વેરો ન ભરનાર ૨ લાખ રીઢા બાકીદારોને નોટિસ ફટકારવાનું શરૂ

ભૂતિયા નળ જોડાણ નિયમિત કરવાનો સર્વે પુરજોશમાં: રેગ્યુલાઈઝડ થયેલા કનેકશનના બીલ પ્રોપર્ટી ટેકસના બીલ સાથે એડ કરી દેવાશે

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે એપ્રીલ અને મે માસમાં લાદવામાં આવેલા લોકડાઉન અને ત્યારબાદની બજારની પરિસ્થિતિને કારણે કોર્પોરેશનની ટેકસની આવકમાં તોતીંગ ગાબડુ પડ્યું છે. ટેકસ બ્રાંચનો મોટાભાગનો સ્ટાફ હાલ કોરોનાલક્ષી કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે રીકવરી શરૂ કરાઈ શકી નથી. નાણાકીય વર્ષના ૮ મહિના પુરા થઈ ગયા હોવા છતાં ૨૬૦ કરોડના લક્ષ્યાંક સામે માત્ર ૧૪૨ કરોડની જ આવક થવા પામી છે. આવામાં હવે ટેકસનો ટાર્ગેટ પુરો કરવા માટે વેરો ન ભરનાર ૨ લાખથી વધુ બાકીદારોને નોટિસ ફટકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જાન્યુઆરીથી હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવામાં આવશે.

ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં રૂા.૨૬૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેની સામે આજ સુધી માત્ર ૧૪૨ કરોડની જ આવક થવા પામી છે. ટાર્ગેટ પુરો કરવા માટે હવે રોજની ૧ કરોડની રીકવરી ફરજિયાત બની જવા પામી છે. લોકડાઉન અને ત્યારબાદની પરિસ્થિતિના કારણે ટેકસની આવકમાં જોરદાર ગાબડુ પડ્યું છે. આવામાં જે લોકોએ વેરો નથી ભર્યા તેવા આશરે ૧.૯૬ લાખ જેટલા મિલકત ધારકોને પોસ્ટ મારફત નોટિસ મોકલવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ નલ સે જલ યોજના અંતર્ગત ભૂતિયા નળ જોડાણ પણ નિયમીત કરવાનો સર્વે હાલ ચાલી રહ્યો છે. જે લોકોના ભૂતિયા નળ જોડાણ કાયદેસર કરી દેવામાં આવ્યા છે તેના વોટર ચાર્જની રકમ ટેકસના બીલમાં એડ કરી દેવામાં આવશે. એક અંદાજ મુજબ શહેરમાં આશરે ૪૦,૦૦૦ જેટલા ભૂતિયા નળ જોડાણ છે. જે તમામ ૩૧મી ડિસેમ્બર સુધીમાં નિયમીત થઈ જાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

રૂા.૨૬૦ કરોડના ટાર્ગેટને પુરો કરવા આગામી દિવસોમાં હવે હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવામાં આવશે. જેમાં બાકીદારોના નળ અને ડ્રેનેજ જોડાણ કપાત કરવા, મિલકત સીલ કરવા, મિલકત ટાંચમાં લેવા કે, મિલકતની જાહેર હરરાજી કરવા સહિતના આકરા પગલા લેવામાં આવશે. હાલ ટેકસ બ્રાંચનો મોટાભાગનો સ્ટાફ કોરોનાલક્ષી કામગીરીમાં રોકાયો હોવાના કારણે ટેકસ રીકવરીની કામગીરી પર અસર થવા પામી છે. આવક અને ખર્ચના ટાંગામેળ કરવા હવે ફરજિયાત હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવો પડશે.

Loading...