નવરાત્રીમાં પૂજા-આરતી માટે સોસાયટીઓને મંજૂરીની જરૂર નથી

જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળો પર પૂજા-આરતી કરવા માટે મંજુરી લેવી જરૂરી

નવરાત્રીની આડે ગણતરીની કલાકો બાકી છે. સરકાર દ્વારા ભાવિકોની તરફેણમાં વધુ એક નિર્ણય લીધો છે. નવરાત્રીના એક દિવસ અગાઉ રાજય સરકારે નવરાત્રીની ગાઈડલાઈનમાં યુ-ટર્ન લીધો છે. ગુજરાત સરકારે પ્રસાદ બાદ હવે સોસાયટી કે ફલેટમાં નવરાત્રીના આયોજનની છુટ આપી છે. હવે જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળે પૂજા કે આરતી કરવી હોય તો પોલીસની પરમિશનની જરૂર નહીં રહે. શેરી-ગલીઓના નવરાત્રી આયોજકો મંજુરી વગર માતાજીનું પુજન અને આરતીનો કાર્યક્રમ યોજી શકશે.

નવરાત્રીની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકાર છેલ્લા બે દિવસથી નિર્ણયો બદલતી જોવા મળી રહી છે. પહેલા પ્રસાદ મામલે નિર્ણય બદલાવાયો હવે પોલીસ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું છે જેમાં સોસાયટીઓ કે ફલેટના રહીશોએ જગદંબાની આરાધના માટે કોઈપણ પ્રકારની પોલીસ પરમિશન લેવી જરૂરી ન હોવાનું અખબાર યાદીમાં જણાવાયું છે.  કાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે કોરોના મહામારીને પગલે રાજય સરકાર દ્વારા ગરબા કરવાની મંજુરી અપાય નથી. માત્ર એક કલાક માટે પૂજા અને આરતી કરી શકાશે. હવે સરકારે પોલીસની પરવાનગી લેવી ફરજીયાત કરવાના નિર્ણયને પાછો ખેંચ્યો છે. એક કલાકના કાર્યક્રમમાં સોસાયટી અને ફલેટના લોકો પુજા-આરતી માટે એકત્ર થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આરતીના સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ માટે ૬ ફુટના અંતરનું માર્કિંગ ફરજીયાત રહેશે. માસ્ક અને કોરોનાની અન્ય ગાઈડલાઈનનું પણ સોસાયટી કે ફલેટના રહીશોએ પાલન કરવું પડશે. ઉપરાંત પ્રસાદ વિતરણ પણ પેકિંગમાં જ કરવાનું રહેશે.

જાહેર સ્થળોએ મંજુરી લેવી અનિવાર્ય

રાજય સરકારના નિવેદનમાં જણાવાયું છે કે માત્ર સોસાયટી કે ફલેટમાં પોલીસ મંજુરીની જરૂર નથી પરંતુ શહેરના જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળો પર જો નવરાત્રી ઉજવણી માટે પુજા-આરતી કરવી હોય તો તેના માટે પોલીસની મંજુરી લેવી જરૂરી રહેશે.

Loading...