ધો. 6નાં પાઠ્યપુસ્તકમાં 6 જિલ્લા ગુમ !!

130

વર્ષ ૨૦૧૩ બાદ રાજય સરકાર દ્વારા નવા જાહેર કરાયેલા જિલ્લાઓનો પાઠય પુસ્તકના નકશામાં ઉલ્લેખ જ નથી

દેશના ભાવી નાગરિકોને તમામ શિક્ષણ આપવા માટે તેમને શાળાઓમાં મોકલવામાં આવતા હોય છે. પરંતુ અભ્યાસક્રમમાં ગોટાળાને કારણે કેટલીક વખત બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર પડતી હોય છે. ત્યારે ગુજરાત બોર્ડની પુસ્તકોને ખબર જ નથી કે, ગુજરાતમાં કુલ કેટલાક જિલ્લા છે. ધોરણ ૬ની સામાજીક વિજ્ઞાનની પાઠય પુસ્તકમાં દર્શાવેલા નકશામાં ગુજરાતના ૬ જિલ્લાઓનો ઉલ્લેખ જ ન હતો.

કેટલાક નિષ્ણાંતોએ આ અંગે શિક્ષણ બોર્ડને ધ્યાન દોરતા સામે આવ્યું કે, ધોરણ ૬ની પાઠય પુસ્તકમાં મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર અને મહિસાગરનો ઉલ્લેખ જ નથી. આ તમામ જિલ્લાઓનો સમાવેશ રાજય સરકાર દ્વારા ૨૦૧૩માં કરવામાં આવ્યો હતો.

આ અંગે રાજય સરકારે આગામી એડિશનમાં સુધારા કરવાના વચન આપ્યા છે. ગુજરાત રાજય પાઠય પુસ્તક બોર્ડના પ્રેસીડેન્ટ નિતીન પેઠાણીએ જણાવ્યું હતું કે, જીસીઈઆરટી દ્વારા રાજયના અભ્યાસક્રમના તમામ પુસ્તકો બનાવવામાં તેમજ છાપવામાં આવે છે. અમે આગામી સીલેબસ માટે નવી પ્રિન્ટો બનાવીએ છીએ. માટે જયારે નવા એડિશનની પુસ્તકો બનાવવામાં આવશે ત્યારે ગુમ થયેલા છ જિલ્લાઓનો પાઠય પુસ્તકના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે.

જીસીઈઆરટીના ઈન્ચાર્જ ડિરેકટરે ટી.એસ.જોષીએ જણાવ્યું કે, જે પાઠમાં નકશો છપાયો હતો તે વાતાવરણ અને જિલ્લાઓની બાઉન્ડ્રી વિશે સ્પષ્ટ હતો. જેને પાઠના અભ્યાસથી કોઈ લેવા-દેવા ન હતા. પાઠય પુસ્તક ૨૦૧૨માં છાપવામાં આવી હતી અને ત્યારબાદ નવા છ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે અમે આ અંગે સુધારા કરવાના જ છીએ પરંતુ હવે નવા એડિશનમાં જ ફેરફારો શકય બનશે.

Loading...