Abtak Media Google News

યુવા વૈજ્ઞાનિક ગોપાલ જી, સાહસિક જતીન કટારીયાના વ્યાખ્યાન યોજાશે

આત્મીય યુનિવર્સિટી દ્વારા આગામી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તા. ૨૮ને શુક્રવારે વિશિષ્ટ રાષ્ટ્રીય પરિસંવાદ અભિજ્ઞાન-૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું છે. નવિનતમ શોધોથી જાણીતા યુવા વૈજ્ઞાનિક ગોપાલ કુંવર (ગોપાલ જી) અને જાણીતા યુવા સાહસિક જતિન કટારીયા આ પરિસંવાદમાં ચાવીરૂપ વક્તવ્યો આપશે. આ પરિસંવાદમાં નૂતન આવિષ્કાર માટેના વિચારોની પ્રસ્તુતિ મંથન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે નૂતન આવિષ્કાર થયેલ ઉપકરણોનાં ચાલુ (વર્કિંગ) મોડેલ્સની સ્પર્ધા નવોન્મેષ, પોસ્ટર પ્રસ્તુતિ અભિવ્યક્તિ, ક્વિઝ કોમ્પિટિશન પ્રશ્નોત્તરી અને નિબંધ સ્પર્ધા આલેખ યોજાશે.

કેળનાં પાનમાંથી પાવર જનરેશનની પ્રણાલી વિકસાવીને બનાના બોય તરીકે જાણીતા થયેલા અને હાલ માત્ર ૧૯ વર્ષની વયના ગોપાલ કુંવરની ગણના ભારતના સૌથી યુવા વૈજ્ઞાનિક તરીકે થાય છે. બિહારના ભાગલપુર જિલ્લાના વતની ગોપાલ જી તરીકે જાણીતા આ વૈજ્ઞાનિકે રોજબરોજના ઉપયોગમાં આવે અને માનવજાત માટે ખરેખર ક્રાંતિકારી સાબિત થાય તેવા દસ જેટલા આવિષ્કારો કર્યા છે.  જેમાં ઇલેક્ટ્રીકલ સાયન્સમાં બનાના બાયોસેલ અને પેપર બાયોસેલ, પદાર્થ વિજ્ઞાનમાં ગોપોનિયમ એલોય અને જી-સ્ટાર પાવડર, જળ વિજ્ઞાનમાં હાઈડ્રોઇલેક્ટ્રીક પાવરસેલ, સોલર સાયન્સમાં સોલર માઈલ, ન્યુક્લિયર વિજ્ઞાનમાં ગોપા-અલાસ્કા, બાયોટેક વિજ્ઞાનમાં બી.એન.સી. અને બી.એન.એફ. તેમજ કૃત્રિમ પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે છ જેટલાં સંશોધન પત્રો પ્રસિધ્ધ થઈ ચૂક્યાં છે.

ગોપાલ જીને ભારત સરકારે ઇન્સપાયર એવોર્ડ, નેશનલ ઇનોવેશન એવોર્ડ, રાષ્ટ્રીય પ્રતિભા સન્માન અને રાષ્ટ્રીય ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા છે. વિવિધ યુનિવર્સિટીઝ, કોલેજીસ અને સ્કૂલ્સમાં વિજ્ઞાન વિષયક વ્યાખ્યાનો દ્વારા ભારે લોકપ્રિયતા મેળવી છે. આત્મીય યુનિવર્સિટી આયોજિત રાષ્ટ્રીય સ્તરના પરિસંવાદમાં ગોપાલ જી નૂતન આવિષ્કાર તરફ વધુ એક કદમ પર વ્યાખ્યાન આપશે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે યોજાઇ રહેલ આ પરિસંવાદના બીજા વક્તા યુવા સાહસિક જતિન કટારીયાની ગણના સફળ રણનીતિકાર, વિચારક, ટ્રેનર અને લેખક તરીકે થાય છે. રાજકોટમાંથી જ મિકેનિકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કરીને પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. કરનાર કટારીયાએ ઓઇલ અને ગેસ સેકટરમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પ્રોજેકટ એન્જીનિયર તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો.  વિશ્વ બેન્ક, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ, કેલિફોર્નિયા, વર્જિનિયા વગેરે પ્રતિષ્ટિત સંસ્થાનોમાંથી ડિઝાઇન થિંકિંગ, બિઝનેશ ઇનોવેશન, બ્લેંડેડ લર્નિંગ, ક્રીટિકલ થિંકિંગ વગેરેના બાર જેટલા ઓનલાઈન કોર્સિઝ તેમણે કર્યા છે.

