Abtak Media Google News

ભાજપ શાસનનાં પાંચ વર્ષ: વાદ નહીં વિવાદ નહીં માત્ર સંવાદ અને સુખાકારીનાં સરવાળા-ગુણાકાર: રૂપાણી

 વિકાસની પૂર્વશરત સમરસ વાતાવરણ, શાંતિ અને સદભાવના છે, આપણે સૌ પ્રથમ ધ્યાન એટલે જ સલામતી અને સમરસતા તરફ આપ્યું 

અમે સાર્વત્રિક લાંબા ગાળાનું આયોજન કરીને બધાં માટે સમાન તકો સર્જવા યજ્ઞ આરંભ કર્યો, માત્ર આજને નહીં, દસ-વીસ-ત્રીસ વર્ષ પછીનાં સમયને ધ્યાનમાં રાખી અદભૂત આયોજનો કર્યા

સૌરાષ્ટ્ર-રાજકોટ માટે સોનાંનો સુરજ ઉગ્યો: એઇમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના સહિત અનેક પ્રકલ્પો મળ્યા પૃથ્વીનાં ગોળા ફરતે અઢી વખત બિછાવી શકાય તેટલી પાણીની પાઇપ લાઇન અમે ગુજરાતમાં નાંખી: અમારી નાત, જાત અને વાત એટલે વિકાસ અને ફકત વિકાસ

રાજકોટ, ભાજપ અને વિકાસ હંમેશા એકબીજાના પર્યાય રહ્યા છે: મુખ્યમંત્રી

મારા પ્રિય રાજકોટવાસીઓ,

આપ સૌને નમસ્કાર!

વંદે માતરમ

સૌપ્રથમ તો મારા સ્વાસ્થ્ય માટે ચિંતા કરવા બદલ અને શુભેચ્છાઓ – આશિર્વાદ આપવા બદલ આપ સૌનો આભાર.

આપ સૌ જાણો જ છો કે, આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે, ત્યારે મારા મનની વાત અપીલ થકી આપનાં સુધી પહોંચાડી રહ્યો છું. આપ સૌશ્રી આપના મત્તાધિકારનો ઉપયોગ કરશો તેવો મારો આગ્રહ છે.

