Abtak Media Google News

તમામ ભાવિકોનું હેલ્થ એકઅપ કરાયા બાદ તરઘડીના ઉમાકુમાર છાત્રાલય ખાતે કવોરોન્ટાઇન કરાયા

દેપાળીયાનાં રામધામ આશ્રમ દ્વારા અયોઘ્યા ખાતે રામનામ જપનો કાર્યક્રમ ગોઠવ્યો હતો ત્યાં લોકડાઉન થતા તમામ ભાવિકો ફસાયા હતા: ત્યાંના તંત્રએ ઘરવાપસીની મંજુરી માટે મચક પણ ન આપી બાદમાં રાજય સરકાર ભાવિકોની વ્હારે આવી

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની મહેનત સફળ નિવડી: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આનંદીબેન પટેલ ભાવિકોનાં સતત સંપર્કમાં રહ્યા

સૌરાષ્ટ્રનાં ૧૩૬ લોકો અયોઘ્યા ખાતે ફસાયા બાદ રાજય સરકારે તેમની વતન વાપસી માટે અથાગ પ્રયાસો કર્યા હતા જે સફળ નિવડતા ગઈકાલે રાત્રે આ તમામ લોકોની ઘરવાપસી થઈ છે. હાલ આ તમામ લોકોને તરઘડીનાં ઉમા કુમાર છાત્રાલય ખાતે કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને ૧૨ દિવસ બાદ તેઓને પોતાના ઘરે જવા દેવાની છુટ આપવામાં આવશે.

Img 20200416 Wa0008

પડધરીનાં દેપાળીયા ગામે આવેલા રામધામ આશ્રમનાં નેજા હેઠળ દર વર્ષે અયોઘ્યા ખાતે રામનામ જાપનો ૧૫ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વખતે પણ કુલ એક મહિનાનો બે શીફટમાં કાર્યક્રમ ઘડાયો હતો જેમાં પ્રથમ શીફટ ૧૬ માર્ચથી શરૂ થઈ હતી જેમાં ૧૩૬ લોકો મંડળનાં આગેવાન બાબુભાઈ ગોપાણીની આગેવાનીમાં ગયા હતા પરંતુ ત્યારબાદ લોકડાઉન લાગુ પડતા આ તમામ લોકો અયોઘ્યા ખાતે ફસાઈ ગયા હતા જોકે તેઓની પાસે રાશન અને જરૂરી ચીજવસ્તુઓનો પુરતો જથ્થો હોવાથી જમવામાં કોઈ તકલીફ પડી ન હતી પરંતુ તેઓ ઘણા દિવસથી ઘરવાપસી માટે અયોઘ્યા ખાતેની સ્થાનિક કચેરીઓમાં ભટકતા હતા પરંતુ ત્યાંના અધિકારીઓ દ્વારા તેઓને મચક પણ આપવામાં ન આવતા તેઓએ રાજકોટ ખાતેનાં આગેવાનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો બાદમાં આ વાત રાજકોટનાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનાં કાને પડતા તેઓએ તુરંત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું ધ્યાન દોર્યું હતું. મનસુખભાઈ માંડવીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સાથે રાખીને આ લોકોની ઘરવાપસી માટે અર્થાગ પ્રયત્નો શરૂ કર્યા હતા બાદમાં આ પ્રયત્ન સફળ નિવડતા તેઓને ઘરવાપસીની મંજુરી મળી હતી જેથી તેઓ તા.૧૨નાં રોજ રાત્રે ૨ વાગ્યે પોતાના વતન આવવા રવાના થયા હતા આ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આનંદીબેન પટેલ સતત તેઓનાં સંપર્કમાં રહ્યા હતા.

Img 20200416 Wa0012

આ અંગે મંડળનાં આગેવાન બાબુભાઈ ગોપાણીએ જણાવ્યું કે, તા.૧૨નાં રોજ રાત્રે ૨:૦૦ વાગ્યે તેઓ નિકળ્યા હતા અને અહીં તેઓ તા.૧૫નાં રોજ સાંજે ૪:૩૦ કલાકે  કુવાડવા ખાતે પહોંચ્યા હતા જયાં તમામ ૧૩૬ ભાવિકોનું હેલ્થચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં કોઈને પણ શંકાસ્પદ લક્ષણો જણાયા ન હતા બાદમાં રાત્રે તેઓ તરઘડી ખાતે આવેલા ઉમા છાત્રાલયમાં પહોંચ્યા હતા અને અહીં તેઓને તંત્ર દ્વારા કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ૧૨ દિવસ પછી તમામ લોકોને ઘરે જવાની છુટ તંત્ર દ્વારા આપવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.