Abtak Media Google News

બીજાદિવસે પણ હડતાલ યથાવત: સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ, નોકરીયાતો સહીત મુસાફરો રઝળ્યા, જાનૈયાઓ પણ છેલ્લી ઘડીએ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

ખાનગી વાહન ચાલકોને ઉઘાડી લૂંટ: જયાં સુધી માંગણી નહીં સંતોષાય  ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૧૧ હજાર અને ગુજરાતભરના એસ.ટી.નિગમના ૪૫ હજાર જેટલા કર્મચારીઓએ અચોકકસ મુદતની હડતાલ પાડતા મુસાફરોનો મરો થઈ ગયો છે. આજે હડતાલનો સતત બીજો દિવસ છે. બીજા દિવસે પણ રાજયભરના એસ.ટી.ના તમામ રૂટ બંધ કરાતા મુસાફરો રઝળી પડયા છે અને ખાનગી વાહનોમાં કે ટ્રેનોમાં જવુ પડી રહ્યું છે. હડતાલ આજથી વધુ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે.

ગઈકાલે સાંજે રાજકોટ એસ.ટી.સ્ટેશન ખાતે કર્મચારીઓએ અર્ધનગ્ન હાલતમાં હાય-હાયના નારાઓ બોલાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. એસ.ટી.સ્ટેશનની બહાર કામદારો રસ્તા પર જ સુઈ ગયા હતા અને મુસાફરો બસ સ્ટેશનમાં આવતા અટકાવાયા હતા. કામદારો દ્વારા લેકે રહેંગે, વિજય રૂપાણી હાય હાય, નિતીન પટેલ હાય હાય અને પાકિસ્તાન મુર્દાબાદ સહિતના નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.

Dsc 7011

એસ.ટી.કર્મચારીઓની સાતમાં પગારપંચ સહિતની પડતર માંગણીઓ ન સંતોષાતા ગુરુવારથી જ એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા અચોકકસ મુદતની હડતાલનું એલાન કર્યું છે જે મુસાફરો માટે હાલ વિકટ પરિસ્થિતિ બની રહી છે. રાજય સ્ટેટ ટ્રાન્સપોર્ટ વકર્સ ફેડરેશનના પ્રમુખ ઈન્દુભા જાડેજા, એસ.ટી.કર્મચારી મહામંડળનાં પ્રમુખ સતુભા ગોહિલ અને એસ.ટી.મઝદુર મહાજનના પ્રમુખ વી.આર.વાછાણીએ જણાવ્યું હતું કે, કામદારોના પડતર પ્રશ્નો જેવા કે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવો, ફિકસ પગારના કર્મીઓને ધારાધોરણ મુજબ નાણાકીય લાભો અને સવલતો આપવી, ૧૦૦૦થી વધુ આક્ષિતોને નોકરી આપવી, આંતરીય બદલીના હુકમ રદ કરવા, નિગમના માન્ય સંગઠનોમાં સુધારા-વધારાની કાર્યવાહી કરવામાં આવી છે તે રદ કરવી સહિતની માંગણીઓ જો હજુ પણ સંતોષવામાં નહીં આવે તો હડતાલ તો યથાવત જ રહેશે પરંતુ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ હડતાલને પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એસ.ટી.તંત્રની હડતાલને પગલે ખાનગી વાહન ચાલકોએ ઉઘાડી લુંટ ચલાવી છે. રાજકોટથી મોરબી, ગોંડલ, જુનાગઢ, જામનગર જવા ઈચ્છુક મુસાફરો પાસેથી ખાનગી વાહનોના ધંધાર્થીઓએ બેફામ લુંટ ચલાવી હતી જેને પગલે વિદ્યાર્થીઓ, નોકરીયાત કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.Dsc 7018

ધ્રાગધ્રા એસ.ટી ડેપોની ૪૨ સરકારી બસોના પૈડા થંભી જતા ૨૧૩ જેટલી ટ્રીપો કેન્સલ કરવાથી વિદ્યાર્થી સહિત ૯૦૦૦ જેટલા મુશાફરો રઝળી પડ્યા હતા સાથે માત્ર ધ્રાગધ્રા એસ.ટી ડેપોમા દરરોજ થતી સરકારી આવક ૩.૫૦ લાખનુ નુકશાન સરકારને ભોગવવુ પડ્યુ છે. આશરે ૨૦૦થી વધુ કર્મચારીઓ આજના દિવસે હડતાલમા જોડાયા હતા. સવારથી જ એસ.ટી બસો બંધ રહેતા ધ્રાગધ્રા ડેપો સુમસાન બન્યું હતું.

