Abtak Media Google News

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે બજેટમાં રૂ.13493 કરોડની માતબર જોગવાઈ

નાયબ મુખ્યમંત્રી-નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે વિધાનસભામાં રજૂ કરેલા વર્ષ 2021-22ના કદાવર બજેટમાં રાજ્યના શહેરોના વિકાસ માટે માતબર રૂા.13493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટ સહિત રાજ્યના સાત શહેરો કે જેની પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી માટે રૂા.700 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધતા વિકાસ સાથે ઝડપી શહેરીકરણની પ્રક્રિયા સાહજીક છે. સ્વચ્છ શહેરોના સર્વેક્ષણમાં સમગ્ર ગુજરાતમાં મેગા સીટીમાં અમદાવાદ પ્રથમ ક્રમે તો અન્ય શહેરોમાં સુરત બીજા, રાજકોટ ચોથા ક્રમે આવ્યું છે તો પાટનગર ગાંધીનગર શહેરને બેસ્ટ સિટી ઈન ઈનોવેશન એન્ડ પ્રેક્ટિસીસનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે બજેટમાં રૂા.13493 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળ માટે રૂા.4563 કરોડ ફાળવાયા છે. 2022 સુધીમાં શહેરી વિસ્તારમાં સૌને આવાસ ઉપલબ્ધ કરાવવા, નવા 55000 આવાસનું નિર્માણ કરવા 900 કરોડ ફાળવાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને દાહોદ કે જેની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે તેના માટે બજેટમાં રૂા.700 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે તો અમૃત યોજના હેઠળ 8 મહાપાલિકાઓ, 23 નગરપાલિકાઓમાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીનો નિકાલ અને પરિવહનની સુવિધા માટે રૂા.650 કરોડ, અમદાવાદ, ગાંધીનગર અને સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લીમીટેડ હેઠળ રૂા.568 કરોડ, સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત હેઠળ રૂા.200 કરોડ, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલા જુથ બનાવી રૂા.100 કરોડ સુધીનું સંપૂર્ણ વ્યાજ રહીત ધીરાણ આપવા રૂા.80 કરોડ, રાજ્યની નગરપાલિકામાં ભુગર્ભ બળ રહીત સંચાલન અને નિભાવણી માટે રૂા.50 કરોડ, ફાયર સેફટી કોક પોર્ટલ ઉભુ કરી ફાયર સેફટી ઓફિસરની તાલીમ અને પ્રમાણપત્ર આપવા રૂા.200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીના સર્વગ્રાહી વિકાસ માટે ઓથોરીટીની રચના કરવામાં આવી છે અને આ માટે રૂા.5 કરોડ ફાળવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.