એક પણ ખેડૂત નોંધણી વગર ન રહેતે માટે રાજય સરકારની સંપૂર્ણ તૈયારી: જયેશ રાદડિયા

ટેકાના ભાવે મગફળી ખરીદીના ૧૫૦ જેટલા તમામ ખરીદ કેન્દ્રો પર સીસીટીવી સહિતની વ્યવસ્થા ગોઠવાશે

૧લી ઓકટોબરથી રાજયભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે રાજયનો કોઈ ખેડુત આ નોંધણીથી વંચિન ન રહે તે માટે રાજય સરકારે તેમજ પુરવઠા નિગમે સંપૂર્ણ તૈયારી કરી છે. હજુ ૨૦મી સુધી નોંધણી પ્રક્રિયા ચાલુ રહેનાર હોય તે અંગેની માહિતી કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયાએ પત્રકાર પરિષદમાં આપી હતી.

કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ વધુમાં જણાવ્યું હતુ કે શરૂઆતના માત્ર ત્રણ જ દિવસમાં રાજયનાં ૯૧ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. ગત વર્ષે ૪.૭૦ લાખ ખેડુતોએ નોંધણી કરાવી હતી ત્યારે આ વર્ષે પણ ગત વર્ષની માફક તમામ અરજી થશે. ગત વર્ષે પૂરવઠા નિગમ દ્વારા ૫ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી હતી. આગામી ૨૧મીથી રાજયનાં ૧૫૦ જેટલા ખરીદ કેન્દ્રો પરથી ખરીદ પ્રક્રિયાનો પ્રારંભ થશે. નોંધણી શરૂ થયાના પ્રથમ ત્રણ દિવસ વીસીઈની હડતાલ સહિતની સમસ્યાઓ સર્જાઈ હતી. પરંતુ આ તમામ સમસ્યાઓ હલ કરી નોંધણીની પ્રક્રિયા નિયમ મુજબ ચાલુ કરી દેવામાં આવી છે. રવિવાર સહિત સવારના ૬ થી રાત્રીનાં ૧૧ વાગ્યા સુધી ઓનલાઈન નોંધણી ખેડુતો કરાવી શકશે.

ખરીદી પ્રક્રિયા દરમ્યાન કોથળામાં કેટલી ભરતી લેવી તે કેન્દ્ર સરકારની ગાઈડ મુજબ નકકી કરાશે. ચાલુ વર્ષે મોટાભાગનાં વિસ્તારોમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે અલગ અલગ જિલ્લા પ્રમાણે અને ઉત્પાદનના આધારે ભરતી નકકી કરવામાં આવશે. અમુક તાલુકામા નોંધણીની પ્રક્રિયા શિક્ષકોને સોપાઈ તેના પ્રત્યુતરમાં જણાવ્યું હતુ કે આ કામગીરીમાં શિક્ષકોનો કયાંય રોલ નથી તેમજ ખેડુતોએ પણ નોંધણી માટે કયાંય એક રૂપિયો આપવાનો નથી એટલે કે નોંધણી તદન વિનામૂલ્યે છે.

મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે હાલ ૧૫૦ જેટલા ખરીદ કેન્દ્રો તેમજ પ્રાથમિક તબકકે ૧૫૦૦ જેટલા ગોડાઉનો નકકી કરાયા છે. આ કામગીરીમાં પુરવઠા નિગમને વધુ સ્ટાફ જોઈતો હશે તો તે પણ પુરો પડાશે તેમ અંતમાં જણાવ્યું હતુ.

Loading...