કાથરોટા માધ્યમિક શાળાના શિક્ષકની રાજ્યકક્ષાએ પસંદગી; ગણિતના મુંજવતા પ્રશ્નોનું આપશે નિરાકરણ

ગુજરાત સરકારની નવી પહેલમાં રાષ્ટ્રીય એવોર્ડ મેળવી ચૂકેલા શિક્ષક બલદેવપરીની પસંદગી

ગુજરાત સરકારની એક નવી પહેલ કે જ્યારે શાળાઓ શરૂ થઈ રહી છે અને પરીક્ષાઓ લેવાની તૈયારી પણ પતાવી રહી છે ત્યારે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયના તજજ્ઞ દ્વારા કોઈપણ વિષયમાં મુંઝવતા પ્રશ્ર્નોના નિરાકરણ માટે જે તે વિષયના શિક્ષક દ્વારા હેલ્પલાઈન ટેલિફોન દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. તેમાં ધોરણ ૧૦ના ગણિત વિષય માટે જૂનાગઢ જિલ્લાના કાથરોટા માધ્યમિક શાળાના શિક્ષક અને સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા બે બે વખત રાષ્ટ્રીય એવોર્ડ મેળવી ચૂકેલ એવા બલદેવપરી ગુજરાતના બાળકોને મુંઝવતા પ્રશ્ર્નોના નિરાકરણ માટે ગુજરાત સરકારની સેવા માટે પસંદ થયેલ છે. બલદેવ પરી જેઓએ કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ શાળાઓ બંધ થઈ છે ત્યારથી ધોરણ ૯ અને ૧૦ના ઓનલાઈન કલાસ શરૂ કરી વિદ્યાર્થીઓને શાળા જેવો માહોલ આપી રહ્યાં હોય, આ ઉપરાંત મેથ્સ પરી એપ્લિકેશન દ્વારા પણ જેમણે ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક દરેક વિષયનો મનગમતી રમતો અને વિડીયો દ્વારા અભ્યાસક્રમ મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપી ઉમદા કાર્ય કર્યું છે અને ખાસ તો ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓના ઓળાન, કલાસ દરમિયાન આ શિક્ષકે સુપર ૧૦૦ વિદ્યાર્થીઓને ૯૦થી વધુ માર્કસ લાવવા માટે ગોલ આપેલ છે અને આ દિશામાં ખૂબ જ સરસ લાઈવ કલાસ અને લાઈવ ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓ કામ કરી રહ્યાં છે. સરકારની આ હેલ્પલાઈન પર દરેક વિદ્યાર્થીને મુંઝવતા પ્રશ્ર્નોનો જવાબ આપી વિદ્યાર્થીઓની સેવા કરવા માટે પોતે આનંદ અનુભવે છે. આ ખાસ પસંદગી થતાં શાળાના આચાર્ય/દિપકભાઈ એરિયા, સંસ્થાના પ્રમુખ વિઠ્ઠલભાઈ અને શાળા પરિવારે અભિનંદન સાથે ખુશી વ્યકત કરી હતી.

Loading...