Abtak Media Google News

૧૯૯૦, ૧૯૯૫, ૧૯૯૮ અને ૨૦૧૨માં ત્રીજા મોરચાએ ભાજપનું ભલુ જ કર્યુ છે!

ગુજરાતમાં આ વખતે ભાજપે ૧૫૦ કરતાં વધુ બેઠકો જીતવાનું લક્ષ્યાંક જાહેર કર્યુ છે. ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૫૦થી વધુ બેઠકો ભાજપ મેળવે તો બાકીની ૩૦-૩૨ બેઠકો જ કોંગ્રેસ કે અન્યોને મળી શકે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન યોજાયેલી વિધાનસભાની છ ચૂંટણીઓના પરિણામ જોતાં સહેજે સમજાય છે કે, અહીં, ત્રીજા મોરચાથી સત્તાધારી ભાજપને સીધો લાભ થયો છે. આ વખતે પણ યેનકેન પ્રકારેણ ત્રીજો મોરચો કે અન્ય કોઈ પરિબળ મેદાનમાં આવે તો ભાજપને સત્તા હાસંલ કરવામાં કોઈ તકલીફ પડી શકે તેમ નથી એમ સહેજે મનાય છે. આમ, ૧૯૯૦થી અત્યાર સુધીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે, મુખ્ય રાજકીય પક્ષો ચૂંટણી સમજૂતિ સાથે ઉમેદવારો ઉભા રાખે છે કે, ત્રીજા મોરચા તરીકે અન્ય કોઈ પક્ષની ઉપસ્થિતિ બીજા મુખ્ય રાજકીય પક્ષના વોટને વહેંચી નાંખવામાં મોટો ભાગ ભજવી શકે છે આ વખતે પણ કોંગ્રેસને જાકારો આપ્યા બાદ શંકરસિંહ વાઘેલા (બાપુ)ના સમર્થન સાથે જન-વિકલ્પ પાર્ટીના સ્વરુપમાં ફરી,ત્રીજા મોરચા કે તેના જેવી સ્થિતિ આકાર લઇ રહી છે.

ભૂતકાળ જોઇએ તો ૧૯૯૮માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે શંકરસિંહના નેતૃત્વમાં આરજેપી (રાષ્ટ્રિય જનતા પાર્ટી)ની રચના થઈ ગઈ હતી. આરજેપીએ ૧૬૮ ઉમદેવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમને ૧૧.૬૮ ટકા વોટ મળ્યા હતા અને તેમના ૪ ઉમેદવારો જીત્યા પણ હતા. જ્યારે બીજીબાજુ ભાજપના ૧૮૨માંથી ૧૧૭ ઉમેદવારો ચૂંટાયા હતા અને તેમને ૪૪.૮૧ ટકા વોટ મળ્યા હતા. આ વખતે પણ કોંગ્રેસને ૩૪.૮૫ ટકા વોટ હાંસલ થયા હતા અને તેના ૫૩ ઉમેદવારોનો વિજય થયો હતો. જનતાદળના ૯૧ ઉમેદવારોમાંથી ૪ અને સમાજવાદી પાર્ટીના ૩૩માંથી ૧ ઉમેદવાર ચૂંટણી જીત્યાં હતા. ચૂંટણી મેદાનમાં ઉતરેલા ૪૧૫ અપક્ષ ઉમેદવારોએ પણ ૫.૨૪ ટકા વોટ મેળવીને ૩ બેઠકો જીતી લીધી હતી. એમ કહી શકાય કે, આ વખતે પણ ભાજપના પરંપરાગત વોટ અકબંધ રહ્યાં હતા અને કોંગ્રેસના પરંપરાગત વોટ આરજેપી, જનતાદાળ-સમાજવાદી પાર્ટી, અપક્ષો વચ્ચે વહેંચાઈ ગયા હતા.

૨૦૦૨માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તે બાદ યોજાઈ હતી એટલે તેની સીધી રાજકીય અસર અને સીધો લાભ ભાજપને મળતો દેખાયો હતો. આ ચૂંટણીઓમાં ભાજપને તેના ઈતિહાસના સૌથી વધુ ૪૯.૮૫ ટકા વોટ સાથે સૌથી વધુ ૧૨૭ બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને ૩૯.૨૮ ટકા વોટની સાથે ૫૧ બેઠકો પ્રાપ્ત થઈ હતી. એનસીપીએ ૮૧ ઉમેદવારો, જનતાદળ (યુ)ના ૨૯, સમાજવાદી પાર્ટીના ૪૮ ઉમેદવારો ઉપરાંત અપક્ષોના ૩૪૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યાં હતા. જ્યારે ૨૦૦૭ની ચૂંટણીમાં ભાજપને ૪૯.૧૨ વોટ મળ્યા હતા પણ તેના ૧૧૭ ઉમેદવારો ચૂંટણી જીતી શક્યા હતા. કોંગ્રેસ-એનસીપી વચ્ચે અમુક જ બેઠકો પર ચૂંટણી સમજૂતિ શક્ય બની હતી. તે બેઠકો એનસીપી કે કોંગ્રેસના ઉમેદવારોએ જીતી હતી. તે સિવાય કોંગ્રેસને ૩૮ ટકા વોટ અને ૫૯ બેઠકો મળી હતી. જ્યારે એનસીપીને ૧૯.૩૨ ટકા વોટ સાથે ૩ બેઠકો મળી હતી.

૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપને ૪૭.૮૫ ટકા વોટ અને ૧૧૫ બેઠકો મળી હતી. એનો અર્થ એ થાય કે, ૨૦૦૭ની ચૂંટણીમાં ભાજપને મદદકર્તા થાય તેવા કોઈ ત્રીજા મોરચાની હાજરી ન હોવાથી ભાજપને મળતાં પરંપરાગત વોટ ૪૯.૮૫ ટકાથી ઘટીને ૪૭.૮૫ ટકા અને બેઠકો ૧૨૭થી ઘટીને ૧૧૫ ટકા સુધી સીમિત થઈ ગઈ હતી. આ ચૂંટણીમાં કેશુભાઈ પટેલ અને ગોરધનભાઈ ઝડફિયાના નેતૃત્વમાં ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ની રચના થઈ હતી અને આ પાર્ટીએ તેના ૧૬૭ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેને ૩.૬૩ ટકા વોટ મળ્યા હતા અને જીપીપીના ૨ ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા.

૧૯૯૫ની ચૂંટણીમાં ભાજપ-જનતાદ્ળે હાથ મિલાવ્યા ન હતા પણ જનતાદળે પણ ૧૧૫ ઉમેદવારો અને ભાજપે ૧૮૨ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. બીજીબાજુ ૧૬૧૭ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેનો સીધો લાભ ભાજપને મળ્યો હતો. ભાજપને કુલ મતદાનમાંથી ૪૨.૫૧ ટકા વોટ મળ્યા હતા અને ભાજપના ૧૨૧ ઉમેદવારો જીત્યા હતા. જ્યારે અપક્ષ ઉમેદવારો ૧૮.૧૭ ટકા વોટ લઈ ગયા હતા અને ૧૬ અપક્ષ ઉમેદવારો વિજયી થયા હતા. કોંગ્રેસને માંડ ૩૨.૮૬ ટકા વોટ સાથે ૪૫ બેઠકો ઉપર જ જીત મળી હતી.

૧૯૯૦માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી, કેશુભાઈ પટેલની આગેવાની હેઠળ ભાજપ અને ચીમનભાઈ પટેલના નેતૃત્વમાં જનતાદળે હાથ મિલાવીને ચૂંટણી લડી હતી. તે વખતે ભાજપ ૧૪૩ બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખીને કુલ મતદાનમાંથી ૨૬.૬૯ ટકા વોટ મેળવીને ૬૭ બેઠક બેઠકો જીતી લીધી હતી, જ્યારે જનતાદળના ચૂંટણી મેદાનમાં ઉતરેલા ૧૪૭ ઉમદેવારોમાંથી ૭૦ ઉમેદવારો જીત્યાં હતા. તે વખતે જનતાદળને ૨૯.૩૬ ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસના ૧૮૧માંથી માત્ર ૩૩ ઉમેદવારો જ વિજયી થયા હતા અને તેમને ૩૦.૭૪ ટકા વોટ મળ્યા હતા.૧૯૯૦માં લોકો, કોંગ્રેસથી એટલા નારાજ હતા કે એન્ટીઈન્કમબન્સી એટલી હદે તીવ્ર હતી કે ૯૮૦ અપક્ષ ઉમદેવારોમાંથી ૧૧ અપક્ષો ચૂંટણી જીતી ગયા હતા. જે સાબિત કરે છે કે, ગુજરાતમાં ચૂંટણીમાં કોંગ્રેસને અન્ય પક્ષો કરતાં વોટ વધારે મળ્યા હતા પણ તેના ઉમેદવારો સાવ સામાન્ય તફાવતથી અન્ય પક્ષના ઉમેદવારો સામે પરાજિત થયા હતા. અર્થાત કોંગ્રેસની સામે હાથ મિલાવીને લડવાથી કોંગ્રેસના પરંપરાગત વોટ વહેંચાઈ ગયા હતા અને તેનો લાભ ભાજપ-જનતાદળ અને અન્યોને મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.