Abtak Media Google News

ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા લગ્ન પ્રસંગોમાં ખુબજ સસ્તા ભાવથી એસટી બસ આપવાનું શરૂ કરાતા હાલ લગ્નગાળામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના જાનૈયાઓમાં એસટી બસ ફેવરીટ બની ગઈ છે. લગ્ન પ્રસંગ માટે ભાડે લેવામાં આવતી મીની બસનું મીનીમમ ભાડુ રૂ.૬૦૦ અને મોટી બસનું મીનીમમ ભાડુ રૂ.૨૦૦૦ લેવામાં આવે છે. એસટી બસના ભાડાના આ દર ખાનગી વાહનોની સરખામણીએ ખુબજ સસ્તા હોય લગ્ન પ્રસંગમાં જાન લઈ જવા માટે એસટી બસ ભાડે લાવવાનો ટ્રેન્ડ ફરી શરૂ થઈ ગયો છે. ગ્રામ્ય ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ એસટી બસનું લગ્ન પ્રસંગો માટે બુકિંગ થવા લાગ્યું છે.

રાજકોટ એસટી ડીવીઝનના સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ડીવીઝન હેઠળના ૯ ડેપો જેમાં રાજકોટ સેન્ટ્રલ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના ૯ ડેપોમાં ફેબ્રુઆરી માસમાં લગ્ન પ્રસંગો માટે કુલ ૧૦૦ એસટી બસનું બુકિંગ થયું છે.

ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત રાજકોટ શહેરમાં પણ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાન લઈ જવા માટે ટેમ્પો, ટ્રાવેલ્સ કે વિંગર જેવા ખાનગી વાહનો ભાડે બાંધવાને બદલે ફકત રૂ.૬૦૦ના ભાડાથી એસટીની મીની બસ અથવા મોટી બસ હોય તો રૂ.૨૦૦૦ના ભાડેથી મોટી બસ બાંધવામાં આવી રહી છે. હાલમાં પણ લગ્ન પ્રસંગો માટે પુરજોશમાં એસટી બસોનું બુકિંગ ચાલુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.