Abtak Media Google News

સેન્સેકસમાં ૪૦૯ જ્યારે નિફટીમાં ૧૧૪ પોઈન્ટનો કડાકો: બેન્કિંગ, ફાર્મા અને કેમીકલ સેકટરના શેરમાં ધોવાણ

૫૦,૦૦૦ની પોઈન્ટની વિક્રમી સપાટીને અડક્યા બાદ સેન્સેકસમાં સતત કડાકા બોલી રહ્યાં છે. ગણતરીના દિવસો પહેલા જ સેન્સેકસ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર બોલેલા કડાકા અને આજની વેચવાલીના કારણે સેન્સેકસ ફરીથી ૪૮,૦૦૦ની સપાટી તોડી ચૂક્યો છે. આ લખાય છે ત્યારે સેન્સેકસમાં ૪૧૦ પોઈન્ટનું ગાબડુ પડ્યું છે. સેન્સેકસ ૪૭૯૪૪ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. આજે બજાર ખુલતા જ સેન્સેકસ એકાએક ગગડવા લાગ્યો હતો અને ૪૮,૦૦૦ની નીચે પહોંચી ગયો હતો.

બેન્કિંગ-ફાયનાન્સ, ઓઈલ અને ગેસ, કેમીકલ, ફાર્મા સહિતના સેકટરમાં શેરનું ભારે ધોવાણ થયું હતું. એચયુએલ, રિલાયન્સ, એક્સિસ બેંક, સનફાર્મા, ડોકટર રેડ્ડી લેબ, ટાઈટન, બજાજ ફાયનાન્સ અને એચડીએફસી બેંક સહિતના શેર ૨.૧૩ ટકાથી લઈ ૧.૧૧ ટકા સુધી તૂટી ગયા હતા. આજે લો ૪૭૯૩૯નો નોંધાયો હતો જ્યારે આજનો હાઈ ૪૮૩૮૭નો છે.

અલ્ટ્રાટેક સીમેન્ટ, એમ એન્ડ એમ, ટેક મહિન્દ્રા, આઈટીસી, એચસીએલ ટેક, એસબીઆઈ સહિતના શેર ૦.૬૨ ટકાથી લઈ ૧.૯૧ ટકાની વૃદ્ધિ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. સતત સેન્સેકસમાં આવેલા કડાકાના કારણે રોકાણકારો મુંઝાયા છે. નિફટી-ફીફટીમાં પણ ભારે ધોવાણ થયું છે. આ લખાય છે ત્યારે નિફટી ૧૧૭ પોઈન્ટના કડાકા સાથે ૧૪૧૨૧ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી શેરબજાર ભારે વોલેટાઈલ છે. ઉતાર-ચઢાવના કારણે રોકાણકારો ફૂંકી-ફૂંકીને પગલા ભરી રહ્યાં છે. ૨૦૨૦માં આવેલા ઐતિહાસિક કડાકા બાદ સેન્સેકસ ફરી પાટે ચઢ્યું છે. વિદેશી મુડી રોકાણકારો, સ્થાનિક ક્ષેત્રે મજબૂત બજાર ઉદ્યોગોની સારી સ્થિતિ અને આઈએમએફ સહિતની સંસ્થાઓ દ્વારા દર્શાવવામાં આવેલો વૃદ્ધિદરનો આશાવાદ સેન્સેકસને પોઝિટિવ અસર કરશે તેવો આશાવાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.