Abtak Media Google News

દેશમાં દોઢ લાખ વેલનેસ સેન્ટરનું નિર્માણ થશે, ૧૦ કરોડ પરિવારોને રૂ. ૫ લાખનું આરોગ્ય કવચ – પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી

કેન્દ્રના હૈયે ખેડૂતોનું હિત, વર્ષમાં કિશાનો ઉત્પાદિત મધની નિકાસ બમણી

પ્રધાનમંત્રી સિંચાઇ યોજનામાં ૧ લાખ કરોડના ખર્ચે ૯૯ યોજનાઓ પૂર્ણ કરાશે

ગુજરાતની સૂર્યશક્તિ યોજનાની પ્રશંસા કરતા વડાપ્રધાનશ્રી મોદી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમાજના આરોગ્યની ચિંતા રાજ્ય સરકાર કરે છે, વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધાર્યો છે

પઢાઇ, કમાઇ અને દવાઇની સેવા લોકો માટે વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જુનાગઢમાં રૂ.૫૦૦ કરોડના પ્રજા કલ્યાણ અને સર્વાંગી વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ સ્વસ્થ ભારત નિર્માણની દિશામાં સિમાચિહ્નરૂપ એવી ‘આયુષ્માન ભારત’ યોજના પંડીત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું અપગ્રેડેશન કરીને ૧.૫૦ લાખ વેલનેસ સેન્ટર (આરોગ્ય ધામ) બનાવવામાં આવશે તેમ જણાવી હવે દેશમાં ગરિબાઇને લીધે કોઇ સારવાર વગરનું નહીં રહે તેમ જણાવ્યું હતું.

7C6A8868

​‘આયુષ્માન ભારત’ યોજનાથી દેશનું ચિત્ર બદલાઇ જવાનું છે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, ગરીબ વર્ગના અને મધ્યમ વર્ગના ૧૦ કરોડ પરિવારો જેમાં ૫૦ કરોડ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે થયેલ રૂ. ૫ લાખ સુધીનો ખર્ચ ભારત સરકાર ભોગવશે. દેશના મેડીકલ સેક્ટરમાં આ યોજનાથી નવું રોકાણ આવશે. તબીબો અને પેરામેડીકલ સ્ટાફ તેમજ મેડીકલ ઇન્સ્ટૃમેન્ટની જરૂરીયાત ઉભી થશે. સમગ્ર યુરોપ કે અમેરીકા, મેક્સિકોની જેટલી વસ્તી છે તેટલી વસ્તીને આ યોજનામાં આવરી લેવાની હોવાથી આ સેક્ટરમાં ખાનગી ક્ષેત્રનું પણ રોકાણ આવશે. આ યોજનાના કેન્દ્રમાં દેશનો ગરીબ માણસ છે અને આર્થિક બોજ વગર સ્વસ્થ જીવન જીવવા મળે તે દિશામાં અત્યાર સુધીનું આ મોટું કાર્ય છે. પ્રત્યેક ત્રણ લોકસભાની બેઠક દીઠ એક મેડિકલ કોલેજ અને એક સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવશે, બાદમાં ક્રમશઃ પ્રત્યેક જિલ્લામાં આ સુવિધા ઉભી કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.

​વડાપ્રધાનશ્રીએ ‘સ્વચ્છ ભારત’ અભિયાનનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ યોજનાથી ૩ લાખ બાળકોને બીમારીથી થતા મૃત્યુમાંથી ઉગારી શકશે તેવો રીપોર્ટ આપ્યો છે. ઘણા લોકો શૌચાલય નિર્માણ જેવી બાબતોને ક્ષુલ્લક ગણતા. હકીકતમાં સ્વચ્છતાએ પાયાનું કામ છે તેમ પણ ઉમેર્યું હતું.

​દેશના ખેડૂતોમાં પથ્થર પર પાટુ મારીને સોનુ ઉગાડવાની તાકાત છે તેમ જણાવીને અગાઉની સિંચાઇ અંગેની નિષ્ક્રીય થયેલી યોજનાઓને સંકલીત કરીને પ્રધાનમંત્રી સિંચાઇ યોજનામાં રૂ. ૧ લાખ કરોડ ફાળવીને ખેતરે-ખેતરે સિંચાઇનું પાણી મળે તે દિશામાં વિરાટ કાર્ય આગળ ધપી રહ્યું છે તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

​વડાપ્રધાનશ્રીએ ગુજરાત સરકારની સૌર ઉર્જા આધારીત વીજળી ઉત્પાદન કરવાની યોજનાની પ્રશંસા કરી વધારાની વીજળી સરકાર ખરીદી કરશે.  તેથી પર્યાવરણને ફાયદો અને ખેડુતની આવક વધશે તેમ કહ્યું હતું.

7C6A8859 1 1

​વડાપ્રધાને પ્રધાનમંત્રી જન ઔષધી યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગને દવાના ખર્ચમાં ૭૦ થી ૮૦ ટકા ઘટાડો થયો છે, તેમ કહી આ દિશામાં અગાઉની સરકારે કશું વિચાર્યું જ ન હતું તેવી ટકોર કરી હતી.

​દેશના ખેડુતની આવક બમણી કરવાના નિર્ધાર સાથે કેન્દ્ર સરકાર પરિણામ લક્ષી કામો કરી રહી છે તેમ જણાવી મધમાખી ઉછેરની નીતિને પ્રોત્સાહિત કરતા ખેડુતો દ્વારા ઉત્પાદિત કરાવેલ મધની નિકાસ એક જ વર્ષમાં બમણી થઇ ગઇ છે તેમ જણાવી ઉત્પાદન ખર્ચ ઘટાડવા ખેડુત સૂર્ય શક્તિથી વીજળી ઉત્પન્ન કરી રહ્યો છે તેમ જણાવ્યું હતું.

​જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના યોગદાનનો ઉલ્લેખ કરી ફીશરીઝ કોલેજથી રોજગારીની સાથે સત્સ્ય ઉત્પાદનમાં નવી ટેકનોલજીનો અને જ્ઞાનનો સમન્વય થશે તેમ જણાવ્યું હતું.

​વડાપ્રધાનશ્રીએ એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકારે ખેડુતોના કૃષિ પાકના કુલ ઉત્પાદન ખર્ચનો દોઢ ગણો ભાવ (એમ.એસ.પી.) નક્કી કર્યો છે. હવે ખેડુતોને નુકશાની સહન નહીં કરવી પડે તેમ પણ કહ્યું હતું.

​મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, હોર્પીટલના નિર્માણથી આરોગ્યની વિશેષ સારવાર જુનાગઢના આંગણે મળશે. ગુજરાતને વિવિધ આરોગ્ય સેવાઓ આપવામાં નરેન્દ્રભાઇએ સવિશેષ દરકાર લીધી હતી. હવે રાજ્ય સરકારે આ સેવાને બહેતર બનાવી છે.

​તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદીના વખતે ગુજરાતમાં ૬ મેડીકલ કોલેજ સામે આજે ૯ મેડીકલ કોલેજ બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી અમૃત્તમ યોજનાનો વ્યાપ વધારી વધારે લોકોને ેતેમાં આવરી લેવામાં આવ્યા છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી ‘આયુષ્માન ભારત’ યોજના લાવી સમગ્ર દેશને આરોગ્યની ખેવતા કરી રહ્યા છે. સરકારે તેને પોતાના ખંભે ઉપાડી લીધી છે.

​શ્રી રૂપાણીએ કહ્યું કે, નવી મેડીકલ કોલેજ બનતા તબીબી શિક્ષણ માટે છાત્રોને બહાર નહીં જવું પડે રાજ્ય સરકાર પઢાઇ(શિક્ષણ), કમાઇ(રોજગાર) અને દવાઇ(આરોગ્ય) ની સેવા આપવા કટીબદ્ધ છે.

7C6A8901

ગરવા ગિરનારની ભૂમિમાં પધારેલા વડાપ્રધાનશ્રી મોદીનું જૂનાગઢ શહેર તથા જિલ્લા ભાજપ, અગ્રણી સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ વગેરેએ ફૂલોના વિશાળ હાર તથા સ્મૃતિચિન્હ એનાયત કરી સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ જુનાગઢ પોલીસ તાલીમ વિદ્યાલય ખાતેથી જે વિકાસ કામોના ડિજિટલ તકતી અનાવરણ કરી શુભારંભ કરાવ્યા. તેમાં ૩૭ એકરમાં ફેલાયેલી છેલ્લામાં છેલ્લી આરોગ્યલક્ષી સારવાર પુરી પાડતી જુનાગઢની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ, નરસિંહ મહેતા સરોવરનું  રૂ. ૬૦ કરોડના ખર્ચે થનાર બ્યુટી ફિકેશનનું કામ, રૂ. ૩.૬૮ કરોડના ખર્ચે થનાર શામળદાસ ગાંધી ટાઉનહોલનું કામ, વેરાવળ ખાતે રૂ. ૧૪૬૦ લાખના ખર્ચે બનેલી નવી ફિશરીઝ કોલેજના બિલ્ડીંગનું લોકાર્પણ તથા રૂ. ૬૦ કરોડના ખર્ચે સોરઠ જુનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના કામોનો સમાવેશ થાય છે.

રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે રાજયના નાગરિકોના આરોગ્યની જાળવણી અને સંવર્ધનની રાજયસરકારની નીતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી મોદીના હસ્તે આરંભાયેલી જૂનાગઢની નવી સિવિલ હોસ્પિટલ રાજયભરમાં નવસંસ્કરણ પામેલી વિવિધ સિવિલ હોસ્પિટલની શ્રેણીનું નમૂનેદાર દ્રષ્ટાંત છે. આ તકે શ્રી પટેલે રાજયભરમાં મેડિકલ કોલેજ સાથે સંકડાયેલી વિવિધ સિવિલ હોસ્પિટલની સિલસિલાબંધ વિગતો ટાંકી હતી તથા આજના પ્રસંગે પધારેલ વડાપ્રધાનશ્રી મોદી તથા મહાનુભાવોને આવકાર્યા હતા.

7C6A8911

આ પ્રસંગે કેન્દ્રસરકારના મંત્રીઓ સર્વશ્રી પરષોત્તમભાઇ રૂપાલા તથા મનસુખભાઇ માંડવીયા, રાજય સરકારના મંત્રીઓ સર્વશ્રી આર.સી.ફળદુ, જયેશભાઇ રાદડીયા, સૌરભભાઇ પટેલ તથા કુંવરજીભાઇ બાવળીયા, સાંસદીય સચિવશ્રી વાસણભાઇ આહિર, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી, સાંસદ સર્વશ્રી પૂનમબેન માડમ, મોહનભાઇ કુંડારીયા તથા રાજેશભાઇ ચુડાસમા, નારણભાઇ કાછડિયા, મેયરશ્રી આદ્યશક્તિબહેન મજમુદાર, શ્રી રાજુભાઇ ધૃવ,  જિલ્લા કલેક્ટરશ્રી સૌરભ પારઘી, પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંહ, મેડીકલ કોલેજના છાત્રો, અધ્યાપકો, ડૉક્ટર્સ, જુનાગઢના નાગરિકો, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.