શેરબજારમાં ગાબડુ: સેન્સેકસ ૬૦૦ અંક તૂટ્યો

કોરોનાના વધતા કેસની સાથો સાથ દિવાળી ઉપર બજાર ધમધમતી થવાની અપેક્ષા ઉપર પાણી ફરી વળતા રોકાણકારોની ચિંતા વધી

કોરોના મહામારીની ઘેરી અસર શેરબજાર ઉપર જોવા મળી રહી છે. તાજેતરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ એકદમ ઘટી જતાં શેરબજાર ઉંચકાયું હતું. દરમિયાન લોકોની બેખૌફીના કારણે કોરોનાનું સંક્રમણ એકાએક વધી જવા પામ્યું છે. પરિણામે શેરબજારમાં પણ ડરનો માહોલ ઉભો થયો છે. ફરીથી વેપાર-ધંધા ઉપર કોરોના કાળની ગંભીર અસર પહોંચે તેવી ભીતિએ શેરબજારમાં આજે ગાબડુ પડ્યું હોવાનું જાણવા મળે છે.

શેરબજારના પ્રમુખ શેરમાં આજે મસમોટા ગાબડા જોવા મળ્યા હતા. બજાર આજે ૫૫૬ પોઈન્ટ જેટલું તૂટીને ૪૩૬૨૩ની સપાટી નજીક પહોંચી ગયું હતું. નવા વર્ષમાં ઐતિહાસિક સપાટી કુદાવ્યા બાદ થોડા સમય બાદ કરેકશન જોવા મળશે તેવી નિષ્ણાંતોની અપેક્ષા હતી. જો કે, એકાએક બે દિવસમાં આવેલા કોરોનાના સંક્રમણના ઉછાળાને કારણે બજાર આજે સતત ગગડ્યું હતું. ખાસ કરીને બેન્કિંગ અને ફાયનાન્સ સેકટરના શેર રીતસરના તૂટ્યા હતા. આ ઉપરાંત ટેલીકોમ સેકટરના શેરોમાં પણ કડુસલો બોલી ગયો હતો. આ લખાય છે ત્યારે એસબીઆઈ ૪.૩૮ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક ૩.૫૭ ટકા, એકસીસ બેંક ૩.૧૭ ટકા, અલ્ટ્રાટેક ૩ ટકા જ્યારે એચડીએફસી બેંક ૨.૦૨ ટકા જેટલો તૂટી ગયો હતો.

બીજી તરફ પાવર ગ્રીડ, આઈટીસી, એનટીપીસી, ટાટા સ્ટીલ, ટાઈટન સહિતના શેરમાં ૧.૨૩ ટકાથી લઈ ૨.૩૭ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે બેન્કિંગ સેકટરના શેરમાં ભારે કારોબાર થયો હતો. અધુરામાં પૂરું કોરોનાના વધતા કેસના કારણે સેન્સેકસ ગગડી ગયો હતો. અહીં નોંધનીય છે કે, દિવાળી ઉપર બજાર ફરી ધમધમવા લાગશે તેવી રોકાણકારોને અપેક્ષા હતી પરંતુ દિવાળીના સમયે જ કોરોનાના કેસનો રાફડો ફાટ્યો, ઉપરથી બજાર પણ જોઈએ તેટલી ધમધમતી ન થઈ હોવાના કારણે રોકાણકારોની આશા પર પાણી ફરી વળ્યું હતું. શેરબજારને હાલત ફરી એક વખત માર્ચ મહિના જેવી બની રહેશે તેવી ભીતિ પણ સર્જાઈ હતી. માત્ર આંતરરાષ્ટ્રીય સ્તર પર કોરોના વાયરસના કેસ જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે વધતા કિસ્સાઓ લોકોની જીવનપદ્ધતિ ઉપર અસર કરી રહ્યાં છે. જેના પરિણામે રોકાણકારોની ચિંતા વધી છે. રોકાણકારો સતર્ક થઈ ચૂકયા છે.

Loading...