Abtak Media Google News

ભાખરવડી કે જે દરેક ગુજરાતીને સૌથી ભાવતી અને ફેવરિટ આઇટમ છે કે જે ખાસ કરીને ક્યાંય પણ બહાર ગયા હોવ તો નાસ્તા તરીકે તેનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે. જો કે મોટાભાગે લોકો ભાખરવડી બહારની જ ખાતા હોય છે. પરંતુ તમને આશ્ચર્ય થશે કે ભાખરવડી ભલે દેખાવમાં બનાવવી અઘરી લાગતી હોય પરંતુ તે બનાવવામાં સાવ આસાન છે. અને જો ભાખરવડી ઘરે બનાવવામાં આવે તો તે વધુ ટેસ્ટી લાગે છે માટે આજે તમારા માટે ઘર બેઠા જ ભાખરવડી બનાવવાની એક સૌથી સરળ રેસીપી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ.

સૌ પહેલાં ભાખરવડી બનાવવામાં અંદાજે અડધાથી એક કલાક જેટલો સમય લાગે છે. આ માટે સામગ્રીમાં આ માપ અનુસાર તમે ત્રણથી ચાર વ્યક્તિઓ માટે ભાખરવડી બનાવી શકો છો.

ભાખરવડી બનાવવા માટેની સામગ્રીઃ

*1 કપ ચણાનો લોટ,

*1 કપ ઘઉંનો લોટ,

*2-3 મોટી ચમચી તેલ,

*નાની ચમચી ભરીને સૂકા નારિયેળનું છીણ,

*4 સૂકા લાલ મરચા,

હળદર, ગરમ મસાલો, આમચૂર પાવડર અને ખાંડ, ખસખસ અને આખા ધાણા જોઈશે.આ ઉપરાંત એક નાની ચમચી વરિયાળી, જીરુ પણ જોઈશે અને સાથે પ્રમાણસર મીઠું પણ જોઇશે.

પહેલાં ચણાનાં લોટ અને ઘઉંના લોટને મિક્સ કરીને મીઠું અને તેલ નાંખી તેનો કડક લોટ બાંધી દો. આ લોટ પર ભીનું કપડું ઢાંકી દો.

ભાખરવડીની અંદર મસાલો પણ ભરવાનો હોય છે. જેથી ભરવાનો મસાલો તૈયાર કરવા માટે ધીમા ગેસ પર પેન ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે તેમાં વરિયાળી, જીરુ, લાખ સૂકા મરચા, આખા ધાણા નાંખીને તેને શેકી લો અને પછી પ્લેટમાં કાઢીને ઠંડા થવા દો. આ મસાલો ઠંડો પડે ત્યાં સુધી પેનમાં તલ, ખસખસ, નારિયેળનું છીણ નાંખી તેને શેકી લો અને એક પ્લેટ નીકાળો જેમાં આ મિશ્રણ કાઢી ગેસ બંધ કરી દો.

આ બંને ઠંડા પડે એટલે તેને ભેગાં કરી તેમાં ખાંડ, મીઠું, આમચૂર પાવડર, હળદર અને ગરમ મસાલો એમ બધું મિક્ષ કરી તેને મિક્ષરમાં કરકરો પીસી લો જેથી ભાખરવડી બનાવવાનો તમારો મસાલો હવે તૈયાર થઇ જશે.

હવે આ સામગ્રી અને લોટને સરખા ભાગમાં વહેંચી લો. લોટનાં પહેલા ભાગમાંથી થોડી મોટી રોટલી વણી લો અને તેનાં પર થોડું પાણી લગાવો. પછી તૈયાર કરેલો મસાલો આ રોટલી પર સરખા ભાગમાં ફેલાવી દો. મસાલો ફેલાવ્યાં બાદ રોટલીનો થોડો પાતળો રોલ તૈયાર કરો. આ રોલ બની જાય પછી તેની બંને બાજુ થોડું પાણી લગાવી રોલને ચોંટાડી દો.

પછી રોલ તૈયાર થઈ જાય એટલે તેને ચપ્પાથી સરખા નાના-નાના ભાગમાં કાઢી લો અને તે ગોલ્ડન રંગનાં થાય ત્યાં સુધી તેલમાં તળી લો.

હવે તમારી ટેસ્ટી ભાખરવડી ઘર બેઠા તૈયાર. ને એમાંય તમે આ ભાખરવડીને આશરે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો છે ને બિલકુલ આસાન રેસીપી! તો હવે બનાવો ઘર બેઠા ટેસ્ટી ભાખરવડી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.