એસ.ટી કર્મચારીના મુખ્ય પ્રશ્નો સાતમુ પગાર પંચ આપવા, ૨૦૧૦થી એસ.ટી નિગમમા ફરજ બજાલનારા ટેમ્પરરી કર્મચારીઓને કાયમી કરવા, ફિક્સ પગારના તમામ કર્મચારીઓને સરકારી ધારાધોરણ મુજબ લાભ મળે તેવા અનેક પડતર પ્રશ્નો રજુ કરી અનિચ્છીત રાજ્યવ્યાપી હડતાલ પ્રારંભ કરાઇ છે ત્યારે એસ.ટી નિગમના કર્મચારીઓ દ્વારા ટુંક સમયમા સરકાર આ તમામ પ્રશ્નનો ઉકેલ નહિ લાવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ
ઉચ્ચારાઇ છે.

ગુજરાતભરમાં એસટીના પૈડા થંભી ગયા હોય ૪૨ હજાર કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર ત્યારે ઉનામાં મુસાફરો રઝળતા થયા છે અને પ્રાઇવેટ વાહનો એ લૂંટ  મચાવી હોય તેવા દ્રશ્યો ઉના મા જોવા મળ્યા છે ૩૦ એસટી બસ  રોજબરોજ  ચાલતી હોય  ત્યારે આજે ઉના એસટી બસ સજ્જડ બંધ  છે  ત્યારે તેની કોઈ ચોક્કસ મદદ ન આવતા રાહદારીઓને મુસાફરોને બમણા પૈસા લઈને પણ મુસાફરી કરવી પડે એવી પરિસ્થિતિ ઉનામાં સર્જાણી છે જો હડતાલ ન ખોલે તો વિદ્યાર્થીઓને અને  રોજબરોજ મુસાફરોને  હાલાકીનો સામનો કરવો પડે અને વિદ્યાર્થીઓનું ભણતર જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાણી છે.

જસદણમાં આજે બીજા દિવસે પણ એસ.ટી. પોતાની હડતાલ ચાલુ રાખતા ખાનગી વાહનોને બખ્ખા થયા હતા અને મુસાફરોને ભારે હેરાનગતિ થઈ હતી. બીજા દિવસે પણ બસો બંધ રહેતા ડેપો સુમસામ ભાસી રહ્યો હતો અને મુસાફરોએ ડબ્બા રીક્ષામાં મુસાફરી કરવી પડી હતી.

સૌરાષ્ટ્રમાં એસ.ટી.નિગમને રૂ.૧.૮૩ કરોડની નુકસાની

રાજયભરમાં એસ.ટી.કર્મીઓની હડતાલને પગલે એમ પણ ખોટ ખાતુ એસ.ટી.તંત્ર વધુ ખોટ ભોગવી રહ્યું છે. હડતાલના લીધે સૌરાષ્ટ્રમાં ૬ ડિવીઝનમાં ૧ દિવસની હડતાલને પગલે રૂ.૧.૮૩ કરોડની નુકસાની ભોગવવી પડી રહી છે. સૌરાષ્ટ્રના ૬ ડિવીઝનમાં રાજકોટની ૪૦ લાખ, જુનાગઢની ૪૦ લાખ, ભુજની ૨૬ લાખ, જામનગરની ૨૪ લાખ, ભાવનગરની ૨૮ લાખ અને અમરેલીની ૨૫ લાખ સહિત સૌરાષ્ટ્રમાં એસ.ટી.નિગમને રૂ.૧.૮૩ કરોડનો ફટકો પડયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.