સ્માર્ટ સિટી રાજકોટની 360 ડિગ્રીએ “અબતક”ની પ્રથમ ડ્રોન તસ્વીર: વાંચો, સૌરાષ્ટ્રના પાટનગરનો ઈતિહાસ

અંગ્રેજોની કોઠીથી રાજકોટના વિકાસનો પથ કંડારવાનું શરૂ થયું અને આઝાદી આવતા રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર બન્યું ત્યારથી રાજકોટના વિકાસની ગાથા શરૂ થઈ ગઈ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર વિલીન થયું ત્યારથી લઈ આજે પણ સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ ગણાય છે.

પાટાની અંદરનો વિસ્તાર જૂનું રાજકોટ અને પાટા પછીનો વિસ્તાર નવો રાજકોટ છે. અને હવે નવા રાજકોટમાં પણ સ્માર્ટસિટીનો ઉમેરો વિશ્વ નકશામાં રાજકોટને અલગ રીતે કંડારે છે. સૌપ્રથમ વખત આજે ‘અબતક’ ડ્રોન તસ્વીરમાં રાજકોટના વિકાસની ૩૬૦ ડિગ્રીની તસવીર વાંચકો માટે રજૂ થઈ છે. જેમાં રાજકોટના વિકાસને બે ભાગમાં આબેહુમ જોઈ શકાય છે.

રાજકોટને ગૌરવ અપાવતો વિજયપથ માત્ર રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્ર આખાને વિજય વિકાસની ગૌરવ ગાથા સમાન છે રાજકોટ સ્માર્ટ સીટી તરીકે વિકસિત થયું છે રાજકોટને રાજ્ય સરકારે એઇમ્સ, બસ પોર્ટ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, નવું આંતરાષ્ટ્રીય એરપોર્ટ સહિતની અનેક ભેટ આપી સંવેદનશીલતા દાખવી છે.

ત્યારે સ્માર્ટસિટી રાજકોટના વોર્ડનં ૧થી૯ની સ્માર્ટ પ્રજા કેવા સ્માર્ટ નગરસેવકો ઝંખે છે તેનો તલસ્પર્શી ચિત્તાર આપવાનો ‘અબતક’ દ્વારા પ્રયાસ થયો છે.

ગુજરાતના વેપાર ઉદ્યોગમાં પણ રાજકોટનું મોખરાનું સ્થાન રહ્યું છે.રાજકોટના ઉદ્યોગોની વાત કરીએ તો, રાજકોટનો જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ચાંદીની સૌથી વધુ નિકાસ અહીંથી થાય છે.

તો રાજકોટની સિલ્ક એમ્બ્રોઈડરીનો કારોબાર, ઘડિયાના પાર્ટસના ઉદ્યોગોનો ડંકો વાગે છે. રાજકોટ હવે ધીરે ધીરે ઓટોમોબાઈલ તથા સોફ્ટવેર ક્ષેત્રે હબ બની રહ્યું છે.

અંગ્રેજોએ રાજકોટમાં જ્યારથી કોઠી નાખી ત્યારથી રાજકોટના વિકાસનો પાયો નંખાયો હતો. આજે પણ સૌરાષ્ટ્રભરના નાના- મોટા સેન્ટરોમાંથી મેડિકલ, કારકિર્દી કે વ્યવસાયલક્ષી મુદાઓ ઉપર ૨ કરોડથી વધુ લોકોનું ભારણ રાજકોટ ઉપર છે. રાજકોટનો વિકાસ સૌરાષ્ટ્રને સીધી રીતે અસર કરતો હોય એટલે જ સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને ધ્યાને રાખી રાજકોટને સરકાર દ્વારા એઇમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, અનેકવિધ ફ્લાય ઓવર સહિતના પ્રોજેકટ મળ્યા છે. આમ સૌરાષ્ટ્રનો ખરા અર્થમાં વિકાસ કરવા ગુજરાતના નાથે રાજકોટ ઉપર ચાર હાથ મુક્યાં છે.  સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ વિકાસની બાબતમાં ઝડપભેર આગળ વધી રહયું છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના નાના-મોટા રજવાડાઓને ભેગા કરી ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ એક સંઘનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. જેને પ્રારંભીક તબક્કે યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવ્યું. જો કે ત્યારબાદ તેને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર નામ અપાયું. સૌરાષ્ટ્રને ભારતીય સંઘમાં ૧૫ એપ્રીલ ૧૯૪૮ના દિવસે ભેળવી દેવાયું. તેને બી પ્રકારનું રાજ્ય બનાવવામાં આવ્યું. જ્યારે સૌરાષ્ટ્રની રાજધાની તરીકે રાજકોટને જાહેર કરવામાં આવી.

તે સમયે જેમ રાજકોટ સૌરાષ્ટ્ર માટે ધબકાર હતું, આજે પણ રાજકોટ સૌરાષ્ટ્રનું ધબકાર બની રહ્યું છે. રાજકોટની વસ્તી ભલે લાખોમાં હોય પરંતુ સૌરાષ્ટ્રના કરોડો લોકો સીધી અથવા તો અડકતરી રીતે રાજકોટ સાથે જોડાયેલા છે.

કરોડો લોકોની રોજીરોટી રાજકોટના માધ્યમથી ચાલી રહી છે. રાજકોટના વિકાસ માટે વર્તમાન સમયની મુખ્યમંત્રી રૂપાણીની આગેવાની ધરાવતા રાજ્ય સરકારે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. રાજકોટના પ્રાણ સમાન પાણી પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની સાથે જ અનેક વિકાસલક્ષી કાર્યોના પાયા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે નાખ્યા છે. વર્તમાન સમયે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આગામી ૨૧મી ફેબ્રુઆરીએ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે. દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણીમાં વિકાસનો પ્રશ્ર્ન કેન્દ્ર સ્થાને છે. તેની સાથે સાથે નગરસેવકોની ‘સ્માર્ટનેશ’ની પરીક્ષા પણ આ વખતેની ચૂંટણીમાં થવા જઈ રહી છે. રાજકોટ અત્યારે સ્માર્ટ સિટીની હોડમાં છે ત્યારે પ્રજા પણ સ્માર્ટ સિટી જેવા જ સ્માર્ટ પ્રજા સેવકો એટલે કે નગરસેવકો ઝંખી રહી છે. ‘અબતક’ દ્વારા અહીં રજૂ થયેલી ૩૬૦ ડિગ્રીની તસ્વીરમાં રાજકોટના પરિપક્વ વિકાસને વણી લેવામાં આવ્યો છે. સાથો સાથ આજના અંકમાં પેજ નં.૮ અને ૯ ઉપર ‘અબતક’ની ટીમ દ્વારા સ્માર્ટ સિટી માટે સ્માર્ટ પ્રજા કંઈ પ્રકારના સ્માર્ટ નગરસેવકો ઈચ્છી રહી છે તેને પણ વણી લેવામાં આવ્યું છે.

Loading...