છેલ્લાં પાંચેક વર્ષ દરમિયાન આપ સૌએ અનુભવ કર્યો હશે કે, ગુજરાતનાં પ્રત્યેક નાગરિકને હાલની સરકાર પોતિકી લાગી રહી છે. સરકાર અને પ્રજા વચ્ચે કોઈ જ ખાઈ નથી. અમારી સંવેદનશીલ સરકાર પર પ્રજાજનોને ગળા સુધીનો વિશ્ર્વાસ છે. મને આ વાતનું ગૌરવ છે કે, પાંચ વર્ષનાં શાસન દરમિયાન અમારી સરકાર પર એક નાનો એવો ડાઘ પણ નથી લાગ્યો, ભ્રષ્ટાચારનો એક આક્ષેપ પણ નથી થયો. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતનાં ભાંગફોડીયા તત્ત્વોને અમે કાબૂમાં કર્યા છે. તેથી જ એકપણ અરાજક આંદોલન રાજ્યમાં નથી થયું. કોઈ જ વાદ-વિવાદ વગર આપણી સરકાર એકદમ સહજતાથી ચાલી રહી છે. પ્રામાણિકતા, પારદર્શકતા અને ઈમાનદારીથી છલોછલ આ સરકારનાં અભિગમથી દરેક ગુજરાતી સારી પેઠે વાકેફ છે. આ સરકારની અન્ય એક વિશિષ્ટતા એ છે કે, તેમાં અમે શૂન્ય છે. આવા અનેકવિધ હકારાત્મક પાસાંઓના સંયોજનથી આપણી સરકાર ૨૪ઽ૭ લોકસેવામાં કાર્યરત છે. વિકાસની પૂર્વશરત સમરસ વાતાવરણ, શાંતિ અને  સદભાવના છે. આપણે સૌ પ્રથમ ધ્યાન એટલે જ સલામતી અને સમરસતા તરફ આપ્યું. કોંગ્રેસે ભૂતકાળમાં સત્તાની લાલચમાં સામાજીક સૌહાર્દનું વાતાવરણ પૂર્ણત: ડહોળી નાખ્યું હતું. જ્ઞાતિ-જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવીને સત્તા મેળવવા તેમણે સમાજને એવડું મોટું નુકસાન પહોંચાડ્યું કે, તેને કારણે ગુજરાતનો વિકાસ રૂંધાઈ ગયો, રાજ્યની પ્રતિષ્ઠા તેને લીધે ખરડાઈ. ભાજપે આ સ્થિતિમાંથી ગુજરાતને ઉગાર્યું. અમે સાર્વત્રિક લાંબા ગાળાનું આયોજન કરીને બધાં માટે સમાન તકો સર્જવા યજ્ઞ આરંભ કર્યો. માત્ર આજને નહીં, દસ-વીસ-ત્રીસ વર્ષ પછીનાં સમયને ધ્યાનમાં રાખી અદ્ભુત આયોજનો કર્યા. દરિયાનાં ખારા પાણીને મીઠું બનાવતા ડિસેલિનેશન પ્લાન્ટ, કિસાન સૂર્યોદય યોજના, સુજલામ-સુફલામ વગેરે યોજનાઓ દુરંદેશી અને દીર્ઘદ્રષ્ટિનાં ઉદાહરણો છે. આવનારાં દિવસોમાં આ બધી યોજનાઓનું મૂલ્ય એટલું હશે કે, તેની આંકણી પણ નહીં થઈ શકે. કોર્પોરેશન હોય કે રાજ્ય સરકાર, ભાજપે પાંચ વર્ષનાં શાસનમાં વાદ-વિવાદ અને અરાજકતાની બાદબાકી કરી છે અને વિકાસ અને સુખાકારીનાં સરવાળા તથા ગુણાકાર કર્યા છે. પોલિસી ડ્રિવન સ્ટેટ હોવાને લીધે જ આપણે જગતનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવી રહ્યાં છીએ, એટલે જ આપણે પૃથ્વીનાં ગોળા ફરતે અઢી વખત બિછાવી શકાય તેટલી પીવાનાં પાણીની પાઈપલાઈનનું નેટવર્ક ગુજરાતમાં ફેલાવી શક્યા છીએ, ઊર્જા-ખેતીથી લઈ, જળ અને ઉદ્યોગ ક્ષેત્રની મહાકાય યોજનાઓ આપણે સાકાર કરી રહ્યાં છીએ. આપણાં શહેરો આજે વિશ્ર્વકક્ષાનાં બની રહ્યાં છે, ગામડાંઓમાં વધુ સુવિધાઓ આપી રહ્યાં છીએ, સેવાઓનું ડિજિટલાઈઝેશન કરી રહ્યાં છીએ. ગુજરાતમાં દરેક વર્ગને લાગી રહ્યું છે કે, આ સરકાર મારી છે! રાજકોટ અને સૌરાષ્ટ્રનાં લોકોના સ્વપ્નો ઘણાં દાયકાઓ પછી સાકાર થઈ રહ્યાં છે. લોકોને લાગે છે કે, ઘણાં વર્ષો પછી સૌરાષ્ટ્રનો વારો આવ્યો! સૌની યોજના થકી આપણે સૌરાષ્ટ્રનાં ગામે-ગામ જળ પહોંચાડ્યા છે. એક સમયે જે જળાશયોમાં વર્ષનાં છ મહિના બાળકો ક્રિકેટ રમતાં, એ ડેમોમાં આજે ઉનાળે પણ અખૂટ જળભંડાર ભર્યા છે. આખા સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય તેવી એઈમ્સ આવી રહી છે. એઈમ્સનાં આગમનને કારણે વિશ્ર્વકક્ષાની સારવાર સુવિધા સાવ નજીવા દરે મળી શકશે. સૌરાષ્ટ્ર માટે રાજકોટમાં ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ આવી રહ્યું છે. હવે સૌરાષ્ટ્રનાં એન.આર.આઈ.ને કે સૌરાષ્ટ્રથી વિદેશ અવરજવર કરતા લોકોને ઠેઠ અમદાવાદ સુધી લાંબું નહીં થવું પડે. રાજકોટવાસી તરીકે તમે પણ અનુભવ કર્યો જ હશે કે, છેલ્લાં પાંચ વર્ષમાં રાજકોટ કદાચ ત્રીસ વર્ષ આગળ નીકળી ગયું છે. લાલપરી તળાવ બંધાયાનાં સવાસો વર્ષ પછી શહેરને વધુ એક તળાવ- અટલ સરોવર મળ્યું છે, નવું રેસકોર્સ બની રહ્યું છે. આવા અનેક કાર્યો થયા છે – થઈ રહ્યાં છે. આપ સૌએ રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી માટેનો ભાજપનો મેનિફેસ્ટો જોયો જ હશે. આવનારા બે-પાંચ વર્ષોમાં એ ઢંઢેરાની યોજનાઓ સાકાર થશે ત્યારે રાજકોટની શકલ બદલાઈ ગઈ હશે. તેમાં અમે બાળકોથી લઈ યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સામાન્યજન, વેપારીઓ, ખેલાડીઓ સુધીનાં તમામ વર્ગોનો ખ્યાલ રાખ્યો છે. રાજકોટનો મતદાર સમજુ છે. રાજ્ય, કેન્દ્રમાં ભાજપ હોય ત્યારે સ્થાનિક કક્ષાએ પણ ભાજપ હોય તો કેટલો મોટો ફાયદો થાય, એ રાજકોટવાસીઓ જાણે જ છે. રાજકોટે દાયકાઓથી ભાજપની વિકાસલક્ષી રાજનીતિ સ્વીકારી છે. રાજકોટ-ભાજપ અને વિકાસ એ ત્રણેય એકમેકનાં પર્યાય બન્યાં છે. આવતીકાલે આપ ભાજપને જ મત આપી વિકાસની રાજનીતિને સમર્થન આપશો, તેવી શ્રદ્ધા છે.

મારી તબિયતની ચિંતા કરી જલ્દી સ્વસ્થતા પ્રાપ્ત કરું તે માટે આપે સહુએ આપેલ શુભેચ્છાઓ-આશિર્વાદ બદલ ફરી આપ સૌનો આભાર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.