Abtak Media Google News

૨૪૨ ટ્રીપો શરૂ કરાઈ: જુનાગઢ સિવાયના બાકીના તમામ વિભાગોમાંથી બસો મહારાષ્ટ્ર તરફ દોડાવાશે

છેલ્લા સાત મહિનાથી બંધ ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેની એસ.ટી.બસ સેવાનો આજથી પ્રારંભ થયો છે. મહારાષ્ટ્ર અપડાઉન બંને દિશામાં કુલ ૨૪૨ ટ્રીપો ચાલુ કરવામાં આવી છે. ગુજરાતમાં એસ.ટી.નિગમના ૧૬ વિભાગો પૈકી જુનાગઢ સિવાયના બાકીના તમામ વિભાગોમાંથી બસો મહારાષ્ટ્ર તરફ દોડાવાશે જેના થકી દૈનિક ૩૦,૭૨૮ કિલોમીટરનું સંચાલન હાથ ધરવામાં આવનાર છે. આ સંચાલન થકી દૈનિક ૧૨ હજાર મુસાફરોને મુસાફરીનો લાભ મળશે.

જુનાગઢ વિભાગનું મહારાષ્ટ્ર તરફનું એસ.ટી.બસોનું શેડયુલ જ ન હોવાથી ૮૩ બસો દોડી નહીં શકે. કોરોનાના સંક્રમણના કારણે હવે જાહેર પરીવહન સેવાઓ ધીમે ધીમે ગતિ પકડી રહી છે. રાજયમાં તબકકાવાર એસ.ટી.બસ સેવા ચાલુ કરાયા બાદ આંતર રાજયમાં રાજસ્થાન તરફની બસો ચાલુ કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં બસો ચાલુ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આગામી દિવાળી સહિતના તહેવારો નજીક હોય ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરીવારોને પરવડે તેવી જાહેર પરીવહનની એસ.ટી.બસ સેવા મહારાષ્ટ્ર માટે શરૂ થતા મુસાફરોને રાહત મળી છે. સારા-નરસા પ્રસંગોએ અથવા તો છેલ્લી ઘડીના પ્રવાસે જવા માંગતા મુસાફરોને આંતરરાજય બસ સેવા શરૂ થતા મોટી રાહત મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.