Abtak Media Google News

સતત ત્રણ દિવસ એક કલાક સુધી કમિશનર સામે સૂત્રોચ્ચાર કરાશે: મંગળવારથી અચોક્કસ મુદતની હડતાલ

અનેકવાર રજૂઆત કરવા છતાં છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્ર્નો અને માંગણીઓનો કોઈ નિકાલ કરવામાં ન આવતા રાજકોટ મહાનગરપાલિકાના તમામ છ કર્મચારી યુનિયનોએ આજે બપોરે એક કલાક સુધી તમામ પ્રકારની કામગીરીથી અળગા રહી મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની સામે વ્યાપક સૂત્રોચ્ચાર અને રામધૂન બોલાવી હતી. જો પડતર પ્રશ્ર્નોનો ત્રણ દિવસમાં નિકાલ કરવામાં નહીં આવે તો આગામી મંગળવારથી અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી જવાની ચિમકી આપી છે.

મહાપાલિકાના કર્મચારીઓની અલગ અલગ પડતર માંગણી અને પ્રશ્ર્નો અંગે કર્મચારી યુનિયનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ સુધી માંગણી ન સંતોષાતા અને પડતર પ્રશ્ર્નોનો સંતોષકારક ઉકેલ ન આવતા આજે સવારે કર્મચારી મહાપરિષદ સફાઈ કર્મચારી મહામંડળ, કર્મચારી મહાસંઘ, એન્જીનીયરીંગ એસો.સહિતના કોર્પોરેશનના તમામ છ કર્મચારી યુનિયનો દ્વારા બપોરે ૧ કલાક સુધી મ્યુનિ.કમિશનરની ચેમ્બર બહાર રામધૂન બોલાવવામાં આવી હતી અને વ્યાપક સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતાં. કર્મચારીઓએ મ્યુનિ.કમિશનરને મળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કમિશનર મીટીંગમાં હોવાના કારણે તેઓને મળવા દેવામાં આવ્યા ન હતા અને પોલીસ દ્વારા બળપ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. જેનાથી રોષે ભરાયેલા કર્મચારીઓએ તમામ ઓફિસો બંધ કરી દીધી હતી અને વિજળીક હડતાલ પાડી દીધી હતી. સતત એક કલાક સુધી કમિશનરની ચેમ્બરની બહાર સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. આવતીકાલ શુક્રવાર અને પરમ દિવસે શનિવારે એમ બે દિવસ બપોરે ૧૨:૩૦ થી ૧:૩૦ કલાક સુધી સૂત્રોચ્ચાર પોકારવામાં આવશે ત્યારબાદ જો પડતર માંગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે તો મંગળવારથી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી જવાની ચિમકી તમામ કર્મચારી યુનિયન દ્વારા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.