો છે. ભાજપને ત્રણ નાની પાર્ટીઓનાં ટેકો હોય તેની પાસે ૭૫ ધારાસભ્યોનું સંખ્યાબળ છે. હાલમાં સચિન પાયલોટ તેમની સાથે ૩૦ ધારાસભ્યો હોવાનો દાવો કરી રહ્યા છે. જો આ દાવા મુજબ ધારાસભ્યો ગેહલોત સરકાર સામે બળવો પોકારે તો ગેહલોત સરકારની વિદાય નિશ્ર્ચિત બની જશે તેમ રાજકીય પંડીતોનું માનવું છે.

પાયલોટ ભાજપમાં જોડાયા વગર ત્રીજો મોરચો બનાવે તેવી અટકળો

મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે ચાલતા વિવાદોનાં પગલે સચિન પાયલોટે બળવાનો માર્ગ અ્ખત્યાર કર્યો છે. તેમને ગઈકાલે મધ્યપ્રદેશમાં બળવો કરીને કોંગ્રેસની સરકાર ઉથલવાનારા જયોતિરાદિત્ય સિંધિયા સાથે બેઠક કરી હોવાની વિગતો મળી છે.જેથી તેઓ સિંધિયાના પગલે બળવો પોકારે તે નિશ્ચિત બન્યુયં છે. પરંતુ રાજકીય પંડીતોનું માનવું છે કે સચિન પાયલોટ પર કોંગ્રેસે બળવાખોરની છાપ ન લાગે તે માટે પોતાના ટેકેદાર ધારાસભ્યો સાથે ત્રીજો મોરચો બનાવે અને તેને ભાજપ બહારની ટેકો આપીને મુખ્યમંત્રી બનાવે તેવી અટકળો ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.