Abtak Media Google News

‘ઘર ફૂટયે ઘર જાય’ને નોતરું આપતા ભાજપના નેતાઓ!જનસંઘ-ભારતીય જનતા પક્ષને જબરું બળ આપનાર શ્રી લાલકૃષ્ણ અડવાણીને ભાજપના જ મોવડીઓનો જાકારો? લોકસભાની ચૂંટણી ટાણે જ આ સનસનીખેજ સવાલ ઊઠયો છે! શ્રીમતિ ઇંદિરા ગાંધીના નેતૃત્વ હેઠળના કોંગ્રેસ પક્ષને સત્તાનાં સિંહાસનેથી હટાવવા ૧૯૭૬-૭૭ માં લોકનાયક શ્રી જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ વિપક્ષોએ મહાગઠબંધન રચ્યું અને એને નવા જનતા પક્ષમાં રૂપાંતરિત કર્યુ તે વખતે જન સંઘ પણ આ પક્ષમાં વિલીન થયો હતો. શ્રી ચન્દ્રશેખરે શ્રી જયપ્રકાશ નારાયણના નીકટના સાથી તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. નવા જનતા પક્ષના પ્રમુખ પણ તેઓ જ બન્યા હતા.

શ્રી મોરારજી દેસાઇ જનતા પક્ષની સરકાર રચાઇ તે વખતે વડાપ્રધાન બન્યા હતા. ઇંદિરા સરકારમાં તેઓ નાણામંત્રી હતા. શ્રીમતિ ગાંધીએ દેશમાં કટોકટીના પરિસ્થિતિ લાદી તો પછી આવું રાજકીય પરિવર્તન આવ્યું હતું. ખુદ શ્રીમતિ ગાંધી રાજનારાયણ જેવા નવાસવા ગણાય તેવા ઉમેદવારની સામે પરાજિત થયા હતા.

શ્રી મોરારજી દેસાઇના વડપણ હેઠળની જનતા પક્ષની સરકારમાં જનસંઘના અગ્રેસરો તરીકે શ્રી વાજપેયી વિદેશપ્રધાન તરીકે અને શ્રી અડવાણી માહીતી તથા પ્રસારણ ખાતાના પ્રધાન તરીકે જોડાયા હતા. પરંતુ આરએસએસ અને જનતા પક્ષ એમ બન્નેના એટલે કે બેવડા સભ્યપદના મુદ્દે જનસંઘના નેતાઓ સાથે મત મેદો સર્જાતાં જનતા પક્ષની સરકાર તેની મુદતના પાંચ વર્ષ પૂરા કર્યા વગર તૂડી પડી હતી અને ત્રણ જ વર્ષમાં એનું પતન થયું હતું.

આ સરકારનું નામુ નખાઇ જતાં જ વિપક્ષી વિલીનીકરણ ઝડપભેર વિખેરાઇ ગયું હતું. દરેક પક્ષો જુદા જુદા નામે ફરી અસ્તિત્વમાં આવી ગયા હતા. જનતા પક્ષના ટકાવી રાખવાની શ્રી ચંદ્રેશેખરે મથામણ કરી હતી. પણ તે ખોખલો બની ગયો હતો.જનતા પક્ષથી અલગ પડીને જનસંઘના મોવડીઓએ એ નામ બદલી નાખીને ‘ભારતીય જનતા પક્ષ’ રાખ્યું હતું. અને તેના પ્રતીક ‘દીપક’નાં સ્થાને ‘કમળ’રાખ્યુંં હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવકો સંઘ (આરએસએસ)ના પ્રસ્થાપક શ્રી હેડગેવારે ૧૯૨૫ના દશેરાના દિવસે આ સંસ્થાનું સર્જન કર્યુ ત્યારથી તેણે હિન્દુત્વની પુન: પ્રતિષ્ઠાના મૂળભૂત હેતુની સાથે ‘રાષ્ટ્રીય ચારિત્ર્યનાં ઘડતર’નો મુખ્ય મંત્ર રાખ્યો હતો. ગુરુ ગોલ્વાલકર, શ્રી દેવરસજી, રાજુ ભૈયા અને સુદર્શનજી સુધી કાયમ રહ્યો હતો. પરંતુ રાજકીય સત્તા અને સરકાર વિનાએ બળવત્તર નહિ બની શકે એવા મંતવ્ય સાથે તેણે આરએસએસની મુળભૂત ભૂમિકામાં પરિવર્તન લાવીને હવે એને ભાજપની ગતિવિધિઓનો ભાગ બનાવી દીધી છે. હાલના સરસંચાલક શ્રી ભાગવત તો ભાજપની રાજનીતિઓ તેમજ ભાજપની નેતાગીરી વિષે પણ ચંચુપાત કરવા માંડયો છે.

