Abtak Media Google News

ઈ-કોમર્સ કંપનીઓએ વેબસાઈટો પર એમઆરપી અને એકસપાયરી ડેટ દર્શાવવી ફરજિયાત

ઈ-કોમર્સ કંપનીઓના ઠાગાઠૈયા પર પ્રતિબંધ લગાવવા અને લોકોને મામુ બનાવતી ડિસ્કાઉન્ટ સ્કીમોમાંથી બચાવવા હવે સરકારે આજથી પહેલ કરી છે. આજથી ઈ-કોમર્સ કંપનીઓએ તેમના પેકેજડ પ્રોડકટ પર એમઆરપી સહિત એકસપાયરી ડેટ પણ વેબસાઈટો પર દર્શાવવી પડશે. ગ્રાહક સુરક્ષા વિભાગના અધિકારી બી.એન.દિક્ષિતે જણાવ્યું હતું કે, આજથી ઈ-કોમર્સ કંપનીઓએ ફરજીયાત તમામ માહિતી વેબસાઈટ પર જ બતાવવી પડશે માટે વધુ કિંમત દર્શાવવી અને બાદમાં ડિસ્કાઉન્ટ આપતી ઓનલાઈન કંપનીઓની લાલિયાવાડી ચાલશે નહીં. તેમણે પહેલા એમઆરપી બાદ જ ડિસ્કાઉન્ટ ઓફર દર્શાવવી પડશે.

આ ઉપરાંત પ્રોડકટની એકસપાયરી ડેટ પણ દર્શાવવી પડશે. કારણકે ઘણી વખત પ્રોડકટની એકસપાયરી ડેટ નજીક હોય તો ડિસ્કાઉન્ટના નામે વહેચી કાઢવાની નિયતને કારણે ઈ-કોમર્સ કંપનીઓ લોકોને ઠગતી હોય છે. ઉધોગના અધિકારીઓના જણાવ્યા મુજબ ઈ-કોમર્સ કંપનીઓએ પ્રોડકટ ડિસ્પ્લે વેબસાઈટ પર સ્લાઈડ બનાવીને દેખાડવી પડશે. કારણકે કંપનીઓ હંમેશા લોકોનું ધ્યાન એમઆરપી તરફ ન ખેંચાય તેના માટે ટેકનિક અપનાવતી હોય છે.

પરંતુ હવે સરકારના નવા નિયમથી તેમની હાલત કફરી બનશે. કારણકે લોકો હંમેશા ડિસ્કાઉન્ટ સ્કિમથી લલચાઈને જ ઓનલાઈન ખરીદી કરે છે અને એકસપાયરી ડેટ નજીક હોય તો લોકોને વસ્તુઓ પાણીના ભાવમાં પધરાવી દેવામાં આવતી હોય છે. જેમાં કંપનીઓ પણ ખુશ અને લોકો પણ ખુશ પરંતુ બાદમાં તેમને ખ્યાલ આવે છે કે ‘ યે તો ભૈયા ઉલ્લુ બન ગયે’.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.