Abtak Media Google News

Table of Contents

કોરોના સામેનો ફાઇનલ જંગ લડવા દેશ ‘સજ્જ’

કોરોના વાયરસ સામેના જંગમાં ઘરમાં રહેવાનો લોકોનો નિર્ધાર જ ભારતને જીત અપાવશે: રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ વધતા આશાનું કિરણ

કોરોના વાયરસની મહામારીથી આખુ વિશ્ર્વ પીડાવા લાગ્યું છે. ભારતના આંગણે પણ કોરોના વાયરસને ધામા નાખ્યા છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ આખા દેશમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. તે પહેલા રવિવારે જનતા કફર્યુથી કોરોના વાયરસના ફેલાવાને રોકવાનો પ્રયત્ન થયો હતો. આ પ્રયત્ન મહદઅંશે કારગત નિવડયો હોવાનું તાજેતરના આંકડા કહી રહ્યાં છે. વિગતો મુજબ કોરોના વાયરસના સંક્રમણના કેસમાં ઘટાડો આવ્યો છે. બે દિવસ પહેલા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૯૯ કેસ નોંધાયા હતા. જેમાં ઘટાડો થયો છે અને ૨૪ કલાકમાં ૬૪ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

વર્તમાન સમયે દેશમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ ૫૬૨ છે. આ કેસમાં સતત વધારો થવાની દહેશત નિષ્ણાંતો વ્યકત કરી ચૂકયા છે. જો કે લોકો સ્વયંભૂ શિસ્ત દાખવીને ઘરમાં રહેતા કોરોના વાયરસની સાયકલ તૂટે તેવી આશા જાગી છે. બીજી તરફ કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ સારવાર લઈ રહેલા દર્દીઓની તબીયતમાં પણ સુધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત ૪૮ દર્દીઓ રિકવરી થયા હોવાનું આંકડા જણાવી રહ્યાં છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસના કારણે અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઈટલી સહિતના વિકસીત દેશો પણ મુશ્કેલીમાં મુકાયા છે. અમેરિકામાં મૃતાંક વધી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આવા સંજોગોમાં ભારતમાં પણ સંક્રમણના કેસની સંખ્યા મુદ્દે સરકાર ચિંતીત જણાય રહી છે. જેના કારણે પ્રારંભીક તબક્કે જનતા કફર્યુની જાહેરાત થઈ હતી. ત્યારબાદ એક પછી એક એમ વિવિધ રાજ્યોને લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો હતો અને અંતે ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધતી વખતે ૨૧ દિવસ માટે સમગ્ર રાષ્ટ્રનું લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ દેશમાં રાહત કામગીરી માટે ૧૫ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની પણ જાહેરાત થઈ હતી.

મળતા આંકડા મુજબ કેરેલામાં ગઈકાલે ૧૪ નવા કેસ નોંધાયા હતા. કુલ કેસની સંખ્યા ૧૦૯ જેટલી છે. જેમાંથી ૪ રિકવર થયા હતા. મહારાષ્ટ્રમાં નવા ૧૦ કેસ નોંધાયા હતા. કુલ કેસ ૧૦૭ થયા છે જેમાંથી રિકવર થયા હોય તેવા કેસ ૮ જેટલા છે. જો કે ત્રણ લોકોના મોત મહારાષ્ટ્રમાં નિપજી ચૂકયા છે. આવી રીતે કર્ણાટકમાં ૯, તેલંગણામાં ૬, ઉત્તરપ્રદેશમાં ૪, હરિયાણામાં ૨ નવા કેસ નોંધાયા હતા. દેશમાં કુલ ૧૧ જેટલા લોકોના કોરોના વાયરસે ભોગ લઈ લીધો છે. ગત રવિવારે વડાપ્રધાન મોદીએ કરેલા આહવાનના પગલે લોકો ઘરમાં રહ્યાં હતા અને સંક્રમણની રફતાર ઓછી કરવામાં મદદરૂપ થયા હતા. આવું જ જો આગામી ૨૧ દિવસ સુધી ચાલશે. ભારત કોરોના વાયરસને ઝડપથી મહાત આપી શકશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

