સ્વામીનારાયાણ ચોકમાં અમુલ પાર્લરમાં તસ્કરોએ ખાતર પાડયું

માલવીયાનગર પોલીસે ફરિયાદ નોંધવા ધક્કા ખવડાવ્યા: તસ્કરો રૂા.૧૦ હજાર રોકડા, એટીએમ, પાસબુક અને ચેકબુક ઉપાડી ગયા

શહેરમાં ચોરીની ઘટના રોજીંદી બની ગઇ છે. પરંતુ તસ્કરો ઝડપાયા બાદ ચોરીનો ગુનો નોંધવાનો પોલીસ દ્વારા ચાલતા સીલસીલામાં વધુ એકનો ઉમેરો થયો છે. સ્વામીનારાયણ ચોકમાં આવેલા અમુલ પાર્લરમાં તસ્કરોએ બાકોરૂ પાડી રોકડ અને બેન્ક ડોક્યુમેન્ટનો હાથફેરો કરી ગયા હોવા છતાં માલવીયાનગર પોલીસે મિલકત વિરોધી ગુનાનું બર્કીંગ કરી પાર્લર માલીકને ફરિયાદ માટે ધક્કા ખવડાવ્યા બાદ સામાન્ય નોંધ કરી સમજાવી પોલીસ મથકેથી વળાવી દીધાનું સામે આવ્યું છે.

આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ સ્વામીનારાયણ ચોકમાં રહેતા અને ઘર નજીક જ ઉમિયાજી જનરલ સ્ટોર નામનો સોપ ધરાવતા મિતલ પ્રવિણભાઇ સરોડીયાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દુકાનની પાછળની દિવાલમાં બાકોરૂ પાડી ટેબલના ખાનામાંથી રૂા.૧૦ હજાર રોકડા, પાસબુક, ચેકબુક, એટીએમ તેમજ બેન્કના ડોકયુમેન્ટ ચોરી ગયા છે.

મિતલભાઇ સરોડીયાએ પોતાના એટીએમ કાર્ડમાં પોતાનો પાસવર્ડ લખ્યો હોવાથી તસ્કરોએ રણછોડનગરના એટીએમની મદદથી વધારે રૂા.૧૫ હજાર ઉપાડી લીધા હતા. મિતલભાઇ સરોડીયા આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવા ગયા ત્યારે પોલીસે ફરિયાદ નોંધવાના બદલે ધંધે લગાડયા હતા. પોલીસ દ્વારા કંઇ રીતે તસ્કરોએ ચોરી કરી તે અંગેની વિગત જાણવાની તસ્દી જ લીધી ન હતી અને મિતલભાઇ સરોડીયાને સવારથી બપોર સુધી જુદા જુદા પોલીસ સ્ટાફ પાસે મોકલવામાં આવતા તેઓ હેરાન પરેસાન થઇ ગયા હતા અને અંતે ફરિયાદ નોંધાવ્યા વિના નિરાસ થઇ પરત પોતાના ઘરે આવ્યા હતા.

Loading...