Abtak Media Google News

Table of Contents

આજે વિશ્ર્વ માતૃભાષા દિવસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનમાં માતૃભાષા સપ્તાહની ઉજવણીનો કાલથી પ્રારંભ: ધ્રુવ ભટ્ટ, શરદ ઠાકર, સતિષ વ્યાસ અને રાજેન્દ્ર પંડ્યા સહિતનાઓ ગુજરાતી સાહિત્યની વંદના કરશે: ૨૬મીએ વિદ્યાર્થીઓ માટે ગુજરાતી નિબંધ, કાવ્ય લેખનની સ્પર્ધા અને ૨૭મીએ કવી સંમેલન

અંગ્રેજી તો સારૂ જ છે પણ ગુજરાતી તો મારૂ છે: પોતાના લોકોના મુલ્યો, વિચારો, અભિપ્રાયો કે જે સામાજિકતાથી ઘડાયેલા છે, તેના વારસાનો પરિચય આપતી ભાષા એટલે માતૃભાષા

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. યુનેસ્કોના જણાવ્યા મુજબ દર બે અઠવાડિયે એક ભાષા અદ્રશ્ય થતી જોવા મળે છે. ફેબ્રુઆરી ૨૦૦૦થી ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસને ઉજવવા માટેનો ઉદેશ્ય એ જ છે કે, ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન મળે તથા બહુભાષાવાદને પ્રોત્સાહન મળે, દુનિયામાં ૭૦૦૦થી વધુ ભાષા બોલાય છે. જેમાની અંદાજે અડધી જેટલી ભાષાઓ અદ્રશ્ય થવાને આરે છે. દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદન અને સંપર્ક સાધવા તેમજ એકબીજાને સમજવા માટે દરેક સમાજની મુર્ત અને અમૃત ધરોહરને જીવંત રાખવા માટેનું સાધન જો કોઈ છે તો તે માતૃભાષા છે.

માતૃભાષા એ સોનું છે અને સાહિત્યકાર એનો ઘડનાર છે. પછી આ સોનામાંથી કેવા ઘરેણાં ઘડવા એ જે તે ઘડનાર પર આધારિત છે. દરેકને પોતાની માતૃભાષા પ્રત્યે ગર્વ હોય છે. ભાષાએ માધ્યમ છે. ભાષાએ વિચારો, લાગણીઓ, સ્પંદનો, સંસ્કૃતિ, ઇતિહાસ સહિત જીવનની અભિવ્યક્તી રજુ કરે છે. કોઈ પણ ઘટનાની તેજસ્વીતાનું દર્શન આપણને આપણી માતૃભાષા કરાવે છે. વિશ્વમાં ભાષા અને સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષિતાને પ્રોત્સાહન આપવા તેમજ વિવિધ માતૃભાષાઓ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી ૨૧ ફેબ્રુઆરી ૧૯૯૯ના દિવસને યુનેસ્કોએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન જાહેર કર્યો હતો.  ત્યારથી દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીની ઉજવણી ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન’  તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ વર્ષની ’આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન’ ની થીમ “સરહદો વિનાની ભાષા છે.

બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા.જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. આવી જ આપણી ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતની ધરતી પર અનેક સંતો-મહંતો કથાકારો સાહિત્યકારો જેમકે નરસિંહ મહેતા, મીરાંબાઈ, દયારામ, પ્રેમાનંદ, અખો, ગંગાસતી, પાનબાઇ, ઉમાશંકર જોષી, સુંદરમ, હરીન્દ્ર દવે, વેણીભાઈ પુરોહિત, લાભશંકર ઠાકર વગેરે અવતર્યા જેમણે ગુજરાતની ભાષાના વિકાસ અને વિસ્તારમાં મહત્વની ભૂમિકા ભજવી છે એટલુંજ નહીં પરંતુ ગુજરાતી ભાષાને તેમણે વધુ સમૃદ્ધ બનાવી છે. ગુજરાતી ભાષાના વિકાસને ત્રણ તબકકામાં વેંચવામાં આવી છે. પ્રથમ ૧૦ થી ૧૪ની સદી વચ્ચેની ભાષા જુની ગુજરાતી, દ્વિતીય ૧૪ થી ૧૭મી સદી મધ્યકાલીન ગુજરાતી, અને  તૃતીય ૧૭મી સદીથી આજસુધીનો ગુજરાતી ભાષાનો સમય માનવામાં આવે છે. પાલનપુર થી પોરબંદર, અમદાવાદ થી અમરેલી, દાહોદ થી ડાંગ, શામળાજી થી સુરત, ભુજ થી ભરૂચ દરેક જગ્યાએ અલગ અલગ ગુજરાતી બોલાય છે. દરેક ગુજરાતી બોલી ની પોતાની એક આગવી ઓળખ છે અને તેથી જ તેની અલગ એક લીજ્જત છે. જે તે પ્રદેશના લોકગીત અને લોકસાહિત્યનું ભાષાના વિકાસમાં આગવું પ્રદાન છે.  જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આ અવિસ્મરણીય સુત્ર આપીને આપણી માતૃભાષાના રખેવાળોએ સુંદર કાર્ય કર્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનમાં કાલથી માતૃભાષા સપ્તાહની ઉજવણી થશે. સેનેટ હોલમાં કાલથી ૨૮મી ફેબ્રુ્રઆરી સુધી માતૃભાષા સપ્પ્તાહ ઉજવાશે જેમાં ધ્રુવ ભટ્ટ, શરદ, ઠાકર, સતિષ વ્યાસ, રાજેશ પંડ્યા સહિતના ગુજરાતી ભાષા સાહિત્યની વંદના કરશે. માતૃભાષા સપ્તાહમાં વિદ્યાર્થીઓ માટે નિબંધ, કાવ્ય લેખન અને કાવ્ય જ્ઞાન સ્પર્ધા તથા કવી સંમેલનો યોજાશે. પ્રથમ દિવસે શરદ ઠાકુરનું માતૃભાષા અભિવ્યક્તિનો ઉત્સવ પર વકતવ્ય યોજાશે. ત્યારબાદ ૨૪મીએ જય વસાવડા, એમએસ યુનિ.ના ગુજરાતી પ્રો. રાજેશ પંડ્યા અને ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી ભવનના પૂર્વ અધ્યક્ષ અને નાટયકાર સતિષ વ્યાસનું વ્યાખ્યાન યોજાશે. ૨૫મીએ જવલંત છાયા ફિલ્મોમાં અને માતૃભાષામાં ફિલ્મો વિષય પર વ્યાખ્યાન આપશે. ૨૬મીએ વિદ્યાર્થીઓ માટે નિબંધ, કાવ્ય લેખન અને કાવ્ય જ્ઞાન યોજાશે. આ તમામ કાર્યક્રમમાં ગુજરાતી ભવન અને અન્ય ભવનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

આપણા સાહિત્યકારોએ વિદેશમાં પણ ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે: અંબાદાન રોહડીયા

Ambadan Rohadiya

કોઈપણ માનવી માટે માતૃભાષાનું સવિશેષ મહત્વ હોય છે કેમ કે માતા બાળકને જન્મ આપે ત્યારે થોડુ મોટુ થાય પછી તેને ખબર પડે છે, મારો જન્મ આ ભૂમિમાં થયો છે અને આ મારી માતૃભાષા છે. બાળક સ્વજનો સાથે વાતચીત કરતો થાય તો તે માતૃભાષામાં જ વાત કરે છે. જેથી માતૃભાષાનું મહત્વ કંઈક અનેરૂ જ છે. આજે વિશ્ર્વના દેશો પણ સ્વીકારે છે કે, બાળકનો જો સાચી અને સારી રીતે વિકાસ કરવો હોય તો તેમને પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ મળવું જોઈએ. આપણી ભારતીય ભાષાની એક વિશેષતા છે કે આપણે સંસ્કૃત અને તેમાંથી ઉતરી આવેલી ગુજરાતી ભાષા શ્રેષ્ઠ છે. વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું કે, વિશ્ર્વની સૌથી વધુ વૈજ્ઞાનિક પદ્ધતિથી અને સરળતાથી શિખી શકાય તેવી ભાષા સંસ્કૃત છે અને તેની જ એક ભગીની ભાષા તેમજ સંસ્કૃતમાંથી ઉતરી આવેલી ભાષા એટલે ગુજરાતી ભાષા. આપણી પાસે નરસિંહ મહેતાથી લઈ હેમચંદ્રાચાર્યી લઈ, આજના એવા સાહિત્યકારો છે કે જેમને ગુજરાતી ભાષાની રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. આજે વિશ્ર્વમાં અંગ્રેજીભાષાની બોલબાલા છે. લોકો અંગ્રેજી તરફ આકર્ષાયા છે અને એવું માનવામાં આવે છે કે, કોમ્યુનિટ કરવા માટે અંગ્રેજી એક એવું માધ્યમ છે કે આપણે તેનાથી દૂર નહીં રહી શકીએ પણ ખરા અર્થમાં એવું નથી. વિશ્ર્વના ભાષા શાીઓના જણાવ્યા પ્રમાણે કહી શકીએ કે, દરેક સંશોધકો પોતાની સ્પષ્ટ વાત તેની માતૃભાષામાં જ કરી શકીએ. આજે અમેરિકા કે ઓસ્ટ્રેલીયામાં વસતા ગુજરાતીઓ ગુજરાતી ભાષા માટે કામ કરે છે પરંતુ દુર્ભાગ્ય પૂર્ણ આપણે આપણા નગરમાં રહી આપણી ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃત નથી તેનું કારણ એ છે કે, આજના મા-બાપનું માનવું છે કે અંગ્રેજી ભાષા બોલશું તો જ આપણા બાળકનો વિકાસ થશે. જો કે મારૂ સ્પષ્ટ માનવું છે કે, કલેકટર, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ થઈ ગયા તેઓએ પ્રારંભ પોતે માતૃભાષામાં જ શિક્ષણ લીધું છે. પ્રથમ તબક્કે તો આપણે આપણા બાળકોને માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ. આપણા બાળકો, પરિવાર આસપાસના લોકો સાથે માતૃભાષામાં વાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને માત્ર આપણે જ નહીં પરંતુ વાલીઓએ શિક્ષકોએ સમાજ તેમજ સરકાર દ્વારા પણ માતૃભાષાને લઈ જાગૃતતા ફેલાવાશે તો ચોકકસ આપણે આપણી માતૃભાષા બચાવી શકીશું.

