Abtak Media Google News

૧૨૦ કિલોની સોનાની મૂર્તિ સ્થાપિત થશે, ૨૧૬ ફૂટ ઊંચી પ્રતિમા ગિનીઝ બૂકમાં નોંધાઇ

ભારતમાં પહેલીવાર સમાનતાની વાત કરનાર વૈષ્ણવ સંત રામાનુજાચાર્ય સ્વામીના જન્મને ૧૦૦૦ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. હૈદરાબાદમાં રામાનુજાચાર્યનું એક ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ૧૦૦૦ કરોડથી વધારે ખર્ચમાં મંદિર તૈયાર થશે. મંદિરની ખાસિયત છે કે, અહીં રામાનુજાચાર્યની બે મૂર્તિઓ હશે અને બંને જ ખાસ રહેશે. પહેલી મૂર્તિ અષ્ટધાતુની ૨૧૬ ફૂટ ઊંચી છે, જે સ્થાપિત કરવામાં આવી છે, તેને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામ આપવામાં આવ્યું છે. બીજી મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે, જે ૧૨૦ કિલો સોનાથી બનેલી હશે. હૈદરાબાદથી લગભગ ૪૦ કિમી દૂર રામનગરમાં બની રહેલાં આ મંદિરની અનેક ખાસિયત છે. સનાતન પરંપરાના કોઇપણ સંત માટે હાલ આટલું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું નથી. રામાનુજાચાર્ય સ્વામી પહલાં એવા સંત છે, જેમની આટલી મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મંદિરનું નિર્માણ ૨૦૧૪મા શરૂ થયું હતું. રામાનુજાચાર્યની વિશાળ પ્રતિમા ચીનમાં બનેલી છે. જેની કિંમત લગભગ ૪૦૦ કરોડ રૂપિયા છે. આ અષ્ટધાતુથી બનેલી સૌથી મોટી પ્રતિમા છે. તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. રામાનુજાચાર્ય ૧૨૦ વર્ષ જીવ્યા હતાં, એટલે ૧૨૦ કિલો સોનાની મૂર્તિ:-રામાનુજાચાર્યની ૧૨૦ કિલો સોનાથી બનેલી મૂર્તિ પાછળ એક વિશેષ કારણ છે. મંદિરના સંસ્થાપક ચિન્ના જિયાર સ્વામીના જણાવ્યાં પ્રમાણે, રામાનુજાચાર્ય સ્વામી ધરતી ઉપર ૧૨૦ વર્ષ સુધી જીવિત રહ્યા હતાં, એટલે ૧૨૦ કિલો સોનાથી બનેલી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી રહી છે. રામાનુજાચાર્ય સ્વામીએ સૌથી પહેલાં સમાનતાનો સંદેશ આપ્યો હતો. સમાજમાં તેમના યોગદાનને આજ સુધી તે સ્થાન મળી શક્યું નથી, જેના તેઓ હકદાર હતાં. આ મંદિર દ્વારા તેમનું સમાન નિર્માણમાં રચનાત્મક યોગદાન દર્શાવવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી અને રામાનુજાચાર્ય ટેમ્પલ ૪૫ એકર જમીન ઉપર બનાવવામાં આવી રહ્યું છે. મંદિરનું મૂળ ભવન લગભગ ૧.૫ લાખ સ્ક્વેયર ફૂટના ક્ષેત્રમાં બની રહ્યું છે. જે ૫૮ ફૂટ ઊંચું છે. તેના ઉપર સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી રાખવામાં આવી છે. આ મંદિરમાં લગભગ ૨૫ કરોડની કિંમતના મ્યૂઝિકલ ફાઉન્ટેન લગાવવામાં આવશે. તેમના દ્વારા પણ સ્વામી રામાનુજાચાર્યની ગાથા સંભળાવવામાં આવશે.

મંદિરમાં ભક્તોને ૫ ભાષાઓમાં ઓડિયો ગાઇડ મળી શકશે. અંગ્રેજી, હિંદી, તામિલ, તેલુગુ સહિત એક અન્ય ભાષા તેમાં સામેલ હશે. અહીં દરેક પ્રકારની સુવિધા હશે. મંદિરની અંદર રામાનુજાચાર્યના સંપૂર્ણ જીવનને ચિત્રો અને વીડિયોમાં દર્શાવવામાં આવશે. સાથે જ, દક્ષિણ ભારતના પ્રસિદ્ધ ૧૦૮ દિવ્ય દેશોની રિપ્લિકા પણ આ સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીની ચારેય બાજુ બનાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.