Abtak Media Google News

લિજ્જત સાથે લહેજત આપતા મોસમી ફળોમાં કેરી જેટલી જ તરબૂચ અને ટેટીની માંગ

સૂર્યનારાયણ દેવ કોપાયમાન બની અગનવર્ષા વરસાવી રહ્યા હોય ત્યારે ધોમધખતાં તાપમાં ટાઢક આપતા તરબૂચ અને શક્કર ટેટી અમૃત રસ સમાન સાબિત થાય છે. એટલે જ મોસમી ફાળો લિજ્જતની સાથે લહેજત પણ લાવે છે. ઉનાળાના મહત્વના આ બે ફાળો માનવ શરીર માટે અનેક પ્રકારે લાભદાયી છે.ઉનાળામાં કેરીની સાથે તરબૂચ અને શક્કર ટેટીની પણ એટલી જ માંગ હોય છે. આ બન્ને ફળોમાં  વિટામિન્સ, મિનરલ્સ  અને એન્ટીઓકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે.

શક્કર ટેટી

ટેટીમાં સાકાર જેવી મીઠાશ હોવાથી તેને સાકર ટેટી કહેવાય છે.ઉનાળામાં તેનું સેવન વધારે થાય છે. બ્લડપ્રેશર ,આંખોની તકલીફ, અસ્થમા તેમજ શરીરના સોજા સહિત અનેક રોગોમાં રાહત આપે છે. ઉપરાંત ટેટી નો પલ્પ વાળમાં લગાવવાથી સારા કન્ડિશનરનું કામ કરે છે.ટેટીમાં બીટ કેરોટીન અને વિટામિન- ભરપૂર માત્રામાં હોવાથી અસ્થમાના દર્દીઓને ફાયદાકારક છે. દુબળા દર્દીને શક્તિ પુરી પાડે છે. ટેટીમાં ૯૫ ટકા પાણી હોવાથી કબજિયાતમાં રાહત આપે છે.

તરબૂચ

તરબૂચને રણનું અમૃત માનવામાં આવે છે. તરબૂચમાં લોહતત્વનું પ્રમાણ વધુ હોવાથી તેનું સેવન કરવાથી માથું દુખતું મટે છે. તરબૂચમાં ૯૦ ટકા પાણીનું પ્રમાણ હોવાથી શરીરને ઠંડક આપે છે. ઉપરાંત શર્કરાનું પ્રમાણ વધુ હોવાથી પેટની બળતરા મટાડે છે.તરબૂચમાં ઓછી કેલેરી હોવાથી ચરબી ઘટાડી સ્નાયુના દુખાવામાં પણ રાહત આપી, હિટ સ્ટોક (લૂ) થતો અટકાવે છે.તરબૂચ ખાવાથી શરીરની ગરમી દૂર થાય છે અને તરસ પણ મટે છે.તરબૂચના બી પણ એટલા જ ફાયદાકારક છે. તરબૂચના બીમાં મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં હોય છે.જે હદયની અનેક સમસ્યાઓને નિવારે છે. તરબૂચમાં રહેલું એન્ટીઓકિસડન્ટ કારચલીની સમસ્યા દૂર કરે છે.

તરબૂચ અને સાકર ટેટી ખાતી વખતે આટલું આવશ્ય ધ્યાન રાખવું

* તરબૂચમાં નેચર સુગર ભરપૂર માત્રામાં હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ તરબૂચનું સેવન ન કરવું

*કિડની સંબધિત દર્દીઓએ ભૂલથી પણ તરબૂચ ન ખાવું, તરબૂચમાં રહેલા મિનરલ્સ કિડનીને નુકશાન પહોંચાડી શકે છે.

*પાણીની માત્રા વધુ પ્રમાણમાં હોવાથી અસ્થમાના દર્દીઓએ પણ તરબૂચથી દૂર રહેવું.

* રાતે તરબૂચ ક્યારેય ન ખાવું ,રાતે ખાવાથી પાચન શક્તિ ધીમી થાય અને કબજિયાતની સમસ્યા વધી શકે.

*સાકર ટેટી ખાધા પછી તરત ક્યારેય પાણી ન પીવું. તરત પાણી પીવાથી ડાયેરિયા થઈ શકે છે.

તરબૂચની અવનવી જાત

સુગરબેબી: તરબૂચની આ અમેરિકન જાત સહુથી વધુ પ્રચલિત છે.જેનું વજન ૩ થી ૪ કિલોગ્રામ જેટલું હોય છે. તેની છાલ ભૂરાશ પડતા ઘાટા લીલા રંગની હોય છે.

અર્ક જ્યોતિ: આ હાઇબ્રિડ જાત છે.જેનું વજન ૬ થી ૭ કિલોગ્રામ અને છાલ લીલા રંગની તેમજ ઉપર ઘાટા લીલા રંગના પટ્ટા હોય છે. આ જાત  ભારતીય બાગાયત સંશોધન સંસ્થા બેંગ્લોરથી બહાર પાડવામાં આવી છે.

મધૂ: તરબૂચની આ હાઇબ્રિડ જાત છે. જેનું વજન ૮ થી ૧૦ કિલોગ્રામ જેટલું હોય છે. આ જાતના ફાળો લંબગોળ આકારના હોય છે. જેની છાલ ઘાટા લીલા રંગની હોય છે.

મિલન: આ પણ હાઇબ્રિડ જાત છે. લંબગોળ ફળનું વજન ૮ કિલોગ્રામ જેટલું હોય છે. આ જાતની છાલ કઠણ હોવાથી દૂરની બજારોમાં સહેલાઈથી મોકલી શકાય છે.

શક્કર ટેટીમાંથી બનતી અવનવી વાનગીઓ

ગુણકારી શક્કર ટેટીમાંથી અવનવી આવગીઓ બનાવી શકાય છે. જેમકે  શક્કર ટેટીના ભજીયા, જ્યુસ, કાચી કેરી સાથે શક્કર ટેટીનું મિક્સ જ્યુસ, શક્કર ટેટીનું શાક, ફુદીના સાથે મિક્સ જ્યુસ, શક્કર ટેટીની કેન્ડી, શેઈક, શક્કર ટેટી મોકટેઇલ તેમજ સ્મૂઘી સહિતની અનેક અવનવી વાનગીઓ બનાવી શકાય છે.

ગુજરાતમાં બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં મોટા પાયે ઉત્પાદન

પ્રાપ્ત માહિતી અનુસાર ઉનાળુ ખેતીમાં માર્ચ મહિનાની શરૂઆતમાં તરબૂચ અને શક્કર ટેટીનું વાવેતર કરવામાં આવે છે. ૭૫ દિવસમાં તૈયાર થતી ખેતી મહેનત માંગી લે છે. ગુજરાતમાં શક્કર ટેટી અને તરબૂચની ખેતી અંદાજે ૭૦૦૦ હેકટરમાં કરવામાં આવે છે. જેમાં બનાસકાંઠામાં ૫૦૦૦ હેકટર, સાબરકાંઠામાં ૧૦૦૦ હેકટર તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં ૧૦૦૦ પ્રતિ હેકટર દીઠ ૩૫ થી ૪૦ ટન શક્કર ટેટી અને તરબૂચનું ઉત્પાદન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.