એસ.ટી.માં હવે ૭૫ ટકા મુસાફરોને બેસાડી શકાશે

૫૨ સીટની બસમાં ૩૯, ૪૬ સીટની બસમાં ૩૫ અને ૩૦ સીટની બસમાં ૨૩ પેસેન્જરો બેસી શકશે

રાજયનાં ગૃહ વિભાગ દ્વારા અનલોક-૫ની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી જે અનુસાર એસ.ટી.માં હવે ૬૦ ટકાના બદલે ૭૫ ટકા મુસાફરોને બેસાડી શકાશે જેમાં ૫૨ સીટની બસમાં ૩૯, ૪૬ સીટની બસમાં ૩૫ અને ૩૦ સીટની બસમાં ૨૩ પેસેન્જરો બેસી શકશે.

રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક યોગેશ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણને લઈ અત્યાર સુધી એસ.ટી.બસોમાં સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન થાય તે માટે બે સીટમાં ૧ અને ત્રણ સીટમાં ૨ મુસાફરોને બેસાડવામાં આવતા હતા જોકે હવે અનલોક-૫ની ગાઈડલાઈન મુજબ તેમાં વધારો કરવામાં આવ્યો છે. ૬૦ ટકાની બદલે ૭૫ ટકા મુસાફરો બેસાડી શકાશે જે મુજબ વાત કરીએ તો સુપર એકસપ્રેસની ૫૨ સીટની બસમાં ૩૯ મુસાફરો તેમજ ગુર્જર નગરીની ૪૬ સીટમાંથી ૩૫ સીટ પર પેસેન્જરને બેસાડી શકાશે. સ્લીપર કોચની મીની બસમાં ૩૦ સીટમાંથી ૨૩ સીટ પર, સ્લીપર કોચના પાટીયા, સોફા, બર્થમાં ૧૫ સોફા હોય છે તેમાં હવે ૧૧ સોફાનું બુકિંગ મુસાફરો કરાવી શકશે. જયારે ૧૨ મીટરની સુપર એકસપ્રેસમાં ૬૫ સીટમાંથી ૪૯ સીટ પર ટીકીટ બુકિંગ થઈ શકશે.

રાજયમાં માર્ચ માસમાં કોરોનાના કેસની શરૂઆત થતા એસ.ટી.બસોના પૈડા થંભી ગયા હતા. લોકડાઉન બાદ ૪ મહિના સુધી એસ.ટી.બસો બંધ થઈ હતી જોકે ધીમે-ધીમે એસ.ટી.બસો શરૂ કરતા શરૂઆતમાં ૬૦ ટકા મુસાફરોને બેસાડવાની છુટ આપ્યા બાદ હવે ૭૫ ટકા પેસેન્જરોને મુસાફરી કરવા પરવાનો મળ્યો છે.

Loading...