પ્રથમ વખત એક જ દિવસમાં કોરોનાના નોંધાયા આટલા કેસ !!

કોરોનાના કહેર વચ્ચે ૩૧% રિક્વરી લોકડાઉન મુક્તિમાં મહત્વનો ભાગ ભજવશે!

છેલ્લા અઠવાડીયાથી દેશભરમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા ભારે વધારાથી સરકાર ચિંતામાં : ૧૭મી મેએ પૂર્ણ થતા લોકડાઉન-૩માં મુક્તિ કેવી રીતે આપવી તેની મથામણ 

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને ભારતમાં ફેલાવતું અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનાપગલે વિકસિત દેશોની સરખામણીમાં દેશમાં કોરોનાના કેસોની સંખ્યાને ઓછી કરી શકાય હતી પરંતુ તાજેતરમાં અમલી બનાવાયેલા લોકડાઉન-૩માં દેશના ૨૫ ટકા સ્થાનાંતરીતોને તેમના વતન પરત ફરવાની છૂટછાટ આપવામાં આવી હતી જેના કારણે છેલ્લા એક અઠવાડીયાથી દેશમાં કોરોનાના કેસોમાં ભારે ચિંતાજનક રીતે વધારો થવા પામ્યો છે. ગઈકાલે દેશમાં સૌ પ્રથમ વખત ચાર હજાર કેસો નોંધાતા તંત્ર ચિંતામાં મુકાય જવા પામ્યું છે. જયારે, બીજી તરફ કોરોનાની કહેર વચ્ચે દર્દીઓમાં જોવા મળતી ૩૧ ટકાની રીકવરી લોકડાઉનમાં મુકિત આપવામાં મહત્વનો ભાગ ભજવશે તેમ મનાય રહ્યું છે.

દેશમાં છેલ્લા પાંચ દિવસથી સતત નોંધાઈ રહેલા કોરોનાના કેસો ત્રણ હજાર કેસોમાં ગઈકાલે ઉછાળો જોવા મળ્યો હતો. ગઈકાલે દેશમાં કોરોનાના નવ ૪,૩૦૮ કેસો નોંધાયા છે. કોરોનાના દેશમાં સંક્રમણ બાદ સૌ પ્રથમ વખત એક જ દિવસમાં ૪૦૦૦ કરતા વધારે કેસો આવતા તંત્ર બેબાકળુ બની જવા પામ્યું છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં ૧,૯૪૩ નવા કેસો નોંધાયા હતા જેમાં સૌથી વધારે મુંબઈ શહેરમાં ૮૭૫ કેસો સામે આવ્યા હતા. જે બાદ બીજા ક્રમે તમિલનાડુમાં ૬૬૯ નવા કેસો નોંધાવા પામ્યા છે. ૩૯૮ નવા કેસો સાથે ગુજરાત ત્રીજા નંબરે જયારે ૩૮૧ નવા કેસો સાથે દિલ્હી દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં ચોથા નંબરે રહેવા પામ્યા હતા. મહારાષ્ટ્રમાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાગ્રસ્ત ૫૩ દર્દીઓના મૃત્યુ જયારે દેશભરમાં ૧૧૩ દર્દીઓ મૃત્યુ થતા દેશમાં કોરોના વાયરસ ૨,૨૦૧ દર્દીઓને ભરખી ગયો છે.

દેશમાં વધતા કોરોનાના કહેર વચ્ચે દર્દીઓની સાજા થવાની ટકાવારી એટલે કે રીકવરી રેટમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ગઈકાલ સુધી દેશમાં નોંધાયેલા ૬૭,૧૮૬ કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી ૨૦,૮૪૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થઈને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા છે. જેથી દેશમાં કોરોના સામેનો રીકવરી રેટ ૩૧% જેવો ઉંચો નોંધાયો છે. જે કોરોનાગ્રસ્ત બીજા દેશો કરતા ભારે ઉંચો છે. જેથી આગામી દિવસોમાં લોકડાઉનમાંથી મૂકિત અપાવવામાં ૩૧ ટકાનો રીકવરી રેટ મહત્વનો ભાગ ભજવશે તેમ મનાય રહ્યું છે. દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં મહારાષ્ટ્ર ૩૩,૧૭૧ દર્દીઓ સાથે પ્રથમ નંબરે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૮૩૨ દર્દીઓનાં મૃત્યુ થવા પામ્યા છે જેમાંથી મુંબઈ શહેરમાં ૧૩,૭૩૯ કેસો અને ૫૦૮ દર્દીઓના મૃત્યુ થવા પામ્યા છે. દિલ્હીમાં કોરોનાના ૩૮૧ નવા કેસો સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૬,૯૨૩એ પહોચી જવા પામી છે. જયારે દિલ્હીમાં ગઈકાલે પાંચ દર્દીનાં મૃત્યુ થવા પામ્યા છે.

  • ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાનો એકપણ કેસ નહીં!!!

દેશભરમાં કોરોનાનો કહેર બેકાબુ બની રહ્યો છે ત્યારે ગઈકાલે દેશના ૧૦ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક પણ નવો કેસ ન નોંધાતા સરકારને નવી આશા જાગી છે. દિલ્હીના મંડોલીમાં આવેલા કોરોના કેર સેન્ટરે ઉપલબ્ધ સારવાર સુવિધાના નિરીક્ષણ માટે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતુ કે ગઈકાલે દેશના ૧૦ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં કોરોનો નવો કેસ નોંધાયો નથી જયારે દેશના ચાર રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જે કોરોનાના કહેર વચ્ચે સારી બાબત છે. દેશભરમાં આવેલા ૪,૩૫૨ કોવિદ કેર સેન્ટરોમાં

કોરોના જેવા થોડા કે થોડા વધારે લક્ષણો ધરાવતા ૩,૪૬,૮૫૬ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. દેશમાં હાલ ૬૨,૯૩૯ પોઝીટીવ કેસો છે. જેમાં ૧૯,૩૫૮ દર્દીઓ સારવાર દરમ્યાન સાજા થતા રજા આપવામાં આવી છે. જયારે ૨,૧૦૯ દર્દીઓ કોરોના સામેનો જંગ હારીને મૃત્યુ પામ્યા છે.

  • સ્થળાંતરિતોની વતન તરફથી હિજરતથી અનેક રાજ્યોમાં કોરોનાના કેસો વધ્યા

દેશના વિવિધ ભાગોમાં નોકરી, ધંધા વ્યવસાયકે અભ્યાસ માટે વસતા ૨૫ ટકા સ્થાનાંતરીતો લોકડાઉનના પ્રારંભથી જ પોતાના વતન તરફ જવા ઉતાવળ કરી રહ્યા હતા જેથી તાજેતરમાં અમલી બનાવાયેલા લોકડાઉન ૩માં આવા સ્થાનાંતરીતોને તેમના વતન જવા છૂટછાટ આપવામાં આવી હતી. હાલમાં દેશભરમાંથી આવા સ્થાનાંતરીતોએ પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે. જેથી આવા સ્થાનાંતરીતો જે રાજયોમાંથી પરત ગયા છે. ત્યાં કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગઈકાલે પશ્ર્ચિમ બંગાળ, ઓરિસ્સા અનેબિહાર જેવા અલ્પવિકસિત રાજયોમાં કોરોનાના ૩૨૧ નવા કેસો

નોંધાયા હતા. આ મોટાભાગના કેસો દેશના બીજા ભાગોમાં હિજરત કરીને પોતાના વતનમાં ગયેલા સ્થાનાંતરીતોના કારણે નોંધાયાનું બહાર આવવા પામ્યું છે. સ્થાનાંતરીતોના કારણે ગઈકાલે પશ્ર્ચિમ બંગાળમાં ૧૫૩, બિહારમાં ૮૫, ઓરિસ્સામાં કોરોનાના ૮૩ નવા કેસો નોંધાયા છે. સ્થાનાંતરીતોનાં કારણે કોરોનાના વધતા કેસોથી આ સમસ્યાને કેવી રીતે કાબુમાં લેવી તે સરકાર માટે માથાના દુ:ખાવા રૂ પ સાબીત થઈ રહી છે.

Loading...