Abtak Media Google News

વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીની અભિવ્યકિત શ્રોતાઓને સંમોહિત કરશે: આબેહુબ વ્રજની ઝાંખી કરાવતી પ્રદર્શની ભાવિકો માટે વંદનિય બનશે

રાજકોટની વૈષ્ણવ સંસ્થાઓ-દાસીજીવણ સત્સંગ મંડળ અને રાજકોટ વૈષ્ણવ સંઘના સંયુકત સેવા ઉપક્રમે રાજકોટમાં રવિવાર તા.૧૫ ડિસે.થી શનિવાર તા.૨૧ ડિસે. સાત દિવસ સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત્ ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. આચાર્યપીઠેથી કડી-અમદાવાદના મર્મજ્ઞ વકતા યુવા વૈષ્ણવાચાર્ય પૂ. દ્વારકેશલાલજી મહોદયથી દરરોજ બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધી ભગવદ્ ગીતાનું સરળ રસપાન કરાવશે. પ્રથમ દિવસે કથાના મંગળ પ્રારંભ પૂર્વે રાજકોટના મુખ્ય જાહેર રાજમાર્ગો પર અતિ શોભાયમાન વિશાળ શોભાયાત્રા નીકળશે.

આ શોભાયાત્રાની વિગતો આપતા આયોજનના પ્રચાર ઈન્ચાર્જ સરગમ કલબ, રાજકોટના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા જણાવે છે કે, મ્યુઝિક બેન્ડ અને નાસિક ઢોલના કર્ણપ્રિય તાલે શહેરમાં ફરનાર આ શોભાયાત્રામાં કેસરી રંગના ગણવેશમાં શોભતી ૩૦૦ ઉપરાંત કળશધારી બહેનો, ઢોલક મંઝિરાના તાલે ધૂન બોલાવતી શહેરનાં વિવિધ ધૂનમંડળોની બહેનોના સમૂદાયની આગળ બે જીપ બગીઓ, બે ઘોડાગાડી, ૪ ખૂલ્લી જીપ, ૧૦૮ મોટર સાયકલ પર કેસરી ખેસધારી યુવાનો, ૨૫૧ વિવિધ પ્રદર્શન કલાકારી, જેમાં ૬૦ મુંબઈનાં, ૨૨ કેરાળા રાજયના ૧૧૦ વડોદરા અને ૪૦ નેશનલ એવોર્ડ વિજેતા ચેતનભાઈ ગઢવીના કલાકારોની સામેલગીરી હશે. શોભાયાત્રામાં હાથી અને ઘોડેસવારીના દ્રશ્યો શોભાયાત્રાનું આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત ભગવદ્ ગીતાની ઝાંખી કરાવતો તથા મહાભારત યુધ્ધના સંપૂર્ણ દર્શન કરાવતા વિશાળ ફલોટસ શહેરીજનો માટે દર્શનીય બની રહેશે.

ગુણવંતભાઈ ડેલાવાળાએ આપેલ માહિતી મુજબ ગીતા જ્ઞાનયજ્ઞનાક સાત દિવસ દરમ્યાન રાજયના વિવિધ શહેરોનાં વૈષ્ણવ ધર્મસંસ્થાનોના વંદનીય આચાર્યો હાજરી આપશે. કથાના પ્રથમ દિવસ ૧૫, ડિસેમ્બરે કડી-અમદાવાદના પૂ. જયદેવલાલજી મહોદયશ્રી અને રાજકોટના રૂષિરજી મહોદયશ્રી, દ્વિતીય દિન ૧૬, ડિસેમ્બરે અમરેલીના પૂ. દ્વારકેશલાલજી મહોદયશ્રી અને અમદાવાદના પૂ. અભિષેક મહોદયશ્રી, તૃતીયદિન તા.૧૭ ડિસે. અમદાવાદના પૂ. કૃષ્ણકુમાર મહોદયશ્રી, ચતુર્થ દિન તા.૧૮ ડિસે. પોરબંદરના પૂ. શૈલેષકુમાર મહારાજશ્રી, રાજકોટના અભિષેક મહારાજશ્રી તથા પોરબંદરના પૂ. વસંતકુમાર મહારાજશ્રી, છઠ્ઠા દિવસ ૨૦ ડિસે. રાજકોટના પૂ. વ્રજેશકુમારજી મહોદયશ્રી અને સાતમા દિવસે તા.૨૧ ડિસે. કડી-અમદાવાદના પૂ. યદુનાથ મહોદયશ્રી કથામંડપમાં પધરામણી કરીને કથા શ્રવણ કરશે. વૈષ્ણવ શ્રોતાઓને તેઓનાં દર્શનનો લાભ મળશે.

Dhaduk

રાજકોટમાં પ્રથમ વખત યોજાનાર શ્રીમદ્ ભગવત ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞને સર્વાંગી સફળ અને પ્રજાભિમુખ કરવા ભવ્ય આયોજનના સારથીઓ રમેશભાઈ ધડુક, નૈમિષભાઈ ધડુક, ગુણવંતભાઈ ડેલાવાળા, વિઠ્ઠલભાઈ ધડુક, અરવિંદભાઈ ગજજર, અલ્પેશભાઈ ખંભાયતા, સૂર્યકાંતભાઈ વડગામા, પોપટભાઈ ભાલારાના માર્ગદર્શન હેઠળ વિવિધ વ્યવસ્થાપક સમિતિઓમાં ૫૦૦ ઉપરાંત વૈષ્ણવ સેવકો સેવાઓ આપી રહ્યા છે. આયોજન સંબંધી કોઈ માહિતી કે સેવાઓ આપવી હોય તો અરવિંદભાઈ ગજજર મો. ૯૪૨૭૨ ૦૭૧૨૧, પોપટભાઈ ભાલાળા મો. ૯૮૨૫૦ ૭૯૦૬૯ તથા સૂર્યકાંતભાઈ વડગામા મો. ૯૪૨૬૮ ૧૯૮૩૪ના સંપર્ક કરવા ક્થા આયોજકોની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.