Abtak Media Google News

પેડક રોડ પર લવજીભાઈ લાઠીયાએ સેલરમાં ખડકેલુ બાંધકામ, સંતકબીર રોડ પર કમલેશ દોમડીયા અને મહેશ દોમડીયાએ ગેરકાયદે બનાવેલી ૭ દુકાન, કાળુભાઈ અને મેહુલભાઈ દેસાઈની ૩ દુકાન, બ્રિજેશભાઈ મેરની એક દુકાન, વોર્ડ નં.૫માં ૧૫ ઝુંપડા અને વોર્ડ નં.૪માં ભગવતીપરામાં મંદિરનું દબાણ હટાવાયું: લોકોના ટોળા ઉમટયા

રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ ટીપીઓ એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં. ૪,૫,૬માં જગ્યાએ હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં ૧૧ દુકાન, ૧ મંદિર અને ૧૫ ઝુંપડા સહિત ૨૭ ગેરકાયદે ખડકાયેલા બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ડિમોલીશન ચુસ્ત પોલીસ અને વીજીલન્સ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવ્યું હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

આ અંગે વધુ માહિતી આપતા ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નં.૫માં પેડક રોડ પર પ્રમુખ દર્શન કોમ્પલેક્ષ પાસે લવજીભાઈ ખોડાભાઈ લાઠીયાએ સેલરમાં ખડકી દીધેલું બાંધકામ હટાવી દેવામાં આવ્યું હતું. વોર્ડ નં.૬માં સંતકબીર રોડ પાસે કમલેશભાઈ દોમડીયા અને મહેશભાઈ દોમડીયા નામના આસામીઓએ ગેરકાયદે ૭ દુકાનોનું અને કાળુભાઈ તથા મેહુલભાઈ નામના આસામીએ ગેરકાયદે ત્રણ દુકાનોનું બાંધકામ ખડકી દીધું હતું. જયારે બ્રીજેશભાઈ રમેશભાઈ મેર નામના આસામીએ ગેરકાયદે ખડકેલી એક દુકાનના બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. વોર્ડ નં.૬માં સંતકબીર રોડ પર કુલ ૧૧ દુકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં અગાઉ પણ એક પણ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું છતાં ગેરકાયદે દુકાનોનું બાંધકામ ખડકાઈ ગયું હતું.

ત્યારબાદ ટીપી શાખાનો કાફલો વોર્ડ નં.૫માં ત્રાટકયો હતો અહીં ટીપી સ્કીમ નં.૮ (રાજકોટ)ના અનામત હેતુના પ્લોટ અંતિમ ખંડ નંબર ૧૮૫માં રૂ.૨.૬૧ લાખની ૪૭૫ ચો.મી. જમીનમાં બનાવવામાં આવેલા ૧૫ ઝુંપડાઓનું દબાણ હટાવી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. વોર્ડ નં.૪માં ભગવતીપરા પાસે ટીપી સ્કીમ નં.૩૧ (ડ્રાફટ)ના અંતિમ ખંડ નં.૩૧/બી રેસીડન્સ સેલ હેતુના અનામત પ્લોટ પર એક મંદિરનું ગેરકાયદે બાંધકામ થયેલું હતું. જે આજે તોડી પાડવામાં આવ્યું હતું અને રૂ.૧૪.૧૭ લાખની કિંમતની ૩૭.૮૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આજે ડિમોલીશન દરમિયાન સેલરમાં ખડકાયેલું બાંધકામ, ૧૧ દુકાનો, ૧૫ ઝુંપડા અને ૧ મંદિર જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. ડિમોલીશન વેળાએ ચુસ્ત વિજિલન્સ પોલીસ અને એસઆરપી બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

ડિમોલીશન કામગીરીમાં એટીપી વી.સી.મુંધવા, જી.ડી.જોશી, આર.ડી.પ્રજાપતિ, પી.ડી.અઢીયા, કે.કે.મહેતા, એસ.એસ.ગુપ્તા, ડી.પી.વાઘેલા, આર.એન.મકવાણા અને એ.જે.પરસાણા સહિતનો ટીપી શાખાનો સ્ટાફ જોડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.