અહીં નોંધનીય છે કે, ગુજરાત સહિતની રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિને અસરકારક બનાવવા માટે પોલીસ કર્મીઓ ભરપુર પ્રયાસ કરી રહ્યાં છે. ગુજરાતમાં ડીજીપી શિવાનંદ ઝા દ્વારા કંટ્રોલરૂમ ધમધમતો રાખવા પ્રયત્ન કરવામાં આવશે. શિવાનંદ ઝા દ્વારા નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, સોશ્યલ ડિસ્ટન્સ જ કોરોના વાયરસ સામેની લડાઈમાં અસરકારક હથિયાર છે.

નોંધનીય છે કે, ભારતમાં લોકડાઉનની સ્થિતિ સાથે જ સોશ્યલ ડિસ્ટન્સની શરૂઆત થઈ જશે. લોકો ભીડમાં જતા અટકશે એટલે આપોઆપ કોરોના વાયરસનો સંક્રમણનો પ્રભાવ વધશે. કોરોના વાયરસના હોસ્ટ સાથે સંપર્કમાં કોઈ બીજો વ્યક્તિ નહીં આવે તો વાયરસનો ફેલાવો અટકશે અને જે વ્યક્તિમાં વાયરસ છે તેનો ઈલાજ પણ થશે. એકંદરે કોરોના વાયરસના ફેલાવાની સાયકલ તોડવી ખુબજ આવશ્યક છે. લોકો ઘરમાં પુરાઈ રહેશે તો આ સાયકલને ઝડપથી તોડી શકાશે. માત્ર ૨૧ દિવસ ઘરમાં રહેવાથી ભારત દેશ ૨૧ વર્ષ પાછળ ધકેલાતો બચી જશે તેવું વડાપ્રધાન મોદી સ્વીકારી ચૂકયા છે. આવા કપરા સંજોગોમાં લોકોને બે હાથ જોડી વડાપ્રધાન મોદીએ અપીલ કરવી પડી છે. ઘણા સ્થળોએ લોકોએ સ્વયંભૂ શિસ્ત દાખવીને લોકડાઉનની પરિસ્થિતિને સ્વીકારી લીધી છે પરંતુ કેટલાક સ્થળો એવા પણ છે જ્યાં લોકો લોકડાઉનને ગંભીરતાથી લઈ રહ્યાં નથી. આવી જગ્યાએ પોલીસનું દબાણ લાવી લોકડાઉનને અસરકારક બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છેે. વર્તમાન તબક્કે ભારતમાં છેલ્લા બે દિસવમાં પોઝીટીવ કેસની સંખ્યા મહદઅંશે ઘટી ગઈ છે. પરંતુ આગામી સમયમાં આવી જ સાવચેતી રાખવામાં નહીં આવે તો કેસ નોંધાવામાં એકાએક તોતીંગ વધારો આવી શકે તેવું સ્વાસ્થ્યને લગતી બાબતોના નિષ્ણાંતો માની રહ્યાં છે.

