Abtak Media Google News

જામનગર રોડ નજીક નાગેશ્વર મંદિરની બાજુમાં વર્ધમાન ગ્રુપના સહયોગથી સરગમ સંચાલીત છઠ્ઠુ દવાખાનું શરૂ કરાશે

માત્ર રૂ.૧૦માં ચેકઅપ અને દવા અપાશે: લેબોરેટરીમાં તદન નજીવાદરે બ્લડ, યુરિન સહિતના રિપોર્ટ કરી અપાશે

શહેરમાં સામાજીક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે પ્રવૃત્તિ કરતી સરગમ કલબ દ્વારા બાળકોથી માંડી સીનીયર સીટીઝન સુધીના માટે શહેરમાં વિવિધ ૪૦ પ્રવૃત્તી ચલાવવામાં આવે છે. ત્યારે સરગમની સેવાકીય પ્રવૃત્તિમાં વધુ એક પ્રવૃત્તિનો ઉમેરો થયો છે. અને હવે જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે ૨૪ માર્ચથી રાહતદરનું દવાખાનું ચાલુ થશે.

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતુ કે, જરૂરીયાતમંદ દર્દીઓને રાહતદરે દવા સારવાર મળી રહે તે માટે શહેરમાં સરગમ કલબ સંચાલીત પાંચ દવાખાના ચલાવવામા આવે છે. હવે આ સેવા પ્રવૃત્તિને વિસ્તારીને જામનગર રોડ પર નાગેશ્વર મંદિરની બાજૂમાં છઠ્ઠુ દવાખાનું શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ દવાખાનામાં માત્ર રૂ.૧૦માં ચેકઅપ અને દવા આપવામાં આવશે. આ ઉપરાંતબ્લડ ટેસ્ટ યુરિન ટેસ્ટ, બ્લડ પ્રેશર ચેકઅપ સહિતના વિવિધ ચેકઅપ તદન રાહતદરે કરવામાં આવશે. આ દવાખાનાનો તા.૨૪ માર્ચથી પ્રારંભ થશે. આ ઉપરાંત લેડીઝ હેલ્થ કલબનો પણ પ્રારંભ થશે. જેમાં યોગા, ઝુમ્બા, એરોબીકસ, મશીન ઉપર કસરત સહિતની વિવિધ કસરત કરાવવામાં આવશે.લેડીઝ હેલ્થ કલબમાં માત્ર રૂ.૫૦૦ફી રાખવામાં આવી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, તા.૨૪ માર્ચથી શરૂ થતા દવાખાનાનો નિયમિત સમય સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૭નો રહેશે લેબોરેટરીનો સમય સવારે ૯ થી ૭ અને હેલ્થ કલબનો સમય સવારે ૭.૩૦ થી ૧૦.૩૦ અને બપોરે ૪.૩૦ થી ૬.૩૦ વાગ્યા સુધીનો રહેશે.

આ સેવાકીય પ્રવૃત્તિ માટે વર્ધમાન ગ્રુપ, અમદાવાદના ડો. હરિશભાઈ રતીલાલ મહેતા, પૃથ્વીરાજસિંહ (ઘોઘુભા) હેમંતસિંહ જાડેજા, દાનુભા ગુમાનસિંહ જાડેજા, મિલનભાઈ હરિશભાઈ મેતા, કેતનભાઈ ગીરધરભાઈ પટેલ સહિતનાનો સહયોગ મળેલ છે. આ દાતાઓ તરફથી દવાખાનાનું બિલ્ડીંગ, લેબોરેટરીના સાધનો, હેલ્થ કલબના સાધનો તેમજ આ પ્રવૃત્તિ માટે કાયમી ખર્ચ આપવામાં આવશે.

દવાખાનાનો ઉદઘાટન સમારોહ તા.૨૪ માર્ચે સવારે ૧૦.૩૦ કલાકે યોજાશે. જેમાં ઉદઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાને કર્ણાટકના રાજયપાલ મહામહિમ વજુભાઈવાળા રહેશે. જયારે પ્રમુખ સ્થાને વ્રજરાજકુમાર મહોદય રહેશે તેમજ મુખ્ય મહેમાન તરીકે શકિતસિંહ , જયેશભાઈ રાદડીયા, જયરાજસિંહ જાડેજા, નરેશભાઈ પટેલ નિતિનભાઈ ભારદ્વાજ, અરવિંદભાઈ રૈયાણી, અને અતિથિ વિશેષ તરીકે જીતુભાઈ બેનાણી, મુકેશભાઈ શેઠ, નરેન્દ્રસિંહ એ. જાડેજા, કૃષ્ણરાજસિંહ એમ. જાડેજા, ચંદ્રકાંતભાઈ શેઠ, લઘુભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા, મુકેશભાઈ દોશી, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

દવાખાનાના ઉદઘાટન કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ તેમજ વર્ધમાન ગ્રુપના ડો. હરિશભાઈ રતીલાલ મહેતા, પૃથ્વીરાજસિંહ એચ. જાડેજા, દાનુભા જી. જાડેજા, મિલનભાઈ એચ. મહેતા, કેતનભાઈ જી. પટેલના માર્ગદર્શન હેઠળ સરગમ કલબની લેડીઝ જેન્ટસ કમિટીના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.