ભાષા સાંસ્કૃતિક પરંપરાનું વહન કરે છે: ડો.નીતિન વડગામા

Nitin Vadgama 2

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના વડા ડો.નીતિન વડગામાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૨૧મી ફેબ્રુઆરી વિશ્ર્વ માતૃભાષા દિનની ઉજવણી કરી વિશ્ર્વભરમાં તમામ પ્રદેશો પોતાની માતૃભાષાની ઉજવણી કરતા હોય છે. પ્રત્યેક ભાષાનો પોતાનો સ્વાભાવિક મહિમા હોય છે અને આગવી ઓળખ પણ હોય છે. આપણી માતૃભાષા ગુજરાતીનું મહત્વ પણ એટલું જ છે. ભાષા એ માત્ર શિક્ષણનું માધ્યમ નથી પણ ભાષા એ જીવનનું એક અવિભીન્ન અંગ છે. ભાષાને માત્ર શિક્ષણ સાથે જોડવાને બદલે જીવન સાથે જોડી ભાષાનો મહિમાં કરવો જોઈએ. જેમ માનું ધાવણ આપણા શરીરનું પોષણ કરે છે તેમ માતૃભાષા માણસના ભાવકોષનું પોષણ કરે છે. ભાષાએ માત્ર એક અભિવ્યક્તિનું ઉપરકરણ પણ નથી પરંતુ ભાષાએ સાંસ્કૃતિક પરંપરાનું વહન કરે છે. ભાષાના માધ્યમથી આપણી સંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય છે. એટલે ભાષા જે તે સંસ્કૃતિની પણ ઓળખ આપે છે. સૌ.યુનિ.ના ગુજરાતી ભાષા સાહિત્ય ભવને છેલ્લા કેટલાક વર્ષોથી ૨૧મી ફેબ્રુઆરીએ માત્ર વિશ્ર્વ માતૃભાષાની ઔપચારીક ઉજવણી નહીં પરંતુ સમગ્ર સપ્તાહ ઉજવીને તેના સંદર્ભમાં જુદા જુદા કાર્યક્રમ કરવાનો હેતુ છે. આમ તો કોઈપણ ભાષાનું મુલ્ય ઓછું ન આંકી શકાય. ગુજરાત માતૃભાષા માત્ર અભિવ્યક્તિ કે શિક્ષણનું માધ્યમ નથી પણ ગુજરાતી બોલી આપણે જ્યારે વાત કરીએ ત્યારે સમગ્ર ગુજરાત પ્રદેશ અને સમાજ તેમજ સંસ્કૃતિની ઓળખ ઉભી કરે છે. એટલે જે ગુજરાતી ભાષાની અલગ મીઠાસ છે. તેમજ આપણી તળપદી અને ખાસ તો સોરઠી બોલીનું ચોક્કસ બળ પણ છે. ગુજરાતી ભાષામાં છે તાકાત છે અને સંસ્કૃતિને ઉજાગર કરવાની શક્તિ સમર્થન છે તે એક અલગ વિશિષ્ટતા છે. ક્યાંકને ક્યાંક હાલના સમયમાં ગુજરાતી ભાષા શિક્ષણના માધ્યમ તરીકે પાછી પળતી હોય અને અંગ્રેજીનો વ્યાપ વધ્યો હોવાનું તારણ નીકળ્યું છે તેમાં તથ્ય પણ છે. તેનું મુખ્ય કારણ અંગ્રેજી માધ્યમનો વ્યાપ વધ્યો છે અને આજના મા-બાપનું એવું ચાહવું છે કે, અમારો બાળક અંગ્રેજી માધ્યમમાં ભણશે તો જ કાંઈક કરી શકશે પરંતુ હકીકત એ છે કે શિક્ષણના માધ્યમ તરીકે માત્રને માત્ર માતૃભાષા જ શ્રેષ્ઠ છે તેવું વિશ્ર્વના ભાષા શાસ્ત્રીઓનું તારણ છે. માતૃભાષાનું મહત્વ વધે તે માટે માતા-પિતાએ પણ સજાગ બનવું પડશે અને તેની સાથે શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને તેની પ્રતિતિ કરાવવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.