કટારીયા અગ્રણી થિંક ટેન્ક તરીકે જાણીતા સ્ટ્રેટેજી ફોર ચેલેન્જ ફ્યુચર ચેપટર્સના વૈશ્વિક ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે.  તેઓએ સ્લોવેનિયામાં સોલ્યુશન જનરેટર તરીકે તેમજ યુરોપીયન યુનિયનનાં મલ્ટીક્ધટ્રી યુથ ઇન એક્શનનાં પ્રોગ્રામ મેનેજર તરીકે સેવાઓ આપી છે. વી ગ્રૂપની કંપનીઝ વી શેપ અપ, વી ટ્રાન્સફોર્મ, વી અવર રૂરલ વર્લ્ડ અને વી લીડનાં સ્થાપક છે. આ કંપનીઝ કોર્પોરેટ સ્ટ્રેટેજી, પ્લાનિંગ, સ્ટાર્ટ અપ, સ્કિલ ડેવલોપમેન્ટ, ટ્રેનિંગ અને વર્કશોપ, ગ્રામવિકાસ સ્ટ્રેટેજી, ઇકોસિસ્ટમ, સામુદાયિક વિકાસ વગેરે ક્ષેત્રે સેવાઓ પૂરી પાડે છે.

આ ઉપરાંત નિષ્ફળતામાંથી સફળતા તરફનો માર્ગ દર્શાવતી વિશિષ્ટ કંપની સ્માર્ટ ફેલ્યોર્સ સ્ટાર્ટ-અપ માટેનું માર્ગદર્શન આપતી કંપની સ્ટાર્ટ-અપ એમઓયુના પણ સ્થાપક છે.  સ્થાનિક સ્તરે યુવા સાહસિકોને ઉપયુક્ત સુવિધાઓ પૂરી પાડતાં ગ્લોકલ કોવર્કિંગ સ્પેસના તેઓ સહસ્થાપક છે.  તેમનું સાહસ કો લીડ ૪૭  દેશોમાં સેવાઓ આપે છે. વિવિધ સેમિનાર્સ, વર્કશોપ્સ, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ વગેરેના વક્તા એવા જતિન કટારીયા હાલ શું વિશ્વ યુવાનને સમજે છે? અને ભ્રષ્ટાચારમાં નવિનતા જેવાં શિર્ષકની નવતર શૈલીનાં પુસ્તકોનું અંગ્રેજીમાં આલેખન કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રેક્સ કર્મવીર ચક્ર એવોર્ડ અને  વર્લ્ડ યુથ સમિટ એવોર્ડથી પણ તેમનું સન્માન થઈ ચૂક્યું છે. આ પરિસંવાદમાં તેઓ સાહસિકતાની વિચારધારાનો વિકાસ વિષય પર વ્યાખ્યાન આપશે. આત્મીય યુનિવર્સિટી દ્વારા આયોજિત આ વિશિષ્ટ પરિસંવાદ અભિજ્ઞાન ૨૦૨૦માં ભાગ લેવા માટે ૨૫ ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિશેષ માહિતી માટે ફોન નંબર ૯૦૯૯૦ ૭૬૧૫૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.

પ્રથમવાર રાજકોટ આવતા યુવા વૈજ્ઞાનિક ગોપાલ જી પાસેથી સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટે તા. ૨૮ ફેબ્રુઆરીએ સવારે ૮.૦૦ થી ૯.૩૦ દરમિયાન વિશેષ વ્યાખ્યાનનું આયોજન આત્મીય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાની ૩૦૦ શાળાઓના દસ-દસ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન શિક્ષકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આત્મીય યુનિવર્સિટીના સંવાહક પૂજ્ય ત્યાગવલ્લભસ્વામી અને પ્રોવોસ્ટ પ્રો. પી. સંથાનકૃષ્ણને આ રાષ્ટ્રીય પરિસંવાદ વિદ્યાર્થીઓ માટે નૂતન દિશાઓનાં દ્વાર ખોલનારો બની રહેશે તેવી શ્રધ્ધા વ્યક્ત કરી છે. આગામી સમયમાં વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી માટે લક્ષ્ય નિર્ધારવા જે બાબતોનું ધ્યાન રાખવું પડશે તે વિશે સચોટ માર્ગદર્શન મળી રહેશે. બંન્ને કાર્યક્રમોનો લાભ લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.