લોકોની લાગણીને રસ્તે રઝળાવતી જગ્યા રોકાણ શાખા: વીડિયો વાયરલ

જગ્યા રોકાણશાખા ધ્રુતરાષ્ટ્રની ભૂમિકામાં: નજરે દેખાતા વીડિયોમાં પણ અંધકાર છવાયો

અવાર-નવાર જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ અને પાથરણાવાળા તેમજ રેકડીધારકો વચ્ચે રકઝકના સમાચારો સામે આવતા હોય છે. હજુ થોડા દિવસ પહેલા જ રેકડીધારકે અધિકારીને છરી પણ મારી દીધાનો બનાવ હજુ તાજો જ છે ત્યારે ફરી એકવખત જગ્યા રોકાણ શાખાના એક અધિકારીનો વિડિયો વાયરલ થયો છે. જયુબેલી ચોકમાં આવેલ નાગરીક બેંક પાસે બેઠેલા પાથરણાવાળાએ રાખેલા શાકભાજીને રીતસર પાટા મારી રોડ પર ફેંકી દેતા લાઈવ દ્રશ્યોનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વિડીયોના દ્રશ્યો જોઈ તમારું હૃદય પણ દ્રવી ઉઠશે તેવો રોફ જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ જમાવી રહ્યા છે. મેયર બીનાબેન આચાર્યએ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે તેમજ સમગ્ર શહેરમાં રોડ પર બેઠેલા પાથરણાવાળાને સુરક્ષિત જગ્યાએ ખસેડવા વિચારણા પણ ચાલી રહી છે.

જે રીતે જગ્યા રોકાણ શાખાનો આ અધિકારી એક ગરીબ માણસોની રોજીરોટી પર પાટુ મારીને રૌફ જમાવી રહ્યો છે તે ઘટના પર સમગ્ર શહેરીજનો ફિટકાર વરસાવી રહ્યા છે.

અબતક મીડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં મહાનગરપાલિકાની જગ્યા રોકાણ શાખાના આસીસ્ટન્ટ મેનેજર ડી.એમ.ડોડીયાએ ઉડાવ જવાબ આપતા જણાવ્યું હતું કે, અમારો એકપણ કર્મી ક્યારેય પણ લોકો સાથે ગેરવર્તણુક કરતો નથી. પાથરણા વાળા કોઇ વ્યક્તિ ગેરકાયદેસર જગ્યા રોકી રસ્તા પર બેઠા હોય તો તેને હટાવવાની કામગીરી અમારી હોય છે. શાકભાજીને પાટા મારી રોડ પર ઉડાડવાની અમારા અધિકારીએ કામગીરી કરી જ નથી. છતાંપણ આવી કોઇ ઘટના બની હશે તો તેને રૂબરૂ બોલાવી ઠપકો આપીશું.

નાના પાથરણાવાળાને શા માટે ટાર્ગેટ બનાવાય છે: કોંગ્રેસ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા

કોંગ્રેસ કોર્પોરેટર મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે ગરીબ માણસોને હેરાન પરેશાન ન કરવા જોઇએ. અધિકારીઓ ગરીબ માણસોની રેંકડી, વજનકાંટા લઇ જતા હોય છે તેને ત્રણ ત્રણ મહિના સુધી નથી આપતાં આ યોગ્ય નથી. સાંગણવા ચોક, ગુંદાવાડી ચોકમાં જે લોકો ઉભા રહે તેમને વિજીલન્સ કે પછી જગ્યા રોકાણના અધિકારીઓ શા માટે કાર્યવાહી નથી કરતાં, નાના પથરાણા વાળાને જ શા માટે ટાગેટ બનાવે છે આ વિડીયો જોતા તે અધિકારી કે કર્મીનું વર્તન અયોગ્ય નહતું.

જ્યુબિલિ પાસે પાથરણાવાળાને યોગ્ય સ્થળે  ખસેડવા વિચારણા: મેયર બીનાબેન આચાર્ય

સમગ્ર ઘટના વાયરલ વિડીયો વિશે મેયર બીનાબેન આચાર્યએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટના બાબતે મેં તપાસના આદેશ આવ્યાં છે શાંતિથી સમજાવીને વાતચીત કરીને દબાણ દૂર કરવું જોઇએ અને આ તમામ પાથરણા વાળાને યોગ્ય સ્થળે ખસેડવા માટે પણ અમે વિચારણા કરીએ છીએ.

Loading...