Abtak Media Google News

કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને રાજયકક્ષાના મંત્રી હકુભા જાડેજાને તત્કાલ દિલ્હીનું તેડુ: બંને નેતાઓને ખાસ કામગીરી સોંપાયાની ચર્ચા: હકુભાને વિશ્વાસમાં લઈ ફરી પુનમ માડમને જામનગરમાંથી મેદાનમાં ઉતારવા ભાજપની વ્યુહરચના

સૌરાષ્ટ્રની જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પાટીદાર અનામત આંદોલન સમિતિના ક્ધવીનર હાર્દિક પટેલને મેદાનમાં ઉતારે તે વાત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે ત્યારે હાર્દિકની રાજકિય કારકિર્દી શરૂથાય તે પહેલા જ તેનું બાળમરણ કરી દેવા માટે ભાજપે ખાસ ચક્રવ્યુહ બનાવ્યો છે. તાજેતરમાં કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરી ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બનેલા જવાહરભાઈ ચાવડા અને જામનગરના ધારાસભ્ય તથા રાજય સરકારના નવનિયુકત રાજયકક્ષાના મંત્રી હકુભા જાડેજાને હાર્દિકના ઘડા લાડવા માટે હાઈકમાન્ડે ખાસ હોમ વર્ક સોંપ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ બંને મંત્રીઓ પોતે દિલ્હી ખાતે માત્ર વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાતે ગયા હોવાનું જણાવી રહ્યા છે પરંતુ પડદા પાછળ કંઈક અલગ જ બાબત છે. બંનેને હાર્દિકની રાજકિય કારકિર્દીનું બાળમરણ કરવા માટે ખાસ હોમવર્ક અપાયાની ચર્ચા ચાલી રહી છે.

જામનગર લોકસભા બેઠક પરથી ધારાસભ્ય હકુભા જાડેજા ટિકિટ માંગે તેવી પ્રબળ સંભાવના જણાતી હતી જો તેઓને ટિકિટની ફાળવણી કરવામાં ન આવે તો તેઓ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો પંજો પકડી લેશે તેવી ચર્ચા પણ ચાલી રહી હતી ત્યારે ભાજપે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે તાત્કાલિક હકુભા જાડેજાને રાજયકક્ષાનું મંત્રી પદ આપીને મનાવી લીધા છે. તેઓને વિશ્વાસમાં લઈ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજાને પણ ભાજપમાં સામેલ કર્યા છે. હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે જામનગર બેઠક પરથી ભાજપ વર્તમાન સાંસદ પુનમબેન માડમનું પતુ કાપી તેઓના સ્થાને રિવાબા જાડેજાને ટિકિટ આપી શકે છે. જામનગર બેઠક પરથી સતવારા સમાજ, આહિર સમાજ, પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજના સૌથી વધુ મતો છે. સૌરાષ્ટ્રમાં આહિર સમાજની મોટી વોટ બેન્કને પોતાના તરફી કરવા માટે ભાજપે માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાને કોંગ્રેસમાંથી ખેડવી ભાજપમાં ભેળવી અને કેબિનેટમંત્રી પદ આપ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે. જામનગર બેઠક પર આહિર સમાજને રીઝવવા માટે જવાહર ચાવડાને દિલ્હી દરબારમાંથી ખાસ હોમવર્ક અપાયું છે. બીજી તરફ રીવાબા જાડેજા હજી રાજકારણમાં ખુબ જ નવા છે. ભાજપનો ખેસ ધારણ કર્યાને બે માસ પણ નથી થયા ત્યાં જો તેઓને લોકસભા લડાવવામાં આવે તો જુના કાર્યકરો ભારોભાર નારાજ થાય તેવી શકયતા પણ જણાઈ રહી હોય આવામાં ભાજપ હકુભાને વિશ્વાસમાં લઈને પુનમબેન માડમને ફરી ટિકિટ આપી શકે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને રાજયકક્ષાના મંત્રી હકુભા જાડેજાને તત્કાલ દિલ્હી દરબારમાંથી તેડુ આવતા આ બંને ધુરંધરો દિલ્હીમાં જઈ પરત પણ આવી ચુકયા છે જોકે દિલ્હીમાં શું ચર્ચા થઈ તે વાત જાહેર કરતા નથી. તેઓ એવું જણાવી રહ્યાં છે કે, મંત્રી તરીકે શપથ લીધા બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત માટે દિલ્હી ગયા હતા. જોકે પડદા પાછળ કંઈક અલગ જ રંધાઈ રહ્યાની ચર્ચા ચાલી રહી છે.

સૌરાષ્ટ્રમાં આહિર સમાજના મતોને અંકે કરવા જવાહર ચાવડાને ભાજપે કેબિનેટ મંત્રી બનાવ્યાની વાત જગજાહેર છે. જવાહરભાઈને જામનગર બેઠક માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ હકુભા જાડેજા રીવાબાને ટીકીટ આપવામાં આવે તેવી તરફેણ કરી રહ્યા છે. જો ફરી પુનમબેનને ટીકીટ આપવાની વાત આવે તો ફરજીયાતપણે હકુભાને વિશ્વાસમાં લેવા પડે તેમ છે. જામનગર બેઠક માટે ખાસ વ્યુહરચના ઘડવા અને હાર્દિકને ધોબી પછડાટ આપવા માટે દિલ્હી હાઈકમાન્ડે જવાહર ચાવડા અને હકુભાને ખાસ જવાબદારી સોંપી હોવાનું મનાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.