Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનું મેનેજમેન્ટ ફરી એક વખત નબળું પૂરવાર થયું છે. અગાઉ પદવીદાન સમારોહને લીધે તે દિવસની પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી ત્યારે આ વખતે GPSCસુપર ક્લાસ – ૩ ની ૨૨ મીની પરીક્ષાને લીધે યુનિ.ની પાંચમા તબક્કાની પરીક્ષા પાછી ઠેલવવામાં આવી છે. ૨૧ મી ડિસેમ્બરથી શરૂ થતી પરીક્ષા હવે ૨૪ મીથી શરૂ થશે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક દ્વારા પરીક્ષા પાછી ઠેલાયાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે.  યુનિવર્સિટીની ચોથા તબક્કાની પરીક્ષા હાલ ચાલી રહી છે. જે ૧૯ મીએ પૂર્ણ થશે ત્યારબાદ ૨૧ ડિસેમ્બરથી પરીક્ષાનો પાંચમો તબક્કો શરૂ થવાનો હતો. પરંતુ ૨૨ મીએ  GPSCસુપર ક્લાસ – ૩ મ્યુન્સિપાલ ચીફ ઓફિસરની ૩૭ જગ્યાની ભરતી માટેની પરીક્ષા હોવાથી યુનિવર્સિટીની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ૨૧ મીથી શરૂ થતી સેમેસ્ટર – ૧ અને ૩ ની બી.એ., એલ.એલ.બી., બી.એડ., એમ.એ., એમ.કોમ. અને એમએસ.સી. સહિતની પરીક્ષા હવે ૨૪ ડિસેમ્બરથી શરૂ થશે. ઇન્ચાર્જ પરીક્ષા નિયામક અમિત પારેખનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યુ કે, કલેક્ટર કચેરી દ્વારા ૨૧ મીથી જ GPSCસુપર ક્લાસ – ૩ના તમામ પરીક્ષા કેન્દ્રો પોતાના હસ્તક લઈ લેશે. જેથી તે પરીક્ષા કેન્દ્ર પર યુનિવર્સિટીની પરીક્ષા ગોઠવાઈ શકે તેમ નથી. જેને લીધે પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યઅને કેન્દ્ર સરકાર દ્વારા અલગ – અલગ સરકારી ભરતી માટે પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ તેમને પણ પરીક્ષા કેન્દ્ર મળવાના ફાંફા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જે કોલેજમાં માસ્ટર ડિગ્રીની પરીક્ષા હતી તેવા કેટલાક કેન્દ્રોમાં GPSCસુપર ક્લાસ – ૩ ની પરીક્ષા લેવામાં આવી. શનિવારની પરીક્ષા હોવા છતાં શુક્રવારે તમામ પરીક્ષા કેન્દ્ર પોતાના હસ્તક રાખવામાં આવશે. જેના લીધે યુનિવર્સિટીની પાંચમા તબક્કાની પરીક્ષાનો કાર્યક્રમ પાછો ઠેલાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.