Abtak Media Google News

વધુ પૈસા મેળવવાની લાલચે વેપારી આધાર-પુરાવા વગર મુંબઈથી સોનાનાં ૧૦૦ સિકકા જામનગર લઈ આવ્યો હોવાનું ખુલ્યું

જામનગરના એરપોર્ટ ઉપરથી રૂ.૩૩ લાખની કિંમતના ૧૦૦ નંગ સોનાના સિકકા સાથે રાજકોટના એક વેપારીને ઈન્કમટેક્ષ વિભાગની ટીમે ઝડપી પાડયો હતો. જેના આધાર પુરાવા રજુ નહીં કરી શકતા આખરે આઈ.ટી.વિભાગને સોનાનો જથ્થો સીઝ કરી લીધો છે. વધુ પૈસાદાર થવાની લાલચે સોનું લઈને મુંબઈથી જામનગર તરફ આવ્યો હોવાનું જાહેર થયું છે.

આ દરોડાની કાર્યવાહી અંગેની વિગત એવી છે કે, જામનગરના એરપોર્ટ ઉપર ઉતરેલા રાજકોટના વેપારી પાસે બીલ અને આધાર વગરનું સોનું છે જે રાજકોટમાં ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે તેવી ચોકકસ બાતમી મુંબઈ ઈન્કમટેક્ષ વિભાગની ટીમને મળતા તેમણે જામનગર આઈ.ટી.વિભાગની કચેરીને જાણ કરી હતી. જેથી એક સપ્તાહ પહેલા જામનગર તથા એરપોર્ટ ઉપર ઉતરેલા રાજકોટના વેપારી મિહિર ધામેચાને જામનગર આઈટી વિભાગના ઉચ્ચ અધિકારીની ટીમે એરપોર્ટ ઉપરથી જ ઉઠાવી લીધો હતો અને તેની સુટકેશ કબજે કરી લીધી હતી.

જેની તપાસણી દરમ્યાન સુટકેશમાંથી રૂ.૩૩ લાખની કિંમતના ૧૦૦ નંગ સોનાના સિકકા મળી આવ્યા હતા. જે સોનાના સિકકાના બીલ આધાર વગેરે માંગતા અથવા અન્ય પુરાવાઓ માંગતા બીલ અને આધાર વગરનો રૂ.૩૩ લાખની કિંમતનો સોનાનો જથ્થો સીઝ કરી લીધો છે. રાજકોટનો વેપારી યુવાન વધુ પૈસાદાર થવા માંગતો હોવાથી ગેરકાયદે રીતે સોનાનો જથ્થો મુંબઈથી લઈને રાજકોટમાં ઘુસાડવાની પેરવી કરી રહ્યો હોવાનું માલુમ પડયું હતું. આઈ.ટી.વિભાગ દ્વારા આ મામલામાં વધુ તપાસ ચલાવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.