Abtak Media Google News

રાજ્યભરમાંથી આવી પહોંચેલા બાળ ખેલાડીઓનું ઢોલ-નગારાના તાલે કુમકુમ તિલક અને મીઠા મો કરાવીને સ્વાગત કરાયુ

મોરબી : બાળકોને રમત ગમત પ્રત્યે રુચિ કેળવાય તેમજ તેમની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા હેતુથી મોરબીમાં સ્પોર્ટ્સ સ્કૂલનો પ્રારંભ થયો છે. જેમાં રાજ્યભરમાંથી ભાગ લેવા પહોંચેલા ૧૧૬ વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા વર્ષ ૨૦૧૪ થી સ્પોર્ટ્સ સ્ફુલનો પ્રોજેકટ અમલી બનાવ્યો છે. જેમાં બાળકોને વિવિધ રમતોની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે. બાળક ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી આગળ વધી શકે તે પ્રકારે ગુણવતા યુક્ત ટ્રેનિંગ આપવામાં આવે છે. મોરબીમાંથી દરખાસ્ત થયેલ પાંચ પૈકી નવજીવન સ્કૂલનો સ્પોર્ટ્સ સ્કૂલ પ્રોજેકટમાં સમાવેશ થયો છે.

તાજેતરમાં નવજીવન સ્કૂલમાં સ્પોર્ટ્સ સ્કૂલનો પ્રારંભ થયો છે. જેમાં ગુજરાતભરના કબડી અને ટેકવેન્ડોના ૧૧૬ વિદ્યાર્થીઓ આવી પહોંચતા જિલ્લા રમત ગમત પ્રશિક્ષણના પાર્થ ચૌહાણ, નવજીવન વિદ્યાલયના સંચાલકો ડી.બી.પાડલીયા, અતુલ પટેલ સહિતનાએ ઢોલ-નગારાના તાલે કુમકુમ તિલક અને મીઠા મો કરાવીને તેઓનું સ્વાગત કર્યું હતું. આ બાળકોને તાલીમ આપવામાં મોરબી જિલ્લાના સિનિયર કોચ, બે મેનેજર, ગૃહપતિ, ફિઝિઓથેરાપીસ્ટ સહિતના રોકાયેલા છે. સ્પોર્ટ્સ સ્કૂલમાં ભાગ લેનાર તમામ બાળકોને ડાયટ, સ્પોર્ટ્સ કીટ અને સ્કોલરશિપ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પોર્ટ્સ સ્કૂલમાં ભાગ લેવા માટે મોરબી જિલ્લા અને રાજયસ્તરે એમ બે કક્ષાએ એડમિશન ટેસ્ટ લેવામાં આવે છે.  જેમાં મોરબી જિલ્લાના ૩૫૦ બાળકોએ જિલ્લા કક્ષાની એડમિશન ટેસ્ટ આપી હતી. બાદમાં રાજ્યકક્ષાએ  ૧૨૧ છાત્રોએ ટેસ્ટ આપી હતી. તેમાંથી ઉત્તીર્ણ થયેલા ૮૦ છાત્રો રાજયની જુદી જુદી સ્પોર્ટ્સ સ્કૂલોમાં ભાગ લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.