Abtak Media Google News

Table of Contents

ઉમરપાડામાં સીઝનનો અધધધ… ૧૪૦ ઈંચ વરસાદ ખાબકયો

રાત્રે સુપડાધારે ૧૪ ઈંચ સાથે ૨૪ કલાકમાં ૧૬ ઈંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ: ડેડીયાપાડા, સાગબારામાં ૬ ઈંચ, બારડોલીમાં ૫॥ ઈંચ, માંડવી, ડાંગ, ધરમપુર અને ગઢડામાં ૫ ઈંચ વરસાદ: રાજયનાં ૮૦ તાલુકાઓમાં સવારથી અનરાધાર વરસાદ: ગુજરાતમાં ૨૦૧૭નો રેકોર્ડ તુટયો: મોસમનો ૧૧૩.૫૫ ટકા વરસાદ

સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક અડધાથી લઈ પાંચ ઈંચ સુધી વરસાદ, આજે પણ વરસાદની આગાહી

ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ જાણે ગુજરાતમાં પડાઉ કર્યો હોય તેમ છેલ્લા એક પખવાડિયાથી સતત અને અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતનાં સુરત જિલ્લાનાં ઉમરપાડામાં ગતરાત્રે આકાશી સુનામી ત્રાટકી હોય તેમ ૮ કલાકમાં ૧૪ ઈંચ વરસાદ સાથે ૨૪ કલાકમાં ૧૬ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. નિચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ સર્જાય જવા પામી હતી. આજે સવારથી રાજયનાં ૮૦ તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજયમાં ચાલુ વર્ષે વરસાદે ૨૦૧૭નો રેકોર્ડ તોડયો છે. આજ સુધીમાં મોસમનો કુલ ૧૧૩.૫૫ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

ગઈકાલ સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં મેઘરાજાએ મુકામ કર્યો છે. સુરતનાં ઉમરપાડામાં ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ મધરાતે આકાશી સુનામી ત્રાટકી હોય તેમ રાતનાં ૧૦ થી લઈ સવારનાં ૬ વાગ્યા સુધીમાં ઉમરપાડામાં સુપડાધારે ૧૪ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. ૨૪ કલાકમાં ૧૬ ઈંચ વરસાદથી આખું ઉમરપાડા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. ઉમરપાડામાં આજ સુધીમાં ૧૪૦ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭માં ૧૧૨ ટકા વરસાદ પડયો હતો જે રેકોર્ડ આજે તુટી ગયો છે અને રાજયમાં આજ સુધીમાં ૧૧૩.૫૫ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. હજી નવરાત્રી સુધી ચોમાસું સક્રિય રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી હોય ૨૦૧૩નો રેકોર્ડ પણ બ્રેક થાય તેવી શકયતા હાલ જણાઈ રહી છે. ગુજરાતમાં ચોમાસું પુરબહારમાં સક્રિય થયું હોય તેમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં તમામ ૩૩ જિલ્લામાં વરસાદ પડયો છે. ૨૧૬ તાલુકાઓમાં મેઘમહેર થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉમરપાડા ઉપરાંત ડેડીયાપાડામાં ૬ ઈંચ, સાગબારામાં ૬ ઈંચ, બારડોલીમાં ૫॥ ઈંચ, માંડવીમાં ૫ ઈંચ, ડાંગમાં ૫ ઈંચ, ધરમપુરમાં ૫ ઈંચ, ગઢડામાં ૫ ઈંચ, સોનગઢમાં ૪ ઈંચ, ખેરગામમાં ૪ ઈંચ, વઘઈમાં ૪ ઈંચ, નેત્રાંગમાં ૪ ઈંચ, વલસાડમાં ૪ ઈંચ, પલાસણામાં ૪ ઈંચ, સુબીરમાં ૪ ઈંચ, કરજણમાં ૩॥ ઈંચ, સનખેડામાં ૩॥ ઇંચ, વાલોદમાં ૩ ઈંચ વરસાદ પડયો છે. ૨૧૬ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ ૧૬ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. રાજયમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં પડયો છે.

સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે મેઘરાજાએ જમાવટ કરી હતી. સુરેન્દ્રનગરનાં મુડીમાં અઢી ઈંચ, થાનગઢ અને વઢવાણમાં ૧ ઈંચ વરસાદ પડયો હતો. રાજકોટ જિલ્લાનાં પડધરી, વિંછીયામાં અઢી ઈંચ, રાજકોટ શહેરમાં દોઢ ઈંચ, ધોરાજી, જામકંડોરણામાં ૧ ઇંચ, લોધીકામાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. મોરબી શહેરમાં અઢી ઈંચ, જિલ્લાનાં વાંકાનેરમાં એક ઈંચ, ટંકારા અને માળીયામિંયાણામાં અડધો ઈંચ, જામનગરનાં જોડિયામાં ૧ ઈંચ, જામનગર શહેર અને લાલપુરમાં અડધો ઈંચ, દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ખંભાળીયા અને કલ્યાણપુરમાં ૧ ઈંચ, દ્વારકા અને ભાણવડમાં અડધો ઈંચ, પોરબંદરમાં સવા ઈંચ, જિલ્લાનાં કુતિયાણા અને રાણાવાવમાં ૧ ઈંચ, જુનાગઢ જિલ્લાનાં મેંદરડામાં અઢી ઈંચ, વિસાવદરમાં ૨ ઈંચ, ભેંસાણમાં ૨ ઈંચ, જુનાગઢમાં દોઢ ઈંચ, વંથલી, કેશોદ અને માણાવદરમાં અડધો ઈંચ, ગીર-સોમનાથ જિલ્લાનાં કોડીનારમાં દોઢ ઈંચ, સુત્રાપાડામાં ૧ ઈંચ, અમરેલી જિલ્લાનાં લાઠીમાં ૩ ઈંચ, વડીયામાં પોણા બે ઈંચ, અમરેલી, બાબરા, જાફરાબાદ અને લીલીયામાં અડધો ઈંચ, ભાવનગરમાં ૩ ઈંચ, જિલ્લાનાં વલ્લભીપુરમાં ૨ ઈંચ, ગારીયાધાર, ઘોઘા, સિંહોરમાં અડધો ઈંચ, બોટાદનાં ગઢડામાં ૫ ઈંચ, બોટાદમાં અઢી ઈંચ વરસાદ વરસયો હતો.

કચ્છનાં ભચાઉમાં ૧ ઈંચ, અબડાસા અને અંજારમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજ સુધીમાં કચ્છ રીજીયનમાં ૧૪૨.૧૮ ટકા, ઉતર ગુજરાતમાં ૯૦.૨૨ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૦૪.૨૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૧૨.૫૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૩.૨૨ ટકા સાથે સમગ્ર ગુજરાતમાં આજ સુધીમાં ૧૧૩.૫૫ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. આગામી બે દિવસ હજી ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતનાં ૮૦ તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો હોવાનાં અહેવાલો મળી રહ્યા છે.

અમરેલી અને ભાવનગરમાં આજે અતિભારે વરસાદની અને સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

કાલથી વરસાદનું જોર ઘટશે: સુત્રાપાડામાં સવારે ૪ કલાકમાં ૪ ઈંચ, વેરાવળમાં એક ઈંચ

ગુજરાતથી કર્ણાટકનાં દરિયાકાંઠા સુધી ઓકસોટ્રફ અને ગંગાનગરથી બંગાળ સુધી મોનસુન ટ્રફ ઉપરાંત ઈસ્ટ-વેસ્ટ સીઅર ઝોન સક્રિય હોવાનાં કારણે હજી બે દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરત, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે જયારે અરવલ્લી, આણંદ, વડોદરા, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભ‚ચ, સુરત, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી અને દિવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલથી રાજયભરમાં વરસાદનું જોર ઘટશે. કાલે સૌરાષ્ટ્રનાં એકમાત્ર ભાવનગર જિલ્લામાં વરસાદની શકયતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. બે દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે સવારે ૬ થી ૮ સુધીનાં બે કલાકનાં સમયગાળામાં રાજયનાં ૮૦ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. ગીર સોમનાથનાં સુત્રાપાડામાં ૨ કલાકમાં ૨ ઈંચ અને વેરાવળમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. ભાવનગર જિલ્લામાં પણ સવારથી મેઘાવી માહોલ વચ્ચે હળવા ઝાપટા વરસ્યા હતા.

રાજકોટમાં મેઘરાજાએ ૭૦ વર્ષનો રેકોર્ડ તોડયો: ૫૬ ઈંચ વરસાદ

૭૦ વર્ષમાં ૨૦૧૦માં સૌથી વધુ ૫૫॥ ઈંચ વરસાદ પડયો હતો

સૌરાષ્ટ્રમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વરસાદ રાજકોટમાં પડયો હોવાનું નોંધાયું છે. ગઈકાલે બપોર બાદ સાંબેલાધારે પડેલા ૨ ઈંચ વરસાદથી શહેરમાં ૭૦ વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. વર્ષ ૨૦૧૦માં સૌથી વધુ ૫૫॥ ઈંચ વરસાદનો રેકોર્ડ કોર્પોરેશનનાં ફાયર બ્રિગેડનાં ચોપડે નોંધાયો હતો જે ગઈકાલે સતાવાર રીતે તુટી ગયો છે અને શહેરમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ૫૬ ઈચ જેટલો વરસાદ પડી ગયો છે. વર્ષ ૨૦૧૦માં શહેરમાં ૧૩૮૭.૫૦ મીમી વરસાદ પડયો હતો જે છેલ્લા ૭૦ વર્ષમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ હતો. ગઈકાલે શહેરમાં વધુ ૪૬ મીમી વરસાદ વરસતા ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ૧૩૯૨ મીમી વરસાદ પડી ગયો હોવાનું સતાવાર રીતે નોંધાતાની સાથે જ ૭૦ વર્ષમાં સૌથી વધુ વરસાદનો નવો જ રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. શહેરનાં નાનામવા સર્કલ વિસ્તારમાં સેન્સર પર મોસમનો કુલ ૧૪૨૨.૯૧ મીમી એટલે કે ૫૭ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું નોંધાયું છે. ગઈકાલે શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૪૧ મીમી (મોસમનો કુલ ૧૩૧૯ મીમી),

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.