થોડા સમય પહેલા ઈટાલી, ચીન અને ઈરાન જેવા મોટા દેશોની હાલત કોરોના વાયરસના કારણે કફોડી થઈ ચૂકી હતી. ઈટાલીમાં કોરોના વાયરસ બેકાબુ બની જતાં ૬૦૦૦ જેટલા લોકોના મોત નિપજી ચૂકયા છે. ચીન વાયરસને કાબુમાં લેવામાં ઘણા અંશે સફળ રહ્યું છે. પરંતુ આ વાયરસ વધુ ફેલાય નહીં તેવી તકેદારી પણ રાખી રહ્યું છે. નિષ્ણાંતોના કહ્યાંનુસાર પહેલા વાયરસનું એપી સેન્ટર ચીન હતું. ત્યારબાદ વાયરસનું એપી સેન્ટર યુરોપ બન્યું હતું અને હવે અમેરિકાને કોરોના વાયરસે પોતાનું ઘર બનાવ્યું છે. અમેરિકા સાધન સંપન્ન દેશ હોવા છતાં કોરોના વાયરસના ફેલાવાને અટકાવી શકવામાં લગભગ નિષ્ફળ રહ્યું છે. અમેરિકામાં હજુ પણ ઘણી જગ્યાએ લોકડાઉનની સ્થિતિને ગંભીરતાથી લીધી નથી. આવું જ ભારતમાં ન થાય તે હિતાવહ છે.

વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીએ કોરોના વાયરસની અસર ભારતમાં મહદઅંશે ઓછી રહી છે. જેના પાછળ અનેક કારણો જવાબદાર છે. ચીન અને ઈટાલી જેવા દેશોમાં કોરોનાના ત્રીજા અને ચોથા તબક્કાનું વિકરાળ સ્વરૂપ લોકોએ જોઈ લીધું હતું. લાખો લોકો ઘરમાં પુરાઈ રહ્યાં હતા. હજ્જારો લોકોએ કોરોના વાયરસના કારણે ચીન અને ઈટાલીમાં જીવ ગુમાવવો પડ્યો હતો. ભારતમાં પણ આવું ન થાય તે માટે સરકાર સતર્ક બની ગઈ છે. ભારતમાં સરકારે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે જેનો અસરકારક અમલ થાય તે જરૂરી છે.

કોરોનાથી ડરવાની જરૂર નથી. સરકાર જે નિયમો જાહેર કરે તેનું ચુસ્ત પાલન કરો. વુહાનમાં કોરોના જાહેર થયો તેવું તુરંત જ લોકડાઉન જાહેર કર્યું. લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળીને સરકાર અને પોલીસને સપોર્ટ કર્યો હતો. વુહાનના લોકોએ બધી તકેદારીનું પાલન કરતા હવે પરિસ્થિતિ કાબૂમાં આવી છે. જેને કારણે લોકો હવે નિરાંતનો શ્ર્વાસ લઈ રહ્યાં છે. ડોકટર અને મેડિકલ ટીમ તરફથી ખૂબ જ સારી સારવાર મળતી હતી. છેલ્લા ૫ દિવસથી કોઈ પણ કેસ પોઝિટીવ નોંધાયો નથી. હાલ અત્યારે ૫ હજાર જેટલા કેસ બાકી છે પરંતુ પહેલા કરતા પરિસ્થિતિ કાબૂમાં છે.

