Abtak Media Google News

૧૧૦૦ પોઈન્ટનાં ઉછાળા બાદ સેન્સેકસમાં ૧૭૦ પોઈન્ટનો કડાકો બોલી જતા રોકાણકારો મુંઝાયા

કોરોના વાયરસનાં કારણે વૈશ્ર્વિક બજારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના પગલે ભારતીય શેરબજાર પણ ગઈકાલે ૨૪૭૬ પોઈન્ટ જેટલું ઉછળ્યા બાદ આજે થોડા સમય માટે ગ્રીન ઝોનમાં ટ્રેડ થયું હતું. આજે બજારમાં ૧૧૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો ત્યારબાદ વેચવાલીએ ફરી જોર પકડતા બજારમાં ૧૫૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. એકંદરે બજારમાં આજે ખુબ જ ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.

વર્તમાન સમયે કોરોના વાયરસનાં કારણે વૈશ્ર્વિક ઉધોગ-ધંધામાં કપરો સમય ચાલી રહ્યો છે જેના પગલે અમેરિકા, ચીન, જાપાન અને યુકેનાં બજારમાં  છેલ્લા લાંબા સમયથી મંદીનો માહોલ જોવા મળ્યો હતો. વિશ્ર્વભરનાં ઉધોગો ઠપ્પ થઈ જતા શેરબજાર ઉપર માઠી અસર જોવા મળી હતી. ભારતીય બજારમાં પણ ઐતિહાસિક કડાકા બોલી ગયા હતા. ગઈકાલે બજારમાં વેચવાલીનો ડર દુર થતા ઉછાળો જોવા મળ્યો હતો. આજે સવારે પણ સેન્સેકસ ૩૧,૦૦૦ની સપાટીથી ઉપર ટ્રેડ થયો હતો. ૧૧૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યા બાદ બજાર નીચે પટકાવવા લાગ્યું હતું.

આ લખાય છે ત્યારે સેન્સેકસ ૧૭૦ અંક ગુમાવી ૨૯,૮૮૮એ ટ્રેડ થઈ રહ્યો છે બીજી તરફ નિફટી ૫૦ પણ ૫૫ પોઈન્ટ ગુમાવીને ૮૭૩૩એ ટ્રેડ થઈ રહી છે. બેંક નિફટીમાં ૧૨૨ પોઈન્ટનો કડાકો બોલ્યો છે અને તે ૧૮,૧૨૧એ ટ્રેડ થઈ છે. નોંધનીય છે કે, આજે અદાણી પોર્ટ, બજાજ ફાયનાન્સ, શીપલા, ડો.રેડ્ડી, ગેઈલ, હિરો મોટો કોપ, ઈન્ડુસીંગ બેંક, ઈન્ફ્રા તેલ, મારૂતી, એમએન્ડએમ, એન્ટીપીસી, ઓએનજીસી, સન ફાર્મા, વેંદાતા સહિતની કંપનીઓનાં શેરમાં ૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ એશિયન પેઈન્ટ, બજાજ ઓટો, બજાજ ફાયનાન્સ, બીપીસીએલ, ભારતી એરટેલ, હિન્દાલકો, શ્રી સિમેન્ટ, ટીસીએસ અને ટાઈટનનાં શેરમાં ૪ ટકા સુધીનો કડાકો બોલી ગયો હતો.

કોરોના વાયરસનાં કારણે ફેલાયેલી મંદીનાં કારણે રોકાણકારોનાં કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે. વર્તમાન સમયે શેરબજારમાં ભારે અફરા-તફરી જોવા મળી છે. છેલ્લા બે દિવસથી દવાની કંપનીનાં શેરમાં ભારે ઉછાળો જોવા મળતા રોકાણકારોમાં હાશકારો વ્યાપ્યો હતો. અલબત આજે ફરી માર્કેટ ૧૦૦ પોઈન્ટ પટકાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.