Abtak Media Google News

ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મૂલાકાતના શૂભ અવસરે કોંગ્રેસીઓ મરશીયા ગાય રહ્યા છે

જેમનાં દિમાગમાં નકરી નકારાત્મકતા ભરી હોય, તેવા લોકો માત્ર પોતાને જ નહીં, આસપાસનાં લોકોને અને સમાજને પણ દુ:ખી કરતા હોય છે. ગુજરાતમાં પણ આવા કોંગ્રેસીઓ, ડાબેરીઓ અને વિકાસવિરોધી તત્વો દરેક દિશામાં જોવા મળે છે. અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત માટે અને વિશ્વનાં સૌથી મોટા એવા મોટેરા સ્ટેડિયમ માટે જ્યારે ગુજરાતનાં સરેરાશ માનવીની છાતી સો ગજ ફૂલી રહી છે ત્યારે કોંગ્રેસી અને ડાબેરી રૂદાલીઓ કર્કશ સ્વરે મરશિયાં ગાતી ગાતી ચોધાર રડી રહી છે. શુભ પ્રસંગે મરશિયાં ગાવા બેસી જાય એવી ડોશીયુંને તમે શું કહેશો? હદ તો એ છે કે, કેટલાક ઝૂંપડાં ઢાંકવા માટે સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલી દીવાલનો પણ આ કૂથલીખોર કર્કશાઓએ વિરોધ કર્યો છે!

ખરેખર જેઓ તટસ્થ છે, તેઓ કહેતા જ હોય છે કે, આવા લોકો મોદી-ભાજપનો વિરોધ કરતા કરતા હવે દેશ વિરોધી બની ગયા છે, ગુજરાતવિરોધી બની ગયા છે. વિશ્વનાં સૌથી સમૃદ્ધ, સૌથી મજબૂત લોકશાહી રાષ્ટ્રનાં વડા વોશિંગ્ટનથી સીધા અમદાવાદ – ગુજરાતનાં આંગણે આવે એ ઘડી ગુજરાતીઓ માટે ધન્ય જ ગણાય. સોનાંમાં સુગંધ ભળે તેમ એ અવસર જગતનાં સૌથી મોટા સ્પોર્ટ્સ સ્ટેડિયમનો હોય ત્યારે એ અવસર પછી ઉત્સવમાં પલટાઈ જાય અને ઉત્સાહ ચારગણો થઈ જાય.

ચીનના અને જાપાનનાં વડા પછી હવે સુપર સુપરપાવર ગણાતાં અમેરિકાના રાષ્ટ્રપતિ અમદાવાદ આવે છે, તે દરેક ગુજરાતી માટે અને દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ ઘટના છે. પણ, કૂથલીખોર લોકોને આમાં પણ દીવાલને મુદ્દો બનાવવા જેવું લાગે છે, એ જ એમનાં દેશવિરોધનો પુરાવો છે. સીધીસાદી વાત છે: કોઈ મહેમાન ઘેર આવે ત્યારે આપણે એમને ડ્રોઈંગરૂમમાં બેસાડીએ, ઘરનો બગીચો કે રસોડું જોવા લઈ જઈએ. પરંતુ જાજરૂ જોવા કે સેપ્ટિક ટેન્ક દેખાડવા ન લઈ જઈએ! મહેમાન આવવાનાં હોય અને સોફા ફાટેલો હોય તો આપણે સોફા પર સરસ ચાદર બિછાવી દઈએ. આ જ કોમન સેન્સ. ઝૂંપડપટ્ટી ન્યૂયોર્કમાં પણ છે, બીજા દેશનાં વડા જ્યારે અમેરિકા જાય ત્યારે ટ્રમ્પ તેમને એ સ્લમનાં દર્શનાર્થે નથી લઈ જતાં. ઝૂંપડપટ્ટી એ ગર્વ લેવા જેવી બાબત નથી, દેશને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકાર પૂરપાટ ગતિથી કામ કરી રહી છે. પણ, ઝૂંપડપટ્ટી જેમની દેન છે, એવા કોંગ્રેસીઓ અને ડાબેરીઓને એટલી જ વિનંતી કે, આ દિવાળી આવી છે, ઉજવણીનો અવસર છે, શ્રાદ્ધપક્ષ નથી, એ તમે ભાદરવામાં કરજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.