Abtak Media Google News

વિછીંયા મહાજન પાંજરાપોળમાં પશુ નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાયો: ૩૭૪૦ પશુઓનું નિદાન કરાયું

પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ વિછીયા ખાતે મહાજન પાંજરાપોળમાં પશુપાલન વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત  પશુ નિદાન અને સારવાર કેમ્પમાં ઉપસ્થિત ખેડૂત મિત્રોને જણાવ્યું હતું કે, પશુપાલકો તેમના પશુધન દ્વારા સારી એવી રોજગારી મેળવી શકે તે માટે રાજ્ય સરકાર વિશેષ કાળજી લઈ રહી છે. પશુપાલન વિભાગ અને કૃષિ યુનિવર્સિટીના સહયોગથી કૃત્રિમ બીજદાન થકી મોટાભાગે વાછરડી કે પાડી જન્મે તે માટેનું પ્રયોગાત્મક આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ તકે મંત્રીશ્રી બાવળીયાએ પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે આપવામાં આવતી વિવિધ લોન સહાયની માહિતી પણ પૂરી પાડી હતી તેમજ પશુઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આવા વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોવાનું મંત્રીશ્રી એ જણાવ્યું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં પશુપાલકો તેમના પશુઓનું નિદાન તેમજ સારવાર કરાવે તે અંગે ખાતરી કરવા વિભાગને જણાવ્યું હતું.

વિછીયા મહાજન પાંજરાપોળ ખાતે કેમ્પમાં પશુઓની મેડિસિનલ સારવાર ૪૪૫, સર્જરી ૩૯, વંધ્યત્વ નિવારણના ૧૭, કૃમિનાશક દવા ૨,૪૩૭ પશુઓને,  તેમજ ૮૦૨ પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પશુપાલન વિભાગ, ગાંધીનગરના ડાયરેક્ટર ડો. વસાવા, ડેપ્યુટી ડાયરેક્ટર જિલ્લા પંચાયત ડો. વઘાસીયા આઈ.સી.ડી.સી ના ડો. એચ બી  પટેલ, કામધેનુ યુનિવર્સિટીના ડો. સુથાર, ડો. રાખોલીયા તેમજ પશુ ચિકિત્સા વિભગના ડોક્ટરની ટીમ દ્વારા પશુ નિદાન તેમજ સારવાર અર્થે ઉપસ્થિત રહ્યા હતાં.

આ તકે પશુપાલકોમાં પશુઓની સારસંભાળ માર્ગદર્શન અર્થે વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં પશુપાલકોએ લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.