લ્યો બોલો… શાળાના કારકૂનોને મગફળીનાં તોલમાં જોતરી દેવાયા !!

આમા શિક્ષણ ક્ષેત્રની ઘોર ન ખોદાય તો બીજુ શું થાય?

કોરોનાની મહામારી, રાશન વિતરણ અને ફલડ કંટ્રોલ બાદ હવે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં પણ ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને ફરજ સોંપાતા ભારે રોષ

શાળાના કર્મચારીઓને વિદ્યાર્થીઓના હિતાર્થે મગફળી ખરીદીની ફરજ ન સોંપવા ડો.પ્રિયવદન કોરાટની શિક્ષણમંત્રીને રજુઆત

લોકડાઉન દરમિયાન કોરોનાની મહામારીમાં રાશન વિતરણ અને ફલડ કંટ્રોલ બાદ હવે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં પણ ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવતા કલાર્કમાં ભારે રોષની લાગણી વર્તી છે. આગામી તા.૨૬થી મગફળીની ખરીદી પ્રક્રિયા શ‚ થતી હોય તેમાં ગોંડલ અને જેતપુરમાં ગ્રાન્ટેડ શાળાના બિનશૈક્ષણિક કર્મચારીઓને ટેકાના ભાવે મગફળીના તોલમાં જોતરી દેવાયા છે. શાળાનાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના હિતાર્થે મગફળીની ખરીદીની ફરજ ન સોંપવા શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે શિક્ષણમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન ખુલતા વખતો વખતની સુચના અને કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે પરંતુ તાજેતરમાં ગ્રાન્ટેડ શાળાનાં કર્મચારીઓને સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી ખરીદ કરવાની કાર્યવાહીમાં એપીએમસીમાં ૪૫ દિવસની ફરજ સોંપવામાં આવી છે. સમગ્ર રાજયમાં આવી કામગીરી સોંપવામાં આવી રહી છે. આ કામગીરીથી શિક્ષણ ક્ષેત્રનાં કર્મચારીઓને કોઈ ટેકનિકલ જાણકારી ન હોવાના કારણે અને ભુતકાળમાં થયેલી મગફળી ખરીદી કૌભાંડને કારણે કર્મચારીઓ આ કામગીરી કરવામાં માનસિક તણાવ અનુભવી રહ્યા છે. તેમજ આ કામગીરી આવશ્યક અને આપાતકાલિન નથી છતાં પણ ગ્રાન્ટેડ શાળાનાં કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે.

આવા સંજોગોમાં વિદ્યાર્થીઓનાં શિક્ષણના હિતમાં બિનઆવશ્યક કામગીરી કરવી શકય નથી તેમજ સરકારની સુચના મુજબ વિદ્યાર્થીઓને ઘરે બેઠા હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણ આપવાની કામગીરીના સુચારુ વ્યવસ્થાપન માટે ગ્રાન્ટેડ શાળાનાં કર્મચારીઓને આવી મગફળી ખરીદી લેવી બિનઆવશ્યક અને આપાતકાલીન ન હોય તેવી શિક્ષણ સિવાયની અન્ય કામગીરીમાંથી મુકિત આપવા ડો.પ્રિયવદન કોરાટે માંગ કરી છે. આવી કામગીરીને લઇ શિક્ષણ વિભાગને ઘોર ખોદાઇ રહી છે ત્યારે વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે. આગામી ૨૬મીથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયામાં ગ્રાન્ટેડ શાળાના કારકુનોને જવાબદારી સોંપાતા ભારે ઉહાપોહ મચવા પામ્યો છે.

શાળાના કર્મચારીઓને શિક્ષણ અને આવશ્યક સિવાયની કામગીરી સોંપવી અયોગ્ય: ડીઈઓ

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ડી.એસ.કૈલાએ આ મામલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના અંદાજે ૨૧૫ જેટલા બિનશૈક્ષણિક  કર્મચારીઓ ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવી રહ્યા છે. તાજેતરમાં જ લોકડાઉનમાં અન્ય કામગીરી તેઓએ કરેલ છે. આ ઉપરાંત ચુંટણી ઉપર પણ તેઓ

ફરજ બજાવતા હોય છે ત્યારે એક વાત સામે આવી છે કે ગોંડલ અને જેતપુરના ગ્રાન્ટેડ શાળાના કારકૂનોને ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી સોંપવામાં આવી છે જોકે કારકૂનોના વિષયથી આ અલગ વસ્તુ છે જેથી આ કામગીરી સોંપવી યોગ્ય નથી.

મગફળી ખરીદી જેવી બિનઆવશ્યક કામગીરીમાંથી કર્મચારીઓને મુક્ત કરો: ડો.પ્રિયવદન કોરાટ

આ મામલે શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે, ગ્રાન્ટેડ શાળાઓમાં પહેલેથી જ બિનશૈક્ષણિક કર્મચારીઓની ઘટ છે અને વર્ષોથી શાળાઓમાં કલાર્ક અને પટ્ટાવાળાઓની ભરતી કરવામાં આવી નથી. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓનાં શિક્ષણના હિતમાં આવી મગફળી ખરીદી જેવી બિનઆવશ્યક અને આપાતકાલીન ન હોય તેવી શિક્ષણ સિવાયની અન્ય કામગીરીમાંથી કારકૂનોને મુકત કરવા મારી માંગ છે.