Abtak Media Google News

પોલીસ, મહાપાલિકા અને સમાજ સુરક્ષા વિભાગ એક સપ્તાહ સુધી ભિક્ષુકોને ભીખ ન માંગવા સમજાવશે, ત્યાર બાદ કોર્ટ હવાલે કરાશે

શહેરમાં વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહેલી ભિક્ષુક પ્રવૃત્તિઓને કારણે થઇ રહેલી અસરોને ધ્યાનમાં રાખીને સરકારના વિવિધ વિભાગો જેવા કે પોલીસ અને મહાપાલિકાના સંયુક્ત સંકલન સાથે એક સપ્તાહ સુધી શહેરમાં ભિક્ષુકોને ભિક્ષુક પ્રવૃત્તિઓ છોડી દેવા સમજાવવા માટે એક ઝુંબેશ ચલાવવામાં આવનાર છે. આ ઝુંબેશનો આશય ભિક્ષુકો ભિક્ષુક પ્રવૃત્તિ છોડી અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરી સ્વમાનભેર જિંદગી જીવી સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે એવો છે.

આગામી એક સપ્તાહ સુધી ઉપરોક્ત તમામ કચેરીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભિક્ષુકોને શોધી શોધીને ભિક્ષુક પ્રવૃત્તિઓ બંધ કરી દેવા સમજાવવા માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. એક સપ્તાહની ઝુંબેશ બાદ પણ જો ભિક્ષુક પ્રવૃત્તિઓ થતી જોવા મળશે તો ભિક્ષુકોને પકડી કોર્ટના હવાલે કરવામાં આવશે. અહી એ ઉલ્લેખ કરવો રહયો કે, ભિક્ષુક પ્રવૃત્તિ કરવી એ બિન જામીનલાયક ગુન્હો છે.

આજે આ અનુસંધાને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને મળેલી એક બેઠકમાં રાજકોટ શહેર પોલીસ વતી નાયબ પોલીસ કમિશનર પ્રવીણકુમાર, એ.સી.પી.(ટ્રાફિક) ભરતસિંહ રાણા, મહાનગર પાલિકા ના ત્રણેય નાયબ કમિશનર બી.જી. પ્રજાપતિ,  એ.આર.સિંહ અને ચેતન નંદાણી, તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી  મીત્સુબેન વ્યાસ અને ભિક્ષુક સ્વીકાર કેન્દ્રના નાયબ અધિક્ષક  તેજપાલસિંહ ગોહિલ, આસી. મ્યુનિ. કમિશનર  એચ. આર. પટેલ, તથા વોર્ડ ઓફિસરો સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.