Abtak Media Google News

ગુજરાતની એસ.ટી. નિગમની બસોમાં તથા માલ પરિવહન (પાર્સલ) દ્વારા થતી ટેક્સ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાતા એસ.ટી. વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતાં. રાજકોટથી રવાના થયેલ પાર્સલની કિંમત નવ હજાર દર્શાવાઈ હતી. હકીકતે એ પાર્સલ ૧૬ લાખની કિંમતનું હતું. આમ આવકવેરા (જીએસટી) તેમજ પોલીસ વિભાગને બનાવી વાકેફ કરવામાં આવ્યા છે.

એસ.ટી. વિભાગના પરવાનેદાર એવા રાજકોટ સ્થિત આશાપુરા એજન્સી દ્વારા આજે એક પાર્સલ ભાવનગર-દ્વારકા રૂટની એસ.ટી. બસ મારફત રવાના કરવામાં આવ્યું હતું. આ બસ ખંભાળિયા પહોંચી ત્યારે એ મસમોટું પાર્સલ ઉતારી તેની તલાસી લેવામાં આવતા તેમાં કોઈક ગડબડ હોવાની આશંકા ઉપજી હતી. આથી જામનગર એસ.ટી.ના વિભાગીય નિયામક જીગ્નેશ બુચની સૂચનાથી આ પાર્સલના બીલ કાગળો તપાસવામાં આવ્યા હતાં. જેમાં બે પાર્સલની કુલ કિંમત નવ હજાર દર્શાવાઈ હતી અને તે મુજબનો સરકારને જીએસટી ચૂકવાયો હતો.

પરંતુ શંકાના કારણે પાર્સલ ખોલવામાં આવતા તેમાંથી રપ૦ થી વધુનો નવેનવા મોબાઈલ ફોનનો જથ્થો મળી આવ્યો હતો અને ર૦૦ કિલોના બદલે આ પાર્સલો આશરે ૪પ૦ કિલ્લો વજનના હતા જેની કિંમત આશરે ૧૬ લાખ કરતા વધુ જાવા થાય છે. આમ પાર્સલની હેરફેરની આડમાં ટેક્સ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. આથી એસ.ટી. વિભાગ દ્વારા આવક વેરા વિભાગ તેમજ પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે. આ તમામ પાર્સલો રાજકોટની બસમાં ચઢાવાયા હતાં જે બસ ભાવનગર ડેપોની હતી અને તમામ પાર્સલો ભાટિયા, દ્વારકા, મીઠાપુર, ઓખાના હોવાનું જાણવા મળ્યું છે.

આમ ટેક્સ ચોરી માટે એસટી નિગમની બસનો ઉપયોગ થતો હોવાનું ઝડપાતા ચકચાર જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.