­­­­­ગભરાશો નહીં, જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થશે

દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન શરૂ થઈ ચૂકયું છે. આ લોકડાઉન દરમિયાન લોકોને ઘરમાં જ રહેવા વડાપ્રધાન મોદીએ અપીલ કરી છે. જો લોકો ઘરની બહાર આવશે અને વાયરસનો ચેપ લાગશે તો આગામી સમયમાં વાયરસને હરાવવા માટે મહામુશ્કેલી ઉભી થશે તેવું વડાપ્રધાન મોદી કહી ચૂકયા છે. આવા સંજોગોમાં લોકો પોતાના ઘરમાં સંગ્રહખોરી ન કરે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. લોકડાઉનની સ્થિતિ દરમિયાન જીવન જરૂરી વસ્તુઓની ખરીદી માટે લોકો પોતાની નજીકની દુકાનમાં જઈ ખરીદી કરી શકે છે. ખોટા આંટાફેરા મારવા પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં લોકો સુધી જીવન જરૂરી વસ્તુ ઝડપથી પહોંચાડવાના પ્રયાસો વડાપ્રધાન મોદીની સરકારે લીધા છે. આપાતકાલની સ્થિતિમાં હોસ્પિટલ તેમજ મેડિકલ સેવાને લગતી દુકાનો ચાલુ રહેશે. આ ઉપરાંત કરીયાણાની દુકાનો પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. દૂધની ડેરી તેમજ શાકભાજીની ખરીદી માટે પણ છુટછાટ અપાઈ છે. બેંકો અને એટીએમો પણ ચાલુ રહેશે. પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા પણ ધમધમશે. પેટ્રોલપંપ, સીએનજી પંપ અને એલપીજી આઉટલેટ પણ ચાલુ રહેશે. પોલીસ સતત નજર રાખશે. વીજળી અને પાણીની સુવિધા લોકો સુધી પહોંચશે. ટેલીકોમ્યુનિકેશન, ઈન્ટરનેટ, બ્રોડકાસ્ટીંગ, આઈટી સહિતની સેવા પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. જો કોઈનું મોત થઈ ગયું હોય તો અંતિમવિધિના કાર્યમાં ૨૦ લોકોને ભેગા થવા છુટ અપાશે. લોકો જેમ બને તેમ ઓછા એકઠા થાય તેવી અપેક્ષા સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે. સરકારની આ અપેક્ષા મુજબ જ કામગીરી થશે.

૨૧ દિવસના લોકઆઉટને લઇ લોકોએ જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા કતારો લગાવી

વડાપ્રધાન મોદીએ લોકોને હાથ જોડીને ઘરે રહેવાની તાકીદ કરી છે. આગામી ૨૧ દિવસ સુધી દેશ લોકડાઉન રહેશે. કારણ વગર ઘરની બહાર લટારો મારનાર લોકો સામે કાનૂની કાર્યવાહી થશે. દરમિયાન લોકોએ ઘરમાં રહેવા નિર્ધાર કર્યો છે. જો કે, લોકડાઉનના કારણે કેટલાક લોકોમાં ભયનો માહોલ સજાર્તા જીવન જરૂરી વસ્તુની ખરીદી માટે ગઈકાલ રાતથી જ દુકાનો બહાર લાઈનો લાગી હતી. કેટલાક સ્થળોએ કતારોને હટાવવા પોલીસને કામગીરી પણ કરવી પડી હતી. વડાપ્રધાન મોદીએ લોકોને પેનીકમાં ન આવવાનું સુચન કર્યું હતું. લોકોને જીવન જરૂરી વસ્તુઓ સમયસર મળી રહેશે તેવી ધરપત પણ આપી હતી. અલબત વડાપ્રધાન મોદીએ કરેલા સુચનને કેટલાક લોકોએ માન્યમાં ન રાખ્યું હોવાનું ફલીત થઈ રહ્યું છે. લોકો જીવન જરૂરી વસ્તુ ખરીદવા માટે કતારો લગાવી રહ્યાં છે. પરિણામે અફરા-તફરીનો માહોલ સર્જાય તેવી ભીતિ છે. વડાપ્રધાન મોદીએ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરતાની સાથે જ કેટલાક લોકો વસ્તુઓ મળશે કે નહીં તેવા ભયમાં આવી ગયા હોવાનું સામે આવે છે. દૂધ, કરીયાણુ, શાકભાજી જેવી વસ્તુનો જથ્થો લોકો સુધી સમય સુધી પહોંચી જશે તેવી ખાતરી અપાયા છતાં પણ લોકોમાં હળબળાટ જોવા મળી રહ્યો છે.

