Abtak Media Google News

ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે આત્મા અમર છે. શરીર મરે છે આત્મા મરણ નથી. આત્માને કોઇ અગ્નિ બાળી શકતી નથી. તે શાશ્ર્વત છે. એનો અર્થ આપણા શાસ્ત્રો અને હિંદુ ધર્મ એવો કહે છે કે શરીર મરે છે પણ આત્મા એક શરીરને છોડીને બીજુ શરીર ધારણ કરે છે, આ જન્મમાં આત્માએ કરેલા કર્મોને આધારે એને નવુ શરીર કેવુ મળશે તે નક્કી હોય છે. માટે જ ધર્મોમાં શુધ્ધ કર્મો કરવાનું કહેવાય છે.

કર્મ શરીર કરે છે. શરીર માત્ર માધ્યમ છે. આત્મા કર્મોથી અલિપ્ત હોય છે. આત્મા માત્ર સાક્ષી ભાવે શરીરે કરેલા કર્મોને જુવે છે. એ કર્મોનાં પરિણામ પછીએ સારા હોય કે ખરાબ એ શરીર ભોગવે છે. આત્માને ભોગ વિલાસ કે સદ્કર્મો, કૂકર્મો સ્પર્શતા નથી.

પણ આત્મા વગરનાં શરીરની કોઇ હિંમત વિશ્ર્વમાં કોઇ સ્વિકારતુ નથી. પ્રાચીન ઇજીપ્તમાં પ્રાણ નીકળી ગયેલા શરીરને સાચવવાની પ્રથા અને પધ્ધતિ પિરામીડોમાં સચવાયેલી છે. એ પણ એવી માન્યતાનો ભાગ જ છે કે આ શરીરને છોડીને ગયેલો આત્મા ફરી ક્યારેક ફરતો-ફરતો આ શરીરને પામવા ચોક્કસ પાછો આવશે.

પુર્નજન્મમાં માનનારો બહુ વિશાળ વર્ગ આ વિશ્ર્વમાં મોજુદ છે. માધ્યમોમાં ઘણી વાર આ અંગેના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે પુર્નજન્મમાં માનનારો અને એમાં નમાનનારા બે વર્ગો બે વિરુધ્ધનાં છેડે ઉભેલા જોવા મળે છે. આ અંગે વિશ્ર્વભરમાં સંશોધનો ચાલી રહ્યા છે. જે અંગે પણ મત મતાંતરો પ્રવર્તે છે. આ અંગે લખાયેલા પુસ્તકોનું અધ્યયન કરવા બેસીયે તો કદાચ પુર્નજન્મ લેવોા પડે એટલું લખાયુ છે તેને પુરેપુરુ વાંચવા માટે.

હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ભગવાનો, અપ્સરાઓ અને દેવો, દાનવોનાં પૂર્વ જન્મનાં કરેલા કર્મોનાં સારા-ખરાબ ફળ ભોગવવા પુન:જન્મ લીધા હોવાનાં દ્રષ્ટાતો પ્રકરણે પ્રકરણે જોવા મળે છે.

સારુ અને સાત્વિક જીવન જીવી ગયેલા વ્યક્તિનાં થયેલા કષ્ટદાસ મૃત્યુ પ્રસંગે લોકો કહેતા હોય છે કે પૂર્વ જન્મનાં કર્મ હશે કે એમને આવુ મોત મળ્યુ, બાકી આ જન્મમાં તો માણસ સર્વગુણ સંપ હતો. આ વિષયમાં શ્રધ્ધા અને અંધ શ્રધ્ધાની ભેદ રેખા ખૂબ જ પાતળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.