શ્રી અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનું અત્યંત મહત્વનું પદ અપાયું એ આરએસએસની નીતિરીતિના એક ભાગ સિવાય શકય બની શકે નહિ. કેન્દ્રમાં શ્રી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર હતી તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવતા શ્રી નરેન્દ્ર મોદીની ગોધરા કાંડ પછીની નીતિરીતિ વિરુઘ્ધ અજંપો વ્યકત કરીને શ્રી વાજપેયીએ શ્રી મોદીની સનસનીખેજ ટીકાટિપ્પણી કરી હતી. પરંતુ શ્રી અડવાણીએ તેમનો બચાવ કર્યો હતો. શ્રી વાજપેયીની આ ટીકા તેમને હાનિકર્તા બને તેમ નથી.

ગુજરાતમાંથી ચૂંટણી લડીને કેન્દ્ર સરકારમાં છેક નાયબ વડાપ્રધાનના પદ સુધી પહોચેલા શ્રી અડવાણીને ગુજરાતમાંથી ચુંટણી લડાવવાનું બંધ કરાવવાની હિલચાલની ઘટના બેશક ગંભીર છે. વાજપેયી સરકાર વખતે ગુજરાતના મુખ્યમંત્રી પદ સામે અજબ જેવો પડકાર સર્જાયો હતો તે વખતે એમની પડખે રહેલા અડવાણી એમના આદર અને સ્થાન બાબતમાં દાખવાતા અભિગમ અંગે મૌન રહ્યા છે.

ભાજપના એક વર્તુળમાં તો એવી અતિ આકરી ટીકા થઇ રહી છે કે, અગ્નિ પરીક્ષા વખતે સીતામાતા તા ધરતીમાં સમાઇ ગયા હતા. પણ અત્યારની અગિનપરીક્ષા વખતે અડવાણીનું શું ? સોમનાથથી અયોઘ્યા સુધીની ઐતિહાસિક રથયાત્રા દ્વારા શ્રી અડવાણીએ દેશભરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અને બાબરી ઘ્વંશ સર્જીને રાજકીય સન્નાટો સજર્યો હતો અને તે અરસાની લોકસભાની ચૂંટણી વખતે ભાજપને લોકસભામાં ભાજપની બે બેઠકોમાંથી ૨૫૨ બેઠકોના આંકડે પહોચાડી દઇને કેન્દ્રમાં ભાજપ પ્રેરિત એનડીએ સરકારની રચનાનો માર્ગ મોકળલ કરી આપ્યાનો યશ પામેલા શ્રી અડવાણીને તેમના જ પક્ષના મોવડીઓ જાકારો આપી રહ્યા છે એ ચિત્રવિચિત્ર જેવું બની રહે છે !

અહીં એવી ટીકા પણ થઇ શકે છે કે ‘ઘર ફૂટયે ઘર જાય’ ને ભાજપના નેતાઓ નોતરું આપી રહ્યા છે ! હજુ તો થોડા જ વખત પહેલા અડવાણીને પક્ષના સીનિયર અને વફાદાર નેતા તરીકે ઓળખાવાતા હતા હવે એકાએક એમને જાકારો અપાઇ રહ્યો છે ! વાજપેયી સરકારના યશસ્વી સાથીદાર યશવંશ સિંહા, ડો. મુરલી મનોહર જોષી (પૂર્વ ભાજપ પ્રમુખ), અ‚ણ શોરી, શત્રુઘ્ન સિંહા, જશવંત સિંઘ અને ભાજપના અન્ય મોવડીઓ પણ ‘ઘર ફૂટયે ઘર જાય’ની ઝારલ રણઝણાવી ચૂકેલા લોકસભાની ચૂંટણી વખતે કેવી ભૂમિકા ભજવશે, એ કહેવું મુશ્કેલ છે.

એક સાથે ભાજપમાં એકથી વધુ છાવણીઓ હતી, એમાં અડવાણીની પણ એક વગદાર છાવણી હતી. અમુક લોકો તો એમ કહેતા હતા.હાલમાં જે જૂથબંધી દ્રષ્ટિગોચર થાય છે તેમાં મોદી જુથ મોખરે છે. અમિત શાહ, સ્મૃતિ ઇરાની, ગડકરી વગેરેનો સમાવેશ છે. કેટલાક ઉદ્યોગપતિઓ પણ જુથમાં છે.

ઉમા ભારતી તેલ અને તેલની ધાર જૂએ છે.લોકસભાની ચુંટણી દરમ્યાન આ આંતરિક જુથવાદ ખુલ્લો થયા વિના રહેશે નહી એ નિર્વિવાદ છે.લોકસભા માટેના પ્રચારમાં કોણ કોણ મોખરે રહેશે અને મોદીની સાથે પ્રચારમાં કોણ કોણ રહેશે તે જોવાનું રહેશે.એવી અગાહી થઇ શકે છે કે ભારત ‘ઇન્ટરનલ સેબોટેજ’(આંતરિક ભાંગફોડ) થી મુકત નહિ જ રહી શકે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.