૧૯૩૩થી પ્રથમ વખત અમેરિકાના શેરબજારમાં ૧૧.૪ ટકાનો ઉછાળો

અમેરિકામાં કોરોના વાયરસના ભયના પગલે સરકારે કેટલાક પગલા લીધા છે. વૈશ્ર્વિક અર્થતંત્ર કોરોના વાયરસના કારણે માંદુ પડી જતાં લગભગ તમામ દેશના બજારોમાં ગાબડા પડી ગયા હતા. અમેરિકાના શેરબજારમાં પણ ઉપરા-ઉપરી ત્રણ સર્કિટ લાગી હતી. આવી સ્થિતિમાં અમેરિકાનું બજાર બંધ રાખવાની અફવા પણ ઉડી હતી. હવે કોરોના વાયરસની મહામારી સામે લડવા અમેરિકાની સરકારે રાહત પેકેજની તૈયારી કરી હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ગઈકાલે અમેરિકાના ડાઉજોન્સની ઈન્ડસ્ટ્રીયલ એવરેજમાં ૧૧.૪ ટકાનો ઉછાળો જોવા મળતા રોકાણકારોના મનમાં શાંતિ થઈ હતી. આવો મોટો ઉછાળો ૧૯૩૩ બાદ સૌપ્રથમ વખત જોવા મળ્યો છે. અમેરિકાની સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે રાહત-પેકેજ વચ્ચે એક મત સધાશે તેવી અપેક્ષાએ બજારમાં લેવાલી જોવા મળી હતી. મોટાભાગના શેર અપ રહ્યાં હતા. આવી સ્થિતિમાં વિશ્ર્વમાં અન્ય બજારો પર પણ પોઝીટીવ અસર પડી છે. ભારતીય શેરબજાર લાંબા સમયથી નેગેટીવમાં ટ્રેડ થયા બાદ આગામી સમયમાં ગ્રીન ઝોનમાં ટ્રેડ થશે તેવું રોકાણકારો માનવા લાગ્યા છે.

કોરોનાને લઇ G-૨૦ની વિડીયો કોન્ફરન્સ સંબોધશે સાઉદી અરેબિયા

વૈશ્ર્વિક સ્તર પર કોરોનાનો પ્રકોપ છવાયો છે ત્યારે આ મહામારીથી કેવી રીતે બચી શકાય તે દિશામાં હાલ વિશ્ર્વ આખું વિચારી રહ્યું છે. આ મહામારી ઉપર કાબુ મેળવવામાં નહીં આવે તો કયાંકને કયાંક વિઘ્વશની સ્થિતિનું નિર્માણ થશે તો નવાઈ નહીં. વૈશ્ર્વિક સ્તર પર આ સ્થિતિનું નિર્માણ ન થાય તે હેતુસર જી-૨૦ હેઠળ ગુરૂવારનાં રોજ એટલે કે ૨૬મી માર્ચના રોજ યોજાશે જેમાં વૈશ્ર્વિક નેતાઓ આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સ મારફતે ભાગ લેશે જેમાં રશિયાનાં વાલ્દમીર પુતિનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જી-૨૦ સમિટમાં આ વૈશ્ર્વિક મહામારીથી કેવી રીતે બચી શકાય અને લોકોનું સ્વાસ્થ્ય કેવી રીતે જળવાય તે મુદ્દે વૈશ્ર્વિક ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જી-૨૦નું પ્રમુખપદ હાલ સાઉદી અરેબીયા પાસે રહેલું છે જેથી આ વિડીયો કોન્ફરન્સીંગનું અધ્યક્ષપદ અને સમીટને સંબોધશે તે કિંગ સલમાન છે જે અંગેની જાહેરાત રિયાધ ખાતે કરવામાં આવી છે. કયાંકને કયાંક એ પ્રશ્ર્ન પણ ઉદભવિત થયેલ છે કે આ બેઠકનું આયોજન વહેલા કરવાની જરૂર હતી પરંતુ આવતીકાલ એટલે કે ૨૬ માર્ચના રોજ વિડીયો કોન્ફરન્સીંગ માટે જે જી-૨૦ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે તેમાં એ દેશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે

જે કોરોનાથી ઘણીખરી રીતે અસરગ્રસ્ત થયા હોય જેમાં સ્પેન, જોલ્ડન, સિંગાપોર અને સ્વીત્ઝરલેન્ડનો સમાવેશ થાય છે. આ બેઠકમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન હેઠળ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સહભાગી થશે. વિડીયો કોન્ફરન્સીંગ માટે આયોજન થનાર જી-૨૦ બેઠકને ફ્રાંસ અને ચાઈના દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. સુત્રોનાં જણાવ્યા અનુસાર આ બેઠક થવા પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે, જે રીતે કોરોના વાયરસનો કહેર સાર્વત્રિક વ્યાપી ઉઠયો છે તેનાથી વૈશ્ર્વિક અર્થતંત્રને ઘણી ખરી અસર પણ પહોંચવા પામી છે. આવનારા સમયમાં વૈશ્ર્વિક મંદી વચ્ચે વિશ્ર્વ કેવી રીતે સ્થિર રહી શકે તે દિશામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

યુદ્ધના ધોરણે ‘વેન્ટીલેટર’ બનાવવા ઓટોમોબાઇલ ક્ષેત્રને કામે લગાડાશે!!

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી રહેલો કોરોના વાયરસ ભારતમાં પણ પોતાનો ક્રુર કહેર વરસાવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે આ મહામારીને રોકવા અગમચેતીનાં ભાગરૂપે લીધેલા વિવિધ પગલાઓનાં કારણે કોરોના વાયરસને મોટાપ્રમાણમાં ફેલાતો અટકાવી શકાયો છે. તેમ છતા કોઈ આપતકાલીન સ્થિતિ ઉભી થાય તો ક્રિટીકલ કેરની આવી પરિસ્થિતિમાં મેડીકલના કેરની આવી પરિસ્થિતિમાં મેડીકલના સાધનોની તંગી ઉભી ન થાય તે માટે સરકારે આગોતરી વ્યવસ્થા વિચારા રાખી છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે ગત સોમવાર અને મંગળવારે દેશના મુખ્ય ઓટોમોબાઈલ કંપનીઓનાં પ્રતિનિધિઓ સાથે ઉચ્ચકક્ષાની બેઠકો યોજી હતી. જેમાં જરૂર પડયે ઓટોમોબાઈલ કંપનીઓ વેન્ટીલેટર સહિતના મેડીકલ સાધનો બનાવી શકે કે કેમ? તે અંગે વિચારણા કરવામાં આવી હતી. ઓટોમોબાઈલ કંપનીઓએ તેમને યોગ્ય સુવિધા અને ટેકનોલોજી આપવામાં આવે તો વેન્ટીલેટર સહિતના મેડીકલ સાધનો બનાવવી આપવાની તૈયારી દર્શાવી હતી. આ કંપનીઓને બે દિવસમાં ડીટેલ પ્લાન અને સુચના મળ્યે કયારથી ઉત્પાદન કરી શકશે તેની ટાઈમલાઈન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં મારૂતી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર, હુન્ડાઈ, ટાટા અને હોન્ડા કંપનીના પ્રતિનિધિઓ

જયારે સરકાર તરફથી કેબીનેટ સચિવ ઉપરાંત આરોગ્ય વિભાગ, ઈન્ડીયન કાઉન્સીલઓફ મેડીકલ રીસર્ચ તતા ફાર્માસ્યુટીકલ વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોરોનાને ભરી પીવા ચીને ભારત સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો!

પોતાની વિશાળ જનસંખ્યાના કારણે ચીન અમેરિકા બાદ વિશ્ર્વનીબીજી મહાસત્તા બની ગયું છે. આગામી દાયકામાં એશિયામાં ચીનને પડકારી શકે એવો એક માત્ર દેશ ભારત છે. જેથી ખંધુ ચીન ભારત આગામી સમયમાં મહાસતા ન બને તેમાટેના તમામ પ્રયાસો કરી રહ્યું છે. દોઢેક માસ પહેલા ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાયરસે સમગ્ર ચીનમાં હાહાકારમચાવી દીધો હતો. આવી કટોકટીના સમયે ભારત સરકારે ભૂતકાળમાં ચીને કરેલા કડવાશભર્યા વર્તનને ભૂલી જઈને ૨૬મી ફેબ્રુઆરીએ ૧૫ ટન મેડીકલ સાધનો દવાઓ સાથે જહાજ મોકલીને માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરૂ પાડયું હતુ જેનાથી ચીની સરકારને શરમજનક સ્થિતિમાં મૂકાય જવા પામી હતી હવે, કોરોના વાઈરસ ભારતમાં ઝડપભેર ફેલાઈ રહ્યો છે. ત્યારે ચીની સરકારે ભારતે કરેલા ઉપકારનો બદલો ઉપકારથી આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે મીડીયા સાથેની વાતચીતમાં ચીની વિદેશી મંત્રાલયના પ્રવકતા જેન સોંગે જણાવ્યું હતુકે તેમની સરકાર કોરોના વાઈરસ અંગેની તમામ વિગતો ભારત સહિત ૧૯ દેશોને આપશે જેમાં કોરોના વાઈરસના ચિન્હો શું હોય છે? તે પેનેડેમીક કેવી રીતે બને છે.તેની વિવિધ ટેસ્ટીંગ પ્રક્રિયાઓ, તેનાથી કેવી રીતે બચી શકાય છે

વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ચીને કોરોના વાઈરસ સામે કડક ઝુંબેશ ચલાવીને તેની દવા શોધાઈ ન હોવા છતાં ટુંકા સમયમાં અકલ્પનીય રીતે કાબુ મેળવી લીધો છે.

પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાને ધમધમતું રાખવા મોદી સરકારની હિમાયત

કોરોના વાયરસનાં પગલે મોદી સરકાર દ્વારા જે જનતા માટે સંબોધન કરવામાં આવ્યું હતું તેમાં વડાપ્રધાન મોદીએ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાને ધમધમતું રાખવા માટે હિમાયત કરવામાં આવી છે. સાથોસાથ કેન્દ્ર સરકારે ભરોસો દાખવી એ વાત પણ જણાવી છે કે, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા દ્વારા કોઈપણ પ્રકારની અફવાઓ કે ફેક ન્યુઝ આપવામાં ન આવે જેથી લોકો ભયભીત થાય. કેન્દ્ર સરકારનાં ઈન્ફોર્મેશન અને બ્રોડ કાસ્ટીંગ મંત્રાલય દ્વારા તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાને તમામ પ્રકારની સુવિધાઓ આપવા તાકિદ કરી છે અને લોકડાઉન સમયે પ્રિકોશન લેવાની પણ જાણ કરી છે. મંત્રાલય દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે, છાપા છાપવાથી કોઈ પ્રકારનો વાયરસ ઉદભવિત થતો નથી. મંત્રાલયનું માનવું છે કે, મીડિયાનાં કારણે જ સરકાર તેમની વાત લોકો સુધી પહોંચાડી શકે છે જેથી મીડિયાને એ વાતની પણ તાકિદ કરાઈ છે કે એવા કોઈપણ સમાચાર પ્રસારિત કે પ્રકાશિત કરવામાં ન આવે જેનાથી લોકોમાં ભયનો માહોલ પ્રસરે. આધારભુતના સુત્રોનાં જણાવ્યા મુજબ છાપુ એક માત્ર એવું વિશ્ર્વાસપૂર્ણ માધ્યમ છે જેનાથી લોકો સુધી સાચી વાત પહોંચી શકે છે અને લોકો તેના પર વિશ્ર્વાસ પણ મુકે છે. ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ મિનીસ્ટ્રી દ્વારા મીડિયા કર્મીઓનાં વાહનોને કોઈપણ પ્રકારની હાની અને તેઓને પૂર્ણત: સવલત મળી રહે તે માટેના પણ નિર્દેશો

આપવામાં આવ્યા છે. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાની જરૂરીયાત સમગ્ર દેશવાસીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ અને જરૂરીયાતપૂર્ણ છે. પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાનાં ઉપયોગથી સરકારને જે જરૂરીયાત મુજબની ચીજવસ્તુઓ અને ઉપયોગી મેસેજ પહોંચાડવાના હોય તેને પહોંચાડવા માટે એક માત્ર મીડિયા જ સૌથી ઉતમ અને વિશ્ર્વાસુ માધ્યમ છે જેથી મીડિયાને કોઈપણ પ્રકારની તકલીફ કે સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે રાજય તથા કેન્દ્રશાસિત પ્રદેશોનાં સચિવોને જાણ કરવામાં આવી છે. તંત્રનાં જણાવ્યા મુજબ મીડિયા કર્મીઓને પૂર્ણત: સવલત આપવામાં આવે તે માટેની પણ તાકિદ કરવામાં આવી છે અને કોઈપણ સંજોગો વર્ષ જો મીડિયા કર્મીઓને તકલીફનો સામનો કરવાનો થાય તો તંત્રએ લોકલ ઓથોરીટીની મદદથી પ્રશ્ર્નનું નિરાકરણ કરવું ફરજીયાત જણાવ્યું છે.

કોરોનાએ શેરબજારના રૂ. ૫૨ લાખ કરોડ ‘કોરા’ કરી નાખ્યા

કોરોના વાયરસના કારણે વૈશ્ર્વિક અર્થતંત્ર ઉપર માઠી અસર પહોંચી છે. વિશ્ર્વભરના શેરબજારો રેડ ઝોનમાં ટ્રેડ થયા છે. મોટાભાગના શેરબજારોમાં ઐતિહાસિક કડાકા બોલી ગયાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય શેરબજારની હાલત વિશ્ર્વમાં સૌથી વધુ ખરાબ હોવાનું માનવામાં આવે છે. ૨૦૨૦ની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારતીય બજારમાં રૂા.૫૨ લાખ કરોડ જેટલી તોતીંગ રકમ ધોવાઈ ગઈ છે. કોરોના વાયરસના કારણે દેશની જીડીપીના ૪૦ ટકા હિસ્સો શેરબજારમાં રોકાણકારો ગુમાવી ચૂકયા છે. આંકડા મુજબ વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં બીએસઈમાં નોંધાયેલા શેરની કિંમત રૂા.૧૫૫ લાખ કરોડ હતી. જે ૨૦૨૦ની ૨૪ માર્ચ સુધીમાં ઘટીને ૧૦૩ લાખ કરોડે પહોંચી ગઈ છે. રોકાણકારોની સંપતિમાં ૩ મહિનામાં તોતીંગ ગાબડુ પડી ગયું છે. ગત સોમવારે શેરબજારમાં એક જ દિવસમાં ૧૪.૨૨ લાખ કરોડનું ગાબડુ પડી ચૂકયું હતું. આવી જ રીતે ગત મહિને પણ શેરબજારમાં ઉપરા-ઉપરી ૨ થી ૩ ગાબડા પડતા રોકાણકારો મુંઝાયા હતા. વડાપ્રધાન મોદીએ કરેલા લોકડાઉનની જાહેરાત બાદ બજારમાં હજુ મોટુ ગાબડુ પડશે તેવી દહેશત છે.

સોમવારે બજાર ઐતિહાસિક ૩૯૩૫નું ગાબડુ સહન કરી ચૂકયું છે. દેશના ૧૪ અબજોપતિઓની સંપતિમાં ૩ મહિનામાં જ ૪૦ હજાર કરોડનો કડાકો બોલી ગયો છે. જેમાં મુકેશ અંબાણી, લક્ષ્મી મીતલ, ગૌતમ અદાણી, અજીમ પ્રેમજી અને ઉદય કોટક તથા શિવ નાદર સહિતના અબજોપતિઓનો